જગન્નાથજીની મૂર્તિ અને રથની પ્રતિષ્ઠા માટે બ્રહ્માજીને આમંત્રણ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, રોજ મૂર્તિ વૃદ્ધિ પામતી હતી. દિવ્ય સુગંધ આવતી હતી. દિવ્ય સંગીતનો નાદ થતો હતો. ચંદનની વૃષ્ટિ થતી હતી. આકાશમાં અદૃશ્ય દેવો પૂજા કરવા આવતા હતા. પૂરા પંદર દિવસ થયા ત્યાં યજ્ઞની વેદિકા પર દિવ્ય સિંહાસન પર ચતુર્ભુજ જગન્નાથ, શેષ, સુભદ્રા અને ચક્ર આ ચાર મૂર્તિના દર્શન થયા. ત્યાં આકાશવાણી થઇ. રાજા વિષ્ણુને લીન, બલભદ્રને શ્વેત લક્ષ્મી અને ચક્રને લાલરંગ કરાવજો. હે રાજા, અહીં મહામંદિરનું શીખર કરાવી તેમાં મારી પ્રતિષ્ઠા કરાવી વિશ્વાસુ શબરભીલ ભક્ત તથા પુરોજ્ઞાનનો વંશ મારી સેવા પૂજામાં રાખજે. પછી ઈન્દ્રદ્યુમ્ન રાજાએ મહા મંદિર કરાવી વેદવિધિથી શ્રીહરિ જગન્નાથ, શેષ, સુભદ્રા અને ચક્રની પ્રતિષ્ઠા કરી અને અશ્વમેઘ યજ્ઞના અંગભૂત અનેક ગાયોના દાન આપ્યા તે ગાયોના ખરીયાથી તળાવ થયું. તેમાં પાણી આવ્યું તે ઈન્દ્રદ્યુમ્ન સરોવર થયું. ત્યાં જલદાનથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. સ્નાન કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. તે પાણી પીવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. ત્યાં દાન કરવાથી સમૃદ્ધિ મળે છે. ત્યાં વાસ કરવાથી મોક્ષ મળે છે. પછી રાજાએ સર્વને ભોજન કરાવી અનેક દાન આપ્યા અને સર્વને કહ્યું કે, મારી પાસે જે કોઇ સંપત્તિ છે તે સર્વે હું આ જગન્નાથ મંદિરમાં અર્પણ કરું છું અને મારી મુક્તિ માટે મારું શરીર પણ પ્રભુની સેવામાં અર્પણ કરું છું.
તે સમયે મૂર્તિની પાછળથી વિપ્રનારાયણ દર્શન દઇને સર્વેને કહેવા લાગ્યા કે, પરમધામ, અક્ષરધામ, અમૃતધામ, અવ્યાકૃતધામ, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બદરીકાશ્રમ વગેરે અનંત ધામોમાં જેને જવાની ઈચ્છા હોય તેણે અહીં વાસ કરવો. પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ, બ્રહ્મમુક્તો, અવતારો, વ્યુહો, અંશો, વિભૂતિઓ તેને જોવાની ઈચ્છા હોય તેણે પુરુષોત્તમ નારાયણની મૂર્તિના દર્શન કરવા. હે રાજા, તારે આ મૂર્તિનું નખશીખા પર્વત ધ્યાન ભજન કરવું. તેથી તારો મોક્ષ થશે. તું વિદ્વાન સાથે મહાવૈષ્ણવ ભકત છે. એમ કહીને વિપ્ર મૂર્તિમાં અદૃશ્ય થયા. નારદ સાથે ઈન્દ્રદ્યુમ્ન રાજા બ્રહ્મા પાસે ગયા અને મંદિરની તથા મૂર્તિની વાત કરી. તમારી કૃપાથી સર્વે તૈયાર છે. હવે તમે આવી જગન્નાથ પ્રભુની પ્રતિષ્ઠા કરો.
