ભાગ · અધ્યાય ૩૧૦

પુરુષોત્તમ માસની વદ ત્રીજની તિથીની પૂજનવિધિ - બ્રહ્મસવિતા રાજા અને ભૂરિશૃંગા રાણી તે સૂર્યપદને પ્રાપ્ત થયા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્માની પૂર્વ સૃષ્ટિમાં બ્રહ્મસવિતા ચક્રવર્તી રાજા હતો તેની પતિવ્રતા પત્ની ભૂરિશૃંગા નામે હતી. રાજા-રાણી બંને શ્રીકૃષ્ણનારાયણના ભક્ત હતા. સેવાભક્તિ પરાયણ રહેતા. અધર્મીઓનું નિયમન કરી. સાધુ, બ્રાહ્મણ, ગાયોની સેવા કરતા. તે રાજા-રાણીએ સર્વે રાજ્યોમાં મંદિરો બનાવી તેમાં દેવોનું પૂજન નૈવેદ્ય, આરતી, વગેરે ચાલુ કરાવ્યું તથા ચાતુર્માસમાં સાધુ-સાધ્વીઓ, બ્રાહ્મણો, અનાથ બાળકો, અતિથિઓને ભોજન કરાવી અનેક પ્રકારના દાન આપે તો તે રાજા ચાતુર્માસમાં દેવાલયોમાં દીપ-દાન અખંડ રાખતો અને જાહેરાત ન કરતો કે, ચાતુર્માસમાં જે શ્રીહરિની નવધા ભક્તિ કરશે, તેને રાજ્ય ભોજન આપશે. આવા ભક્તિ પરાયણ રાજા-રાણીએ પુરુષોત્તમ માસની વદ ત્રીજનું નગારું સાંભળ્યું. નર-નારી ચૌદલોકના વાસી પુરુષોત્તમ નારાયણનું વચન સાંભળો. જે પુરુષોત્તમ માસની વદ-ત્રીજનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની સિદ્ધિને પામશે. આજે કોઇ ભોજન, દાન, આપશે તે નવ નિધિ પામશે. સુવર્ણ દાન કરશે, તેને કુબેરપદ મળશે, રત્નોના દાન કરશે તે ઇન્દ્ર થશે, સર્વે સ્વદાન કરશે તે અષ્ટ, સિદ્ધિ પ્રાપ્ત કરશે, દીપ-દાન કરશે તેને સૂર્યપદ મળશે, દૂધ દાન કરશે તેને ચંદ્રનું સ્થાન મળશે, આજ મારી પૂજા કરશે તે પૂજ્યપણાને પામશે, જે જે મારી પાસેથી ઈચ્છા રાખશે તે સર્વે હું આપીશ.

પુરુષોત્તમ નારાયણનું આવું કૃપા વાક્ય નગારાથી સાંભળી રાજા-રાણી પ્રભુના દૂતની પૂજા કરીને પુરુષોત્તમ માસની વદ ત્રીજનું વ્રત કરી પૂજન કરી, દીપ-દાન કરી, સૂર્ય થવાની ઈચ્છા રાખતા હતા. રાજા-રાણીએ મંડપ કરાવી, મંડળ પુરાવી, સુવર્ણ ઘડો મૂકી, પુરુષોત્તમ નારાયણની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી, ષોડ્શોપચારથી પૂજન કરી, છપનભોગ નૈવેદ્ય ધરતા હતા. પછી આરતી, પ્રદક્ષિણા, દંડવત્, સ્તુતિ, નમસ્કાર, પ્રાર્થના કરી કે, હે પુરુષોત્તમ નારાયણ અમારી પૂજામાં કાંઇ ભૂલ થતી હોય તો ક્ષમા કરજો. એવી રીતે બપોરે, સાંજે આરતી કરી, ભોજન આપી, રાત્રે જાગરણ કરી, કીર્તન ભક્તિ કરતા હતા. ત્યાં શ્રીહરિ પ્રત્યક્ષ દર્શન આપી બોલ્યા કે, હું તમારી ભક્તિથી વ્રતથી દીપ- દાનથી ચાતુર્માસના નિયમથી પ્રસન્ન થયો છું, તેથી તમે ઈચ્છેલું સૂર્યપદ પ્રાપ્ત કરશો. એમ કહી અદૃશ્ય થયા. સવારે રાજા-રાણીએ ગાયો, ભેંસો, હાથી, ઘોડા, પશુ, વાહનો, સોનું, ચાંદી, વસ્ત્રો, પાત્રો, દાસ-દાસી, ખેતર, વાડી, બગીચા, ભૂમિ, સર્વે દાન સાધુ, બ્રાહ્મણોને, યતિ, ભિક્ષુકોને ભોજન કરાવીને આપ્યા. ત્યારે પુરુષોત્તમ નારાયણ ભિક્ષુકનું રૂપ લઇને આવ્યા. રાજારાણીએ ભોજન આપી સેવા કરી ત્યાં રાજા-રાણીને સમાધી થઇ. તેમાં રાજાએ પોતાને મૂર્તિમાં ન સૂર્યરૂપે જોયા અને રાણીને સંજ્ઞારૂપે જોઇ. ત્યાં રાજા રાણીના શરીરો પડી ગયા અને રાજા સૂર્ય થયા, રાણી સૂર્ય પત્ની સંજ્ઞા થઇ. એવી રીતે પુરુષોત્તમ માસનું વદ ત્રીજનું વ્રત પૂજન કરીને બ્રહ્મસવિતા રાજા અને ભૂરિશૃંગા રાણી તે સૂર્યપદને પ્રાપ્ત થયા. પુરુષોત્તમ માસની આ કથાનો અધ્યાય સૂર્યનારાયણની કથા કોઇ વાંચશે, સાંભળશે તે સૂર્યસમાન તેજસ્વી થશે.