શ્રીશ્વેતાયન વ્યાસ પ્રભુનો હાટકાંગદ રાજાને ઉપદેશ
આ અધ્યાય 58–59 સંયુક્ત છે
શ્વેતાયન વ્યાસ પ્રભુ કહે : જે ભગવાનના ભક્તો છે તે પણ સંસારમાં રહીને શ્રીહરિના ધૂન-કિર્તન, નામ સ્મરણ, કથાવાર્તા વગેરે નવધા ભક્તિ કરે છે. નિર્ગુણ સ્થિતિને પામેલા શુક સનકાદી નારદ વિગેરે પણ પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા અખંડ કથાવાર્તા કરે છે. મેં પણ પૂર્વે લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળી છે. તે લક્ષ્મીનારાયણ સંહિતા બ્રહ્મસ્વરૂપી છે. શ્વેતાયન વ્યાસ પ્રભુએ બહિર્ષાંગદના પુત્ર હાટકાંગદને કહ્યું કે, તારા પિતા આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળવાથી મુક્તિને પામશે. તેથી એક માસ સુધી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરાવો.
શ્રીશ્વેતાયન વ્યાસ કહે : હે રાજા, જેણે કૃષ્ણની કથા નથી સાંભળી તેના કાન રાફડાના દર જેવા જાણવા. જેણે જીભેથી પ્રગટ પ્રભુના ગુણ ગાયા નથી તેની જીભ દેડકી સમાન જાણવી. મસ્તકથી પ્રભુને નમન ન થયું તો ભાર રૂપ જાણવું. જેના હાથ ભગવાનની સેવામાં કામમાં ન આવ્યા તેને લાકડાં જેવા જાણવા. નેત્રોથી ભગવાનના દર્શન ન કર્યા તો મોરપીંછમાં રહેલા ચાંદલા જેવા જાણવા. પગથી ભગવાનના મંદિરે ન જવાયું. પ્રદક્ષિણા ન થઇ તો વૃક્ષના થડ જેવા જાણવા. શ્રીહરિના ચરણરજની સેવાનો લાભ ન મળ્યો તો મનુષ્ય જીવન મરેલું જ છે. હરિકથામાં જેને રસ છે, સાંભળવાથી જેના નેત્રમાં આંસુ આવે છે, હૃદય પીગળે છે, રોમ પુલકિત થાય છે. એવા સાત્વિક આત્માઓમાં સાક્ષાત નારાયણ હું વાસ કરું છું. માટે પ્રભુની ભક્તિ નામ સ્મરણ કરી સ્તુતિ કરવી હે અધમ ઉદ્ધારણ પતિત પાવન અશરણના શરણ, અનાથના નાથ. સર્વે અવતારોમાં રહેલા વ્યાપક સ્વરૂપે રહેલા ભક્તોમાં રહેલા સાધુ-સાધ્વીમાં વિશેષ પણે રહેલા એવા હે પરબ્રહ્મ અનાદિશ્રીકૃષ્ણનારાયણ હે હરિકૃષ્ણ તમોને કોટી નમસ્કાર.