પાર્વતીને તપથી ગૌરવર્ણની પ્રાપ્તિ
લક્ષ્મી કહે : પ્રભુ, પાર્વતી જન્મથી કાળા હતા. ગૌરી કેમ થયા ? શ્રીનારાયણ કહે, લગ્ન કર્યા પછી શંકરે એકવાર મશ્કરી કરી પાર્વતીને કહે : જેના ઘરમાં પત્ની કાળી હોય તેના સંતાન કાળા થાય. તું કાળી છે તને જોઉં છું, ત્યારે મારો મોહ ટળી જાય છે. પણ ભાગ્યમાં હતું તે મળ્યું. પાર્વતી કહે : પતિને સર્વે સુખનું સ્થાન નારી છે તે હું તમને નથી ગમતી તો પહેલા કેમ ન કહ્યું. માટે હવે તમને રાજી કરવા તપ કરીને ગૌર શરીર પ્રાપ્ત કરીશ. અથવા આ શરીરનો ત્યાગ કરીને બીજું શરીર જન્મથી જ ગૌર પ્રાપ્ત કરીશ માટે તપ કરવા રજા આપો. આ સાંભળીને શંકર કહે, હાસ્યમાં હાની થઇ, મશ્કરીમાં મરી ગયા, મેં તો હસતાં કહ્યું ત્યાં ક્રોધ કર્યો. અરે સતી હું મહાકાળ, તું કાળી એમાં ફેર શું ? તો પણ પાર્વતી મહાદેવને પગે લાગી પ્રદક્ષિણા કરી પર્વત પર તપ કરવા બેસી ગયા. પાર્વતી પાસે કોઇ પ્રાણી આવે તેના ભુખ-તરસ મટી જતા. સિંહ ત્યાં આવ્યો શાંત થઇ બેસી ગયો. દેવો- દેવી કહે : માતા તમારે શું અપૂર્ણ છે.
પાર્વતી કહે : પતિવ્રતા સાધ્વીને તપ કરવું જોઇએ. પાર્વતીના તપથી બ્રહ્મા પ્રસન્ન થયા કહ્યું, દેવી શું ઈચ્છા છે ? પાર્વતી કહે : મહાદેવને રાજી કરવા ગૌર શરીર આપો. બ્રહ્મા કહે : તથાસ્તુ. પછી પાર્વતીએ કાળી ચામડી ઉતારી કૌશિકી કન્યાને શુભ-નિશુંભ દૈત્યોને મારવા વિંધ્યાચલ મોકલી. પાર્વતી ગૌરી થયા. માતા-પિતાને પગે લાગીને સેવામાં રહેલા સિંહને સાથે લઇ શંકર પાસે આવ્યા. પગે લાગ્યા. મહાદેવ રાજી થઇ પાર્વતીને ભેટી પડ્યા. આ રીતે તપથી સર્વ પ્રાપ્ત થાય છે.