ભાગ · અધ્યાય ૪૧૫

પતિની સેવા પ્રભુની સેવા માનીને કરે તે સ્ત્રી રાધા-લક્ષ્મી સમાન છે

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બ્રહ્મપતિ, મુક્તપતિ, સર્વપતિ, આત્મપતિ એવા અંતર્યામી અનાદિશ્રીકૃષ્ણનારાયણને જ્યાં સુધી જીવાત્મા પતિરૂપે જાણતો નથી ત્યાં સુધી સુખશાંતિ અને અલૌકિક આનંદને પ્રાપ્ત કરતો નથી. સ્વર્ગ મૃત્યુ પાતાલ વગેરે ચૌદલોકના સુખ તથા ઈન્દ્ર, બ્રહ્મા, વૈરાટના સર્વે સુખો અનિત્ય અને નાશવંત છે. શાશ્વતસુખ કૃષ્ણપતિ વિના મળતું નથી. દૂધ પાયેલ લીંબડો જેમ કડવાસ નથી તજતો તે રીતે માયા સ્વભાવરૂપી પતિ સંસાર જન્માવે છે. અગ્નિ જેમ સુવર્ણ વગેર ધાતુને શુદ્ધ કરે છે. તેમ અગ્નિ જેવા કૃષ્ણપતિથી આત્મા શુદ્ધ થાય છે.

બ્રહ્માદિ દેવોને સ્વપ્નમાં દુર્લભ જે કૃષ્ણ તે કૃષ્ણ ગોપગોપીઓને સુલભ થયા. હે પ્રભુ બીજાએ મુક્તિ ન મેળવી. તે કુબજાએ મેળવી તેવી પ્રસન્નતા અમારી ઉપર કરી અમને ઉગારજો. ગોપને વશ રહેલી ગોપીઓ કૃષ્ણની ભક્તિથી તરી ગઇ. પુત્રમાં વંશ છે. બીજમાં વૃક્ષ રહેલું છે. શરીરમાં કામ રહેલો છે. તેમ પતિ-પત્નીમાં આનંદ આપનારા શ્રીહરિ રહ્યા છે. તેને જાણવાથી સંસારમાં નિર્લેપ રહેવાય છે. જેમ લાકડામાંથી બનાવેલું વહાણ તરે છે. તેમ સતી સ્ત્રી કૃષ્ણભક્તિથી પતિને તારે છે. પતિવ્રતા પતિની સર્વ ક્રિયા પ્રભુની સેવા છે. એમ માની સેવા કરે છે તે રાધાલક્ષ્મી સમાન છે.