ભાગ · અધ્યાય ૪૬૬

રાધા પ્રાગટ્ય - રાધા વિવાહ - રાધાના માતા-પિતાને મોક્ષનું વરદાન

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, રાધાના માતા-પિતા પૂર્વજન્મમાં હિમાલયમાં સુચંદ્ર રાજા- રાણી હતા. મોક્ષની ઈચ્છાવાળા રાજાએ બે હજાર વર્ષ તપ કર્યું. માથે રાફડો જામી ગયો. રાણી કલાવતી પતિનું કેવળ હાડપિંજર જોઇને રોવા લાગી. ત્યાં બ્રહ્માં આવ્યા. રાજાને વરદાન માગવા કહ્યું. રાજાએ મોક્ષ માગ્યો. રાણી ઉદાસ થઈને કહે, પિતામહ તમે મારા પતિને મોક્ષ આપો, તો હું એકલી કેમ રહી શકુ ? કન્યાનું રક્ષણ પિતા કરે. પત્નીનું રક્ષણ પતિ કરે. વૃદ્ધાપણમાં પુત્ર રક્ષણ કરે. પત્નીનું સર્વસ્વ પતિ છે. તેથી મને પણ મારા પતિ સાથે જવા દો.

બ્રહ્મા પ્રસન્ન થઈ કહે, તમે બન્ને મોક્ષ પ્રાપ્ત કરશો. પણ પ્રભુની ભક્તિ વિના મોક્ષમાં જવાતું નથી. તેથી તમો સ્વર્ગમાં ગયા પછી જન્મ ધારણ કરશો. તેમાં તમને પ્રભુ મળશે. પછી સુચંદ્ર રાજા યમુનાતટે વૃષભાનું અને સુરભાગુ પુત્રી કલાવતી થયા અને કલાવતી કાન્યકુબ્જ દેશમાં જન્મ લઇને પદ્માવતી થઇ તે વૃષભાનુને વરી. તેને રાધા નામે કન્યા થઈ. તે રાધાનો વિવાહ શ્રીકૃષ્ણ ભગવાન સાથે બ્રહ્માએ કરાવ્યો. એકવાર રાધાજીએ વૃંદાવનમાં એકાંતમાં શ્રીકૃષ્ણ ભગવાનને યમુના જળથી સ્નાન કરાવ્યું. ત્યારે પ્રભુએ ગોલોકની ગાયો સંભારી. તરત સુનંદા સમુના સુશીલા સુરભિ કપિલા આ પાંચ ગાયો આવી અને જન્મજયંતિએ પ્રભુને દૂધથી સ્નાન કરાવીને કાશીમાં આવી શંકરને દૂધથી નવરાવ્યા તે કપિલાહદ તીર્થ થયું. પછી ગાયો ગોલોકમાં ગઇ.