વૈશાખ સુદની મોહિની એકાદશી - ધૃષ્ટબુદ્ધિની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, વૈશાખ સુદ મોહિની એકાદશીની કથા કહું. બ્રહ્મમુહૂર્તમાં જાગી શ્રીહરિનું ધ્યાન કરી, સ્નાન કરી, મોહિની અવતાર મધુસૂદન માધવીનું ષોડ્શોપચારથી પૂજન કરી, થાળીમાં સોના-ચાંદીના સ્વસ્તિક, યજ્ઞોપવિત, તિલક ચાંદલો, સીડી, ચાખડી વગેરે મૂકીને આરતી ઉતારી નૈવેધ ધરવું. મુખવાસ, ફળ-ફૂલ આપવા. મંડળ પાસે ઢોલિયો, ગાદલું, ઓછાડ, ઓશિકું, તકિયો વગેરે મૂકવા. મધ્યાહ્ને પ્રભુને છપ્પન ભોગ ધરાવવા. રોંઢે, હિંડોળામાં ઝૂલાવવા. ધૂન-કિર્તન, કથાવાર્તા, ઉત્સવ આખો દિવસ કરવા, રાત્રે જાગરણ કરવું, પ્રભુ સાથે નૃત્ય કરવું. પૂર્વે ભદ્રાવતી કાંઠે ભાંડીરપુરમાં ધીરજસિંહ રાજાનો નગરશેઠ ધનપાલ હતો. તેનો મોટો પુત્ર અધર્મી હોવાથી કાઢી મૂક્યો. જ્યાં ત્યાં રખડતો, ચોરી કરી જે તે ખાઇ પડ્યો રહેતો. સંગથી ચોરી કરવા જતા પડકાઇ ગયો. ખૂબ માર મારી છોડી મૂકયો. જંગલમાં જઇને વાનરની જેમ ભટકવા લાગ્યો. હિંસા કરી માંસ ખાવા લાગ્યો. ત્યાં જંગલમાં કૌડીન્ય ઋષિના આશ્રમે આવ્યો. વૈશાખ માસમાં નદીમાં સ્નાન કરી ઋષિને પગે લાગી પ્રાર્થના કરી કે મારો ઉદ્ધાર કરો. ઋષિએ “શ્રીહરિ શરણં મમ” મંત્ર બોલી શરીરે પાણી છાંટ્યું. ધૃષ્ટબુદ્ધિ કહે : મારા પાપ બાળીને મારો મોક્ષ કરો. તમારા જેવા સત્પુરુષના દર્શનથી, સ્પર્શથી, પતિત પણ પાવન થાય છે. ઋષિએ કહ્યું : વૈશાખ સુદ મોહિની એકાદશીનું વ્રત નિર્જળા કરી શ્રીહરિનું નામ સ્મરણ કરજે તેથી તારા સમગ્ર પાપો બળી જશે. તે વણિક પુત્ર ઋષિ વચનથી એકાદશીનું વ્રત કરી પાપથી રહિત થઇ ભગવાનનો ભક્ત થયો અંતે પ્રભુની ભક્તિ કરી વૈકુંઠ પામ્યો.