ભાગ · અધ્યાય ૫૫૫

હિમાલયની પવિત્ર નદીઓ અને નર્મદા ઉત્પત્તિ તેમજ મહિમા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકર પાર્વતી વિમાનમાં બેસી આકાશ માર્ગે જતા એક પર્વત આવ્યો. પાર્વતીએ પૂછ્યું, આ પર્વત કયો છે ? શંકર કહે, ઋક્ષપર્વત છે. ત્યાં હું ૐકારેશ્વર નામે તપસ્વીઓ સાથે વાસ કરું છું. પાર્વતીએ પૂછ્યું, હિમાલયથી સમુદ્ર સુધી કેટલા પર્વતો અને કેટલી નદીઓ છે. શંકર કહે : મહેન્દ્ર, મલય, સહ્યાદિ, શક્તિમાન, ઋક્ષ, વિંઘ્ય, પરાયાત્ર આ કુલ સાત પર્વત કહેવાય છે. બીજા મંદિર, શાર, કૈલાશ, દર્દુર, મૈનાક, વિદ્યુત, વીરંધમ્, પાંડુરતુંગ, પ્રસ્થર, કૃષ્ણ, ગીરી, જયંત, ઋષ્યમુક, ઐરાવત, ગોમંત, ચિત્રકુટ, ચરોકકુટ શ્રીશૈલ, શત્રુંજીત, કૃત, સમર, રૈવતાદિ, બરદાદ, શાલમાલ વગેરે પર્વતો તીર્થમય છે તથા હજારો શીખરોવાળો સર્વશ્રેષ્ટ હિમાલય પર્વત છે. જેમાંથી મહાપવિત્ર નદીઓ નીકળે છે. ગંગા, સીંધુ, શુદ્ર, વીતસ્તા, સરસ્વતી, ચંદ્રભાગા, યમુના, સરયુ, વિયાશા, દેવીકા, ઈરાવતી, ફુહું, ગોમતી, બાહુંદ, ધુતપાપા, દૃષ, ધ્રતી, નીસ્વીરા, કૌશીકી, ચક્ષુ, સ્મતી, ગંડકી, લોહિતા, બ્રહ્મપુત્રા, નર્મદા, સુરસા, મંદાકીની, દશાર્ણા, તમસા, પીપ્યલા, કરતોયા, વિશાલા, વંજીકા, વાલુ, વાહીની, વીરજા, શક્તિમતી, પંકીની, પઘોષ્ણી, તાપી, મણિનાલા કુંમુદ્વાતી, વેષ્ણા, પાશાવૈતરણી, દુર્ગા, તોયા, વૈદીપાલા, વંજુલા, ગોદાવરી, કૃષ્ણવેણી, ભીમરથી, તુંગભદ્રા, તામ્રપાર્ણી, પુષ્પાવતી, શતમાલા, પંલાશીની, તુલસી, ત્રિષીકા, મંદગામા, ગોમતી, ઓજસ્વતી, સ્વર્ણરેખા, નાગમતી, દેવીકા, સાબરમતી, હીરણ, ન્યુકુમતી, શેત્રુંજી, મનોરમા, ચંદ્રકલા, તારાષણી, મોહેશ્વરી આ સર્વ નદી તીર્થરૂપ છે અને પાપનો નાશ કરી મોક્ષ આપનારી છે.

પાર્વતી કહે : સર્વ નદીઓમાં તમે મૂર્તિમાન ક્યાં વાસ કરો છો ? શંકર કહે : નર્મદા નદીમાં હું મૂર્તિમાન રહું છું. પછી શંકર-પાર્વતી ઋષ પર્વતમાં થઇને નર્મદા કાંઠે ઉતર્યા. ત્યાં સ્નાન કરી જલ લઇને ભોજનપાન કર્યા. પછી પાર્વતી શંકરને કહે : રૈવતા નદીની ઉત્પત્તિ કહો ? શંકર કહે, પૂર્વે હિરણ્યકશિપુએ દેવોને પીડા કરી. દેવો નારાયણ પાસે ગયા ત્યારે નારાયણે નૃસિંહરૂપ ધારણ કરી દૈત્યનો નાશ કર્યો. ત્યારે દેવોની પ્રાર્થનાથી વૈકુંઠ ધામથી નારાયણની દિવ્ય દાસી દેવોને પાવન કરવા સ્વર્ગમાં ઘણા વર્ષો રહી. પછી પૃથ્વી પર હિરણ્ય નામે રાજા થયો. તે તપ કરી શંકરને પ્રસન્ન કરવા માટે લોકના કલ્યાણ માટે નર્મદાને પૃથ્વી પર લાવવા શંકરને પ્રાર્થના કરી કે, હે પ્રભુ આ નર્મદાને પૃથ્વી પર મોકલો. શંકર કહે : તથાસ્તુ. એમ કહી રેવા નદીને કહ્યું, તું પૃથ્વી પર જા. તે અહીં આવીને નર્મદારૂપે થઈ. તેમાં સ્નાન દાન પિતૃતર્પણ કરવાથી અનંતગણુ ફળ થાય છે.

પૂર્વ પુરુરવા રાજા પાસે તેના પિતૃઓ આવ્યા. રાજાએ પૂછ્યું, તમે ભૂત પ્રેતના આકારવાળા કોણ છો ? પિતૃઓ કહે, તારા પૂર્વજો છીએ. આ નર્મદામાં અમારું શ્રાદ્ધ તર્પણ કરી દાન કર જેથી અમારો મોક્ષ થાય. પછી પુરુરવા રાજાએ નર્મદામાં સ્નાન કરી પૂર્વજોનું શ્રાદ્ધ પિતૃ તર્પણ, પિંડદાન વગેરે કર્યા. તેથી તે સર્વ પિતૃઓની મુક્તિ થઇ. એવા શ્રીકૃષ્ણનારાયણના અંગમાં રહેનારી નર્મદા નદી મુમુક્ષુઓનું કલ્યાણ કરનારી અને મુક્તિ આપનારી છે.