ભાગ · અધ્યાય ૧૭૪–૧૭૫

દક્ષનાં યજ્ઞમાં શંકરનું અપમાન થવાથી સતીનો દેહત્યાગ

આ અધ્યાય 174–175 સંયુક્ત છે

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકવાર દક્ષપુત્રી સ્નેહથી શંકર પાસે આવ્યા. શંકરે આદરસત્કાર કર્યો. બીજી વાર આવ્યા શંકર તો જોગી. માન, સન્માન ન આપ્યું. ત્રીજીવાર આવ્યા. શંકરને અભાવ આવ્યો. દક્ષ રાજાએ નૈમિષારણ્યમાં યજ્ઞ કર્યો. ત્યાં શંકરનું આસન ન રાખ્યું. ભૃગુરાજાએ કહ્યું, શિવનું આસન કેમ ન રાખ્યું ? દક્ષ કહે, શિવ અમંગલ છે. પછી બીજો યજ્ઞ હિમાલયમાં કનખલમાં કર્યો. સર્વે દેવો, ઇશ્વરો આવ્યા પણ શંકરને આમંત્રણ ન આપ્યું. આસન પણ ન રાખ્યું. સતીની બહેનોના વિમાન કૈલાસ પરથી નીકળ્યા. સતીને કહે : ચાલ પિતાજી યજ્ઞ કરાવે છે. સતી કહે : તમે જાવ હું આવું છું. દધીચી ઋષિએ દક્ષ પ્રજાપતિને કહ્યું, શંકરનું આસન યજ્ઞમાં નથી તેથી પરિણામ સારું નહીં આવે. દક્ષે ઋષિનું અપમાન કરી બહાર કાઢ્યા. ત્યારે દધીચી ઋષિએ શાપ આપ્યો. મૂર્ખ તું અભિમાનથી શંકરની નિંદા કરે છે. અને મારું અપમાન કરે છે. તેથી યજ્ઞનો અગ્નિ તારા માથા પર પડશે. એમ શાપ આપી યજ્ઞસ્થાનમાંથી બહાર નીકળી ગયા.

સતીએ શંકરને પિતા દક્ષના યજ્ઞમાં જવાનું કહ્યું. શંકર કહે, સતી તારા પિતાની આજ્ઞા નથી. મારો દ્રોહ કરે છે. ત્યાં યજ્ઞમાં મારું આસન રાખ્યું નથી, મારી નિંદા કરે છે અને આપણને આમંત્રણ નથી તેથી ત્યાં જવું યોગ્ય નથી. સતીએ કહ્યું, મારી સર્વે બહેનો જાય છે. અને પિતાને ઘેર જવામાં આમંત્રણની જરૂર નથી. શંકરે કહ્યું, સતી તમારે શું અપૂર્ણ છે. ત્યાં જવાથી પરિણામ સારું નહીં આવે. મને ત્યાં જવામાં શાંતિ નથી દેખાતી. તું ત્યાં જઇને મને મારવાની શું કામ ઈચ્છા કરે છે. છતાં સતીએ નારી હઠથી જવાનો આગ્રહ કર્યો. શંકર કહે, આજે જવામાં નક્ષત્ર યોગ સારો નથી. તેથી ફરીને મારું મુખ જોવા નહીં મળે. શંકરે ના પાડવા છતાં સતી જવા તૈયાર થયાં. શંકરને પગે ન લાગ્યા અને નીકળ્યા. શંકરે સાથે ગણોને મોકલ્યા. સતી પિતા દક્ષને ઘેર આવ્યા. માતા-પિતાને પગે લાગ્યા અને પુછ્યું - શંકરને કેમ ન બોલાવ્યા ?

દક્ષ કહે : બ્રહ્માએ શંકરના બહુ વખાણ કર્યા એટલે મેં તને શંકરને આપી પણ જોગી વિવેક વગરનો છે. વ્યવહારની ખબર નથી. સ્મશાનમાં રહે, ભસ્મ લગાવે, ભૂત ભેગો રહે, એને સંસારનું જ્ઞાન નથી. હું ત્રણવાર આવ્યો, મને બોલાવ્યો ? સતીએ શંકરની નિંદા સાંભળીને તરત જ કાનમાં આંગળી નાખી સાંભળવું બંધ કર્યું. પછી સતી યજ્ઞ મંડપમાં ગયા. ત્યાં સર્વે દેવોને જોઇને શંકરનું આસન ન જોયું ત્યારે સતીએ વિષ્ણુને કહ્યું, તમે શંકરને ત્યજીને કેમ આવ્યા ? બ્રહ્માને કહ્યું, તમે પણ શિવને ત્યજીને આવ્યા. એવી રીતે સર્વે દેવોને કહ્યું. પછી પિતાને કહ્યું શિવનું આસન કેમ નથી ? દક્ષે ફરી શંકરની નિંદા કરી. ત્યારે સતીથી સહન ન થયું. ત્યાં યજ્ઞ મંડપમાં યોગથી શરીરમાં રહેલા છ ચક્રો ભેદી પોતાના આત્માને બ્રહ્મરંધથી બહાર કાઢીને યોગઅગ્નિ પ્રગટ કરી શરીર બાળી દીધું. યજ્ઞ મંડપમાં હાહાકાર થઇ ગયો.