ભગવત્કૃપાથી વાલ્મિકી ઋષિ દ્વારા રામાયણકાવ્યની રચના
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે ભૃગવંશમાં સુમતી અને કૌશુકીમાં અગ્નિશર્મા પુત્ર થયો. વનમાં ચોરના સંગે લુટારો થયો. વનના માર્ગમાં જે નિકળે તેને લુંટે. એકવાર સાત ઋષિઓ નિકળ્યા. અગ્નિશર્મા કહે, વસ્ત્ર છત્ર વગેરે જે હોય તે લાવો નહીં તો મારી નાખીશ. અત્રીઋષિ કહે, અમને તપસ્વીઓને પીડા કરી તો તને પાપ થશે. અગ્નિશર્માએ કહે, મારા કુટુંબને ચોરી લૂંટ કર્યા વિના પોષણ કેમ કરવું. તેથી શુભ, અશુભ ગણ્યા વિના પાપ કરું છું, અત્રી કહે, તું તારા કુટુંબને પુછી આવ કે મારા પાપમાં કોઇ ભાગીદાર થશે. અગ્નિશર્માએ માતા-પિતા, પત્ની, ભાઇ, બહેન, પુત્રોને પૂછ્યું : ચોરી હિંસાના પાપમાં તમે કોઇ ભાગીદાર થશો કે નહીં ? સર્વેએ ના કહી. અગ્નિશર્મા ઋષિઓ પાસે આવી કહે, મારું તો કોઇ નથી. મેં કરેલા પાપથી મારો ઉદ્ધાર કરો. હું તમારે શરણે આવ્યો છું.
અત્રી કહે, આ વૃક્ષ નીચે બેસી “ૐ શ્રીકૃષ્ણનારાયણ સ્વામીને નમ:” એ મંત્રનો જપ કર. તે પ્રભુ તારા પાપોનો નાશ કરશે. એમ કહી કંઠી, માળા આપી ચાલ્યા ગયા. અગ્નિશર્માએ તે2 વર્ષ સુધી ધ્યાનમાં બેસી પાણી પીધા વિના જપ કર્યો. શરીર પર રાફડો થઈ ગયો. ફરીથી ઋષિ ત્યાંથી નીકળ્યા. મંત્ર ધ્વનિ સાંભળ્યો. તેને ગંગાજળ છાંટી જગાડ્યો. અગ્નિશર્મા પગે લાગી કહે, મારો ઉદ્ધાર કરો. હવે મારો મોક્ષ કરો. ઋષિ કહે, તપ કરતા માથે રાફડો થયો. તેથી વાલ્મીકિ નામે પ્રસિદ્ધ થઈશ. ઋષિઓ ગયા. વાલ્મીકિ ત્રિકાળ જ્ઞાની થયા. રામાયણ કાવ્ય કરીને પૃથ્વી પર રામનું ભજન કરાવ્યું. વાલ્મીકિ નિત્ય પૂજા કરતા. નૈવેદ્ય કરતા. એકવાર ફળફૂલ ન મળવાથી પ્રભુને પ્રાર્થના કરી. તમને શું આપું ? ત્યાં ગાય લઈને ગોપાલ આવ્યો. દૂધ દોઇને વાલ્મીકિને આપ્યું. વાલ્મીકિએ દૂધ ધરી જ્યાં પીધુ ત્યાં આત્મામાં પ્રકાશ થયો. તેમાં અક્ષરબ્રહ્મમાં રાધાકૃષ્ણના દિવ્ય દર્શન થયા. વાલ્મીકિ નાચવા લાગ્યા. પ્રભુ અદૃશ્ય થઈ ગયા. પછી વાલ્મીકિ નિત્ય દિન તે સ્વરૂપનું ચિંતવન કરતા અંતે વૈકુંઠધામને પામ્યા. એ રીતે ગમે તેવા પાપી હોય પણ પ્રભુ શરણથી મોક્ષને પામે છે.