શંકરનો સતી વિયોગ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકર, ઇશ્વર કે પરમેશ્વર હોય પ્રકૃતિના બ્રહ્માંડમાં આવે એટલે લોકરીતિથી જગતને બતાવવા મનુષ્ય ચરિત્ર કરવું પડે છે. ગુરુના ગુરુ જ્ઞાની, યોગી હોવા છતાં શંકરને સતીનો શોક થયો. અરે સતી તું ક્યાં ગઇ હવે મને ક્યારે મળીશ. સતીના-ભસ્મ અસ્થિ ગંગાકાંઠે લાવી રોવા લાગ્યા. બ્રહ્મા, વિષ્ણુ કહે : શંભુ માયાના સુખ- દુ:ખ મિશ્રિત છે. તમે તો ગુણાતિત છો. તમને શોક કરવો ન ઘટે. સતી તો તમારી આદ્યાશક્તિ પત્ની સ્વરૂપે મળવાની જ છે. સદા તમારી સાથે જ રહેવાની છે. શરીર બે કહેલા છે. એક નિત્ય શાશ્વત. બીજું, પ્રાકૃત નાશવંત. સતીનું પ્રાકૃત શરીર નષ્ટ થયું. આત્મારૂપી શાશ્વત શરીર તમારી સાથે જ છે. તો પણ ગોલોકમાં કૃષ્ણની સાથે રહેલી રાધા તથા વૈકુંઠમાં વિષ્ણુ સાથે રહેલી મહાલક્ષ્મી આ બધા મહામાયાના સ્વરૂપો છે. તેની તમે સ્તુતિ કરો, એટલે સતી પ્રાપ્ત થશે. શંકર સ્તુતિ કરવા લાગ્યા. હે રાધીકા, વેદમાતા, નારાયણી, જ્ઞાનરૂપા, ચરાચર સ્વરૂપે રહેલી સર્વ સિદ્ધિ આપનારી મારી પર પ્રસન્ન થાઓ. ત્યાં તો તરત જ તેજસ્વી વસ્ત્ર અલંકારોથી શોભતા સો ભૂજાવાળી સતીને જોઇને શંકર પ્રસન્ન થયા. સતી બોલ્યા, હે મહાદેવ - હું તો જન્મો જન્મમાં તમારી જ પત્ની થઇશ. તમે વિરહનો ત્યાગ કરો, હું હિમાલયની પુત્રી થઇને તમારી પત્ની થઇશ.