ભાગ · અધ્યાય ૩૦૧

પુરુષોત્તમ માસની સુદ નવમીની તિથીની પૂજનવિધિ - અગ્નિ અને સુવર્ણ જગતપૂજ્ય થયા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ પુરુષોત્તમ માસની કથા પરબ્રહ્મ પાસેથી વાસુદેવે સાંભળી. વાસુદેવ પાસેથી ભૂમાપુરુષે સાંભળી. ભૂમાપુરુષ પાસેથી વૈરાટ નારાયણે સાંભળી. વૈરાટનારાયણ પાસેથી તેનો પુત્ર અગ્નિદેવ વગેરે ત્રિલોકીએ સાંભળી. પૂર્વે અગ્નિ સર્વેને બાળતો હોવાથી તેનો ક્યાંય સત્કાર ન થતો, દેવો ઇશ્વરોમાં સન્માન ન પામતો. તેથી લોકાલોક પર્વતમાં જઇ વાસ કરી, તેના પુત્રપણાને પામ્યો. પણ અતિ દાહક શક્તિ હોવાથી કોઇ તેની પાસે જતું નહીં. તેને કોઇ બોલાવતું નહીં. તેથી તે અગ્નિ ઉદાસ થઇ વિચાર કર્યો, જેની પાસે વિદ્યા, સંપત્તિ, કીર્તિ, રાજસત્તા, સિદ્ધિ, ઐશ્વર્ય, ભક્તિ એ માંયલું કાંઇ નથી, તેનું જીવન મરણ સમાન છે. તેથી મેરુ પર્વત પરથી પડી અને મરી જાઉં. તે અગ્નિએ અને તેનો પુત્ર સુવર્ણ. તેણે એવો વિચાર કર્યો. ત્યાં સત્યલોકમાં ફરતું શ્રીહરિનું નગારું તેણે જાહેરાત કરી અધિક માસમાં કોઇ જનો શોક ન કરશો. નારાયણને સંભારીને જે આજે પુરુષોત્તમ માસની નવમીનું વ્રત કરશે તે ઈચ્છેલું ફળ પ્રાપ્ત કરશે. એકટાણું કરવાથી, નકત ભોજનથી, અયાચિત ભોજનથી, ફળથી, દૂધથી, નિરાહારથી, વ્રત કરીને પુરુષોત્તમ નારાયણનું પૂજન એકવાર સવારે અથવા ત્રણ વાર પૂજન કરશે તે દરિદ્ર હશે, ગણતરી વિનાનો હશે તે દરિદ્ર મટી ગણનાપાત્ર થશે. હું પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી કહું છું કે, જડ હશે, તિરસ્કાર પામતો હશે, તેના સર્વે દુ:ખો નાશ થશે. પુરુષોત્તમ માસમાં જે પુણ્ય કરશે તે પવિત્રતાને પામશે. જે મારું પૂજન કરશે તે પૂજ્યપણાને પામશે. જે અધિક માસનું રક્ષણ કરશે તેનું હું રક્ષણ કરીશ. માટે ભક્તિથી મારું પૂજન કરો, દૂધનું ભોજન કરો, મારી પ્રાર્થના કરી, અભિષ્ટ મેળવો. થોડું કરો અને બહુ મેળવો. તેથી આ વ્રત જે નહીં કરે તેને હાનિ છે. જેનો કોઇ રક્ષણ કરનારો ન હોય, તેનો રક્ષણ કરનારો હું છું. માટે કુમાર- કુમારી, સધવા-વિધવા, યુવાન, વૃદ્ધ સર્વે આવો પુરુષોત્તમ માસનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનો રાજીપો મેળવો. આવું શ્રીહરિનું નગારાનું વાક્ય સાંભળી અગ્નિ અને સુવર્ણ સત્યલોકમાં નગારાને શરણે ગયા, પગે લાગ્યા. અગ્નિપુત્ર સુવર્ણને હાથે ગ્રહણ કરી અગ્નિને આપ્યો. અગ્નિએ પ્રાર્થના કરી અમારો ક્યાંય સત્કાર થતો નથી.

શ્રીહરિના પાર્ષદ નગારાએ તે બંને પિતા-પુત્રને આશ્વાસન આપીને કહ્યું કે, પુરુષોત્તમ માસની નવમીનું વ્રત કરી કૃષ્ણનારાયણને પંચામૃતથી સ્નાન કરાવી, પૂજા કરવી. પછી ષોડ્શોપચારથી પૂજન કરી, વસ્ત્ર-આભૂષણો ધારણ કરાવી, નૈવેદ્ય, મુખવાસ ધરી, ધુપ- દીપ, આરતી કરી, સ્તુતિ, પ્રદક્ષિણા કરી, ક્ષમા માગવી. આશ્રય વિનાનો ભૂખ્યો હે પુરુષોત્તમ હું તમારે શરણે આવ્યો છું. તમે મારો ઉદ્ધાર કરો. આવી રીતે અગ્નિ અને સુવર્ણ શ્રીહરિની સ્તુતિ કરજો. નારાયણ પ્રસન્ન થઇ તમારો ઉદ્ધાર કરશે. આવું નગારાનું વાક્ય સાંભળી અગ્નિ અને સુવર્ણ બંને પિતા-પુત્રએ વિધિ પ્રમાણે લક્ષ્મીનારાયણની મૂર્તિ કરીને પૂજન કરીને સ્તુતિ કરી. ત્યાં લક્ષ્મીનારાયણે પ્રત્યક્ષ દર્શન આપ્યા. પિતા-પુત્ર બંને પગે લાગી કહે : હે પ્રભુ, અમારો ઉદ્ધાર કરો. તેની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા હરિકૃષ્ણ કહે : તમે મારા મુખમાંથી ઉત્પન્ન થયા માટે, તમારો યજ્ઞના કુંડમાં નિવાસ થશે અને ભોજન પ્રાપ્ત કરશો. તારામાં જે હોમશે તે મને પ્રાપ્ત થશે. તું મારું મુખ છે માટે હું તારા દ્વારા જ સર્વે ગ્રહણ કરીશ, તારા વિના પૃથ્વીમાં કાંઇ કામ નહીં થાય. એક અગ્નિ સ્વરૂપે પૃથ્વી પર રહે, અને બીજે રૂપે ધામમાં પાર્ષદરૂપે રહે, અને તારો પુત્ર સુવર્ણ તેને હું મુગટ, કુંડળ રૂપે, અલંકારો રૂપે ગ્રહણ કરું છું, તેથી જગત તે સુવર્ણને ગ્રહણ કરશે. એ રીતે પુરુષોત્તમ માસનું નવમીનું વ્રત કરી અગ્નિ અને સુવર્ણ પિતા-પુત્ર પુરુષોત્તમ નારાયણ પાસેથી વરદાન પ્રાપ્ત કરