મહામાયા તે પરબ્રહ્મની અર્ધાંગના શક્તિ થઇ
લક્ષ્મી કહે : હે પ્રભુ, શંભુ પત્ની સતીની કથા કહો. શ્રીનારાયણ કહે : અનંત મુક્તપતિ ભગવાન એકલા રમતા નથી તેથી પોતાના ડાબા ભાગમાંથી ઈચ્છાશક્તિરૂપી દિવ્યા, બ્રહ્મસ્વરૂપા મહામાયા પ્રગટ કરી. તે રાધિકા મહાલક્ષ્મી રમા, સાવિત્રી લક્ષ્મી સ્વરૂપે થાય છે. વૈરાટનારાયણના લલાટમાંથી શંકર પ્રગટ થયા. ત્યારે મહામાયા એ દક્ષ પ્રજાપતિને ત્યાં સતી નામે પ્રગટ થયા. પૂર્વે બ્રહ્મા સૃષ્ટિ રચવાને સમય ધ્યાનમાં હતા. ત્યાં કાનમાં ખંજવાળ આવી. સળીથી મેલ કાઢ્યો ત્યાં તો તેમાંથી બે અસુરો મધુ, કૌટભ થયા. તે પાણીમાં વિષ્ણુની સાથે પાંચ વર્ષ સુધી લડ્યા. તોય મર્યા નહીં ત્યારે વિષ્ણુએ મહામાયાને બોલાવી. તે પાર્વતી આવ્યા. વિષ્ણુ કહે : તમે મારામાં પ્રવેશ કરી અસુરોને મોહ પમાડો. પાર્વતીએ વિષ્ણુમાં પ્રવેશ કર્યો. મધુ-કૌટભ બંને મોહ પામીને કહે : અમારી સાથે લગ્ન કર. મહા માયા મોહીની સ્વરૂપે રહેલા વિષ્ણુએ ચક્રથી બંને અસુરોનો નાશ કર્યો. આ રીતે મહામાયા તે પરબ્રહ્મની અર્ધાંગના શક્તિ છે.