ભાગ · અધ્યાય ૫૪૭

ગુપ્તપ્રયાગ તીર્થ તેમજ નારદ તીર્થનો મહિમા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ગુપ્ત પ્રયાગ તીર્થમાં ગંગા, જમના, સરસ્વતી આ ત્રણેય નદીઓ રહેલી છે તથા બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ, અને રૂદ્રકુંડ આ ત્રણે કુંડો આવેલા છે. તેમાં સ્નાન કરવાથી પ્રયાગમાં સ્નાન કરવાનું ફળ થાય છે. શ્રૃંગાલેશ્વર તીર્થમાં ગૌબ્રાહ્મણ હત્યારા આત્મઘાત સર્પથી મરેલાના શ્રાદ્ધ ત્યાં કરવાથી દુ:ખ શોકથી મુક્ત થાય છે.

એકવાર નારદ તીર્થ કરતા થાકીને શીથિલ શરીરવાળા થઈ નિરાશ થયા. ત્યાં સૂર્ય આવ્યા ને પૂછ્યું, કેમ નારદજી ચિંતામાં શું પડ્યા ? નારદ કહે, સર્વની જેમ મને પણ જરા અવસ્થા દેખાય છે. સૂર્ય કહે, તમે અહીં પરનારાયણની પૂજા કરો તેથી તમારામાં ક્યારે પણ જરા અવસ્થા પ્રવેશ નહીં કરે. જે નરનારીઓ ફાગણ સુદ એકાદશીએ અહીં નારદ તીર્થમાં સ્નાન, દાન અને પુંડરીકાક્ષ ભગવાનનું પૂજન કરશે તથા રવિવારે સાતમનું સ્નાન કરશે તેને ક્યારે પણ રોગનો ભય નહીં રહે. બાલબ્રહ્મચારી રૂપે રહેલા નિષ્કપટ એવા બાળકોને ભોજન કરાવવાથી પ્રભુ પ્રસન્ન થશે. બાલસ્વરૂપ છે તે ભગવાનનું સ્વરૂપ છે. પૂર્વે ધ્રુવ, પ્રહલાદ, શુક, સનકાદિક બાલસ્વરૂપ એવા શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને મોક્ષમાં ગયા છે.