ઉન્મીલની એકાદશી વ્રત-પૂજનવિધિ
શ્રી લક્ષ્મી કહે : હે પ્રભો, છવીસ એકાદશીના નામો-પૂજન તથા વ્રતવિધિ કહો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી ઉન્મીલની એકાદશીનો મહિમા કહું છું. બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને શ્રીહરિનું ધ્યાન કરી સ્નાન કરીને શ્રીહરિની ષોડ્શોપચારે પૂજા કરવી. પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી અબિલ, ગુલાલ, કંકુ, ચંદન, ચોખા, ધૂપ-દીપ અત્તરથી પૂજા કરી નૈવૈદ્ય ધરવું. મુખવાસ આપી, આરતી ઉતારી દંડવત્ત, સ્તૂતી, નમસ્કાર કરી ક્ષમા માગવી, શ્રીહરિને પ્રાર્થના કરવી, હે પ્રભુ આજનું વ્રત મારું પુરું કરજો. એકાદશીએ આખો દિવસ શ્રીહરિના ધૂન-કિર્તન, કથા-વાર્તા કરવા. સેવા, ભક્તિ વિના વ્યર્થ સમય જવા દેવો નહીં. બારસને દિવસે સાધુ-સાધ્વી, વિપ્રોને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું. વેધવાળી એકાદશી વ્રત ન કરવું. બે એકાદશી હોય તો બીજી એકાદશી કરવી. બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, ગૌહત્યા વગેરે પાપોને નાશ કરનારું ભગવાનની ભક્તિ કરાવનારું, સર્વે સિદ્ધિ આપનારું, ધામ આપનારું એકાદશીનું વ્રત ભગવાનની પ્રસન્નતા માટે કરવું.