ભાગ · અધ્યાય ૩૭૩

વૈકુંઠમાં નારાયણ દ્વારા લક્ષ્મીનો ગર્વ નાશ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અક્ષરધામના પતિ પુરષોત્તમ નારાયણે પોતાના હૃદયમાંથી ઈચ્છા સંકલ્પરૂપ મહાસતી લક્ષ્મી પ્રગટ કર્યા. લક્ષ્મીજીએ ધામમાં સર્વે મુક્તોના સ્વરૂપથી પોતાનું રૂપ વિલક્ષણ જોઇ પુરુષોત્તમ નારાયણને કહ્યું, મારા વાસ માટે જુદો મહેલ બનાવો. પુરુષોત્તમ નારાયણે અક્ષરધામના પ્રદેશમાં વૈકુંઠની રચના કરી પોતે બીજું પોતાનામાંથી ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કરી લક્ષ્મીજીને સેવા માટે ત્યાં રહ્યા. તે ધામમાં અનંત સમૃદ્ધિ, દાસ, દાસી, મહેલ, બગીચાથી શોભતા નારાયણની સેવામાં રહ્યા. લક્ષ્મીનારાયણની ભક્તિ કરનારા અનંત ભક્તો તે વૈકુંઠ ધામમાં દિવ્ય પાર્ષદ, પાર્ષદાણીઓ થઇને લક્ષ્મીનારાયણની સેવામાં રહે છે.

એકવાર વૈકુંઠમાં નારાયણ અનેક સ્વરૂપ ધારણ કરી સખી સાથે રમતા હતા. મહાલક્ષ્મી પોતાના ભવનમાં હતા. તે સમયે સનકાદીકો યોગબળથી ધામની રચના પ્રભુએ કરી છે તે જાણીને વૈકુંઠમાં દર્શને આવ્યા. બાળસ્વરૂપે રહેલા રતીક્રિયાને નહી જાણનારા, સ્ત્રીના યોગને નહીં જાણનારા એવા નારાયણના દર્શન કરવા અંત:પુરમાં ગયા. નારાયણને પગે લાગી ભેટી પડ્યા. લક્ષ્મીજીના પગ દાબવા લાગ્યા. લક્ષ્મીજીએ ભોજન આપ્યું, પૂજ્યા. પછી દર્શન કરી ગયા. લક્ષ્મીજીએ નારાયણને કહ્યું, તમારા દર્શન કરવા દેવો, મુનિઓ આવે છે અને અમે સેવામાં હોઇ તેથી દરવાજે દ્વારપાલ રાખો. નારાયણે સ્મરણ કર્યું. ત્યાં જય-વિજય ચતુર્ભુજ રૂપે ત્યાં આવ્યા તથા નંદ-સુનંદ, પુષ્પદંત, સાત્વત, કુમુદ-કુમુદાક્ષ આઠ નારાયણના ઐશ્વર્ય પાર્ષદોને દ્વારપાલ બનાવીને દરવાજે રાખ્યા. સનકાદીકો બીજીવાર દર્શને આવ્યા. દર્શન કરી ચાલ્યા ગયા. લક્ષ્મીજી દરવાણીને કહે : કોઇને લક્ષ્મીનારાયણની આજ્ઞા વિના અંદર આવવા દેવા નહીં. સર્વે દ્વારપાલે આજ્ઞાનું પાલન કરવું. પતિવ્રતા મહાલક્ષ્મીનારાયણની સર્વે સેવા ભક્તિપૂર્વક કરતા. સ્નાન, શણગાર, ભોજન, પાન, શય્યા વગેરે અનેક સેવા સ્નેહથી કરતા. એકવાર લક્ષ્મી સખી સાથે બગીચામાં જઇ પોતાના વખાણ કરવા લાગ્યા. નારાયણ મારે વશ વર્તે છે. હું કહું એમ કહે : મને જ સંભારે. તમે ધણી છો પણ મારા જેવો કોઇ નહીં. આવી રીતે ગર્વ અભિમાન લક્ષ્મીજીને આવ્યું. તે નારાયણે જાણ્યું. લક્ષ્મીસખી સાથે બગીચામાંથી પાછા વળ્યા. નારાયણના દરવાજે આવ્યા. ત્યાં નારાયણની આજ્ઞાથી જય-વિજયે અંદર જવાની લક્ષ્મીજીને ના પાડી. પાર્ષદોથી પરાભવ પામી પોતાનો તિરસ્કાર જાણીને લક્ષ્મીજી તે સમયે શ્રીહરિનારાયણનું ધ્યાન કરી દેહ ત્યાગ કરવા તૈયાર થયા. તે સમયે નારાયણના દર્શન કરવા બ્રહ્માદી દેવો, ઋષિઓ આવ્યા હતા. તેણે કહ્યું. ક્ષમા કરો દેવી, તમારા જગત નિષ્ફળ થશે. તમે સર્વેના સંપત્તિરૂપ છો તમારી આરાધના કરીને મનુષ્યો, પત્ની, પુત્ર, સંપતી સર્વે વસ્તુને મેળવે છે.