બ્રહ્મા કહે, રાજા તું અહીં આવ્યો ત્યાં પૃથ્વી પર સો યુગ ચાલ્યા ગયા અને કરોડો રાજા મરી ગયા. પણ દિવ્ય પુરુષોત્તમ પુરીનો નાશ થયો નથી. તેથી પ્રભુની આજ્ઞાથી હું પ્રતિષ્ઠા કરવા આવું છું. તું સર્વે તૈયારી કર. બ્રહ્માએ પોતાના સેવક પદ્મનિધિને નારદ અને રાજાની સાથે મોકલ્યો. નારદજીએ પ્રતિષ્ઠાની સર્વ સામગ્રી લખી લીધી. પદ્મનીધીએ સર્વ વસ્તુ હાજર કરી. અનેક યોજનોમાં મંડપની રચના કરી. યજ્ઞ કુંડ કરાવ્યા. સોળ ચક્રવાળો ગરૂડની ધજાવાળો સુવર્ણનો રથ વિષ્ણુ માટે કરાવ્યો. ચૌદ ચક્રવાળો દર્પણની ધજાવાળો બલભદ્રનો રથ કરાવ્યો, તથા બાર ચક્રવાળો પદ્મનિ ધજાવાળો સુભદ્રાનો રથ કરાવ્યો. રથની પ્રતિષ્ઠા કાર્ય વિના રથમાં દેવને બેસારવા નહીં. રથની પૂજા પ્રતિષ્ઠા કરી તેમાં પ્રભુને બેસાડીને નગરના દરેક દેવાલયોમાં તે રથને ફેરવીને પ્રભુના મંદિરમાં લાવવો. વેદભણેલા બ્રાહ્મણોને સાથે રાખી વૈષ્ણવ ભક્ત પાસે તે રથને ચલાવવો. વેદમંત્રોથી પુરુષુક્તના મંત્રોથી રથને ધીમે ધીમે ચલાવવો.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, તેમાં વિઘ્ન થવાના હોય તેના ચિહ્ન કહું તે સાંભળો. રથના બન્ને ઈષુ ભાંગે તો બ્રાહ્મણોને ભય આવે. રથનો અક્ષ ભાંગે તો ક્ષત્રિયનો નાશ થાય. તુલ ભંગ થવાથી વૈરાગ્યનો નાશ થાય. શમી ભંગ થાય તો શુકનો નાશ થાય. ધુરા પડી જાય તો વૃષ્ટિ ન થાય, રથની ભીઠ ભાંગે તો પ્રજાને ભય આવે, ચક્ર ભાંગે અથવા ધજા પડી જાય તો બીજા રાજાનું આસન આવે. રથમાંથી મૂર્તિ પડી જાય તો મરણ થાય. અથવા દેશમાં યુદ્ધ થાય. રથ ઉંધો પડે તો દેશનો નાશ થાય. પ્રતિષ્ઠામાં આવા વિઘ્નો આવે તો પવિત્ર કાષ્ટથી અગ્નિ પ્રગટ કરી. યજ્ઞ કરી તેમાં ઘીનો હોમ કરી શાંતિ પાઠ તથા સ્વસ્તિવાંચન કરાવવા જેથી સર્વનું કલ્યાણ થાય, ભક્તોનું કલ્યાણ થાય. સ્ત્રી, પુરુષ, ગાય, પશુનું કલ્યાણ થાવ. સર્વ જગતનું કલ્યાણ થાય. શાંતિ થાય માટે વગેરે સર્વ વિધિ કરવો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નારદજીએ ઈન્દ્રદ્યુમ્ન રાજા પાસે નિર્વિધ્ન શાંતિ માટે પ્રથમની સર્વવિધિ કરાવી. જગન્નાથ પ્રભુ શ્રીહરિને પ્રાર્થના કરી કે, હે પ્રભુ અમારી સર્વ પ્રકારે રક્ષા કરજો.