ભાગ · અધ્યાય ૨૭૯

ચૌદશની તિથીએ કોનું પૂજન કરવું ?

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ચૈત્ર ચૌદશે પૂર્વે નારાયણે લક્ષ્મી સાથે વિવાહ કર્યા. તેથી મંડપ કરીને કૃષ્ણ લક્ષ્મીનું પૂજન કરવું. નૈવેદ્ય ધરી આરતી કરવી. વિપ્રો સાધુ ભીક્ષુકોને ભોજન આપી દક્ષિણા આપવી. તેથી દાતા વૈકુંઠ ગોલોક બ્રહ્મધામમાં જાય. વૈશાખ ચૌદશે સાંજે નરસિંહ જન્મોત્સવ કરવો. હિરણ્યકશીપુનો નાશ કરનારા, પ્રહ્લાદનું રક્ષણ કરનારા નરસિંહ ભગવાનનું પૂજન કરી, નૈવેદ્ય ધરી, આરતી કરવી. જેઠ ચૌદશે શ્રીહરિનું પૂજન કરવું. અષાઢ ચૌદશે રુદ્રની પૂજા કરવી. શ્રાવણ ચૌદસે પવિત્રા ધરાવી લક્ષ્મીનારાયણની પૂજા કરવી. ભાદરવા ચૌદશે અનંત શેષનારાયણની પૂજા કરવી. આશ્વિન વદ ચૌદશે ઝેર, શસ્ત્ર, પાણી, અગ્નિ, સર્પ, આપ્તકાળ આદિમાં મરેલાનું શ્રાદ્ધ કરવું તથા વિપ્રો, સાધુ, સાધ્વી, બાળકો, વગેરેને ભોજન કરાવી, કુટુંબ સાથે બેસી જમવું. કાર્તિક ચૌદશે ધર્મરાજાનું પૂજન કરવું. તેલ, સિંદુર, આંકડાના પુષ્પની માળા ચડાવવી, અડદ વડા વગેરેનું નૈવેદ્ય ધરવું, તેથી ભુતપ્રેત વગેરે તામસી તત્ત્વોનો ઉપદ્રવ ન થાય.

કાર્તિક સુદ ચૌદસે શંકરની પૂજા કરવી. બ્રહ્મકુર્ચવ્રત કરવું તથા પંચગવ્ય પીવું તેથી જાણે-અજાણે થયેલા પાપો નાશ પામશે. માગશર ચૌદશે દત્તાત્રેય જન્મોત્સવ કરવો. પોષ ચૌદશે વિરૂપાક્ષ શિવનું પૂજન કરવું. માઘ ચૌદશે યમરાજાની પૂજા કરવી. ફાગણ વદ ચૌદશે લિંગની અથવા મૂર્તિમાન શિવની પૂજા કરવી. સુદ ચૌદશે દુર્ગા પૂજા કરવી. સર્વેવ્રતો થાય તો ઉપવાસ અથવા નકત ભોજન અથવા એકટાણું કરીને વ્રત કરવું તથા વ્રતને દિવસે અથવા બીજે દિવસે સાધુ-સાધ્વી, બ્રાહ્મણો, અનાથ, ભીક્ષુકો અતિથી બાળકો વગેરે ને ભોજન કરાવી, યથાશક્તિ દાન દક્ષિણાઓ આપવી. જે જે દાનપુણ્ય કાર્યો, વ્રત, વિધિ, નિયમો, જપ, તપ કરવા તેમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ મારી ઉપર સર્વે પર પ્રસન્ન થાઓ તેવી ભાવના રાખવી, તો આ લોકમાં સર્વે સિદ્ધિ પ્રાપ્ત કરી અંતે પરમધામની મુક્તિ મેળવી પરબ્રહ્મની સેવામાં રહેવાય છે.