દેવોની સ્તુતિ સાંભળી મહાલક્ષ્મી કહે, હું ક્રોધથી કે વૈરાગ્યથી દેહ નથી ત્યજતી પણ મારા હૃદયમાં વિચાર કર્યો છે કે, પતિને નોકર અને પત્નીમાં સમાન ભાવ છે. તો મારે આ જીવન શું કામનું. હું નારાયણની સર્વે પત્નીઓમાં મોટી છું. તે દરવાણીએ મારું અપમાન કર્યું. જે સ્ત્રી પોતાના પતિને સુખ નથી આપી શકતી તેને પોતાને ક્યાંય સુખ મળતું નથી. તેનું જીવન વૃથા થાય છે. જે સ્ત્રીના પતિને પ્રેમ નથી, તે સ્ત્રીનો જન્મ નિરર્થક થાય છે. જે સ્ત્રીને પતિમાં સેવા ભક્તિ નથી તે સદા અપવિત્ર, ધર્મહીન રહે છે. સ્ત્રીને પતિ છે તે સર્વસ્વ છે. માતા-પિતા, બંધુ પુત્ર એ સર્વે અલ્પ આપે છે. પતિ સર્વસ્વ આપે છે. પતિવ્રતા સાધ્વી ક્યારે પણ પતિના દોષને કહેતી નથી. તેથી શ્રીહરિના દાસ દરવાણીએ મારો તિરસ્કાર કર્યો છે તેથી પ્રાણ ત્યાગ કરીશ. સ્ત્રીને પતિ સેવા છે. તે પરમ ધર્મ તપ અને દેવપૂજન છે. જે સ્ત્રી પતિના પગ ધોઇને પાણી પીવે છે, પતિની ઉચ્છીષ્ટ પ્રસાદી જમે છે તેના દર્શન દેવો ઈચ્છે છે.

લક્ષ્મીનું કહેવું સાંભળી બ્રહ્મા કહે : જે થવાનું હશે તે થશે પણ તમે જય-વિજયને શાપ ન આપતા. અને અમારી સાથે નારાયણ પાસે ચાલો. એટલે આ સર્વે દેવો, ઋષિઓને દર્શનનો લાભ થાય. ત્યારે લક્ષ્મીજી કહે : દેવો જો હું પતિવ્રતા હોઉં, પતિમાં લોભાયેલી, પતિ માટે પ્રાણ આપનારી, જો હું મારા ધર્મમાં રહેલી હોઉં તો પતિવ્રતાના બળથી નારાયણ મારી પાસે આવો. શ્રીહરિ માટે મે સર્વનો ત્યાગ કરી સર્વ શ્રીહરિ માટે જ કર્યું હોય તો દરવાજે દર્શન દેવા આવો. જો આત્માથી હું તમને વરેલી હોઉં તો નારાયણ તમે દર્શન દેવા આવો નહીંતર હું મરીશ. એમ કહી પગમાંથી અગ્નિ પ્રગટ કરી જ્યાં બળવા જાય ત્યાં નારાયણ આવી હાથ ઝાલી છાતી સાથે ભીડીને કહે, દેવી ક્ષમા કરો. મેં ક્રૂર કાર્ય કર્યું છે એમ કહી નેત્રમાં આંસુ લાવી કહે. તું સત્ય પતિવ્રતા છો, પતિવ્રતાના પ્રભાવથી જ હું અહીં આવ્યો છું. આવ દેવી, ક્રોધ ન કર. સાધ્વી થા. તારી પરીક્ષા માટે ગર્વનાશ માટે જ દરવાણી પાર્ષદને અંદર આવવા દેવાની ના કહી હતી. ભક્તમાં, ભાઇમાં અને પત્નીમાં મારે સમાન ભાવ છે. વિશેષ તો મારે પત્ની કરતા પણ મારી ભક્તમાં મને વધારે ભાવ રહે, એમ કહી લક્ષ્મીને અંદર લઇ ગયા. પાર્ષદોને બોલાવી કહે : વત્સ ભય ન રાખતો. હું અહીં છું. ત્યાં મારાં ભક્તને કોઇનો ભય નથી. મારા ભક્તનો શાસ્તા કોઇ નથી. આ મેં ચરિત્ર કર્યું તે જે ગાશે તેનો મોક્ષ થાશે. શ્રીહરિ દેવોને કહેવા લાગ્યા. સાંભળો સર્વેથી શ્રેષ્ટ પતિવ્રતા ધર્મ છે. તેથી હું વશ થઇને સિંહાસનનો ત્યાગ કરી દરવાજે આવ્યો. પતિવ્રતાને આધારે સર્વે દેવતાઓ રહેલા છે. તેથી પતિવ્રતા સમાન એકે ધર્મ નથી. માટે નર-નારીઓ, ભક્તો પતિવ્રતાના ભાવથી મને સેવે છે, ભજે છે તે મને પામે છે. હું તેની પાસે જ છું. ભક્તિ અને મુક્તિ આપનારો પતિવ્રતાસમાન એકે ધર્મ નથી. બ્રહ્માદી દેવો લક્ષ્મીનારાયણના દર્શન કરી પોતાને સ્થાને ગયા.