ભાગ · અધ્યાય ૨૦૫

નરનારાયણ દ્વારા નારદને આશિર્વાદ અને આજ્ઞા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નારદ શંકર પાસેથી મંત્ર નિત્ય વિધિ તથા જ્ઞાન પ્રાપ્ત કરી વિશેષ જ્ઞાન પ્રાપ્તી માટે બદ્રિકાશ્રમમાં નરનારાયણ પાસે આવ્યા. નરનારાયણ ભગવાનને દંડવત્ નમસ્કાર કરી વીણા વગાડી સ્તુતિ કરતા હતા. “જય જય હરિકૃષ્ણ સ્વામિનારાયણ, રાધા-રમણ કરં જય સતી સિદ્ધયતે ત્રયવિક્રમ રણ મોચન મધુરમ્” અનેક નામોને ધારણ કરનારા, જડ-ચેતનમાં વ્યાપીને રહેલા સર્વના આત્મા મુક્તોથી સેવાયેલા, પોતાના આત્મામાં જ રમણ કરનારા નૈષ્ટિક બ્રહ્મચર્યનું પોષણ કરનારા તપસ્વી વેષે રહેલા હે નરનારાયણ ભગવાન તમે જય પામો. નારદની સ્તુતિ સાંભળી નારાયણ પ્રસન્ન થઇ બોલ્યા : નારદ તારી સંગીત, તાલવાળી વીણા સાંભળી રાજી થયો છું. તું મારી ભક્તિ પ્રવર્તનારો થા, સદા યુવાન સ્વરૂપે રહે, સર્વ વિદ્યાનો જાણનારો થા, આ દેહથી મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરી સર્વ સ્થળે ગતિ કરનારો થા. તું મારું ભક્તિશાસ્ત્ર પંચરાત્ર નામે કરજે. તથા સર્વે દેવો, ઇશ્વરો જેની આજ્ઞામાં રહીને સૃષ્ટિનું કાર્ય કરે છે તે પરબ્રહ્મ શ્રીહરિનું ભજન કરજે. સર્વે તીર્થો, સર્વે શ્રૃતિઓ, સર્વે સંતો, ભક્તો જેનો મહિમા ગાય છે તે પરબ્રહ્મ શ્રીહરિનું ભજન કરજે તથા લક્ષ્મી સમાન પત્ની પ્રાપ્ત કરી પત્નીવ્રત વાળો થજે. જે મનુષ્ય નારીનું અપમાન કરે છે તે પોતે અપમાનને પાત્ર થાય છે. આ રીતે નારદજીએ નરનારાયણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ગંગાના ઠંડા પાણીમાં સ્નાન કર્યું. ત્યાં તો નારદજીનું શરીર દિવ્ય મુક્તમય બની ગયું. પછી સર્વે તીર્થોના દર્શન કરવા નીકળ્યા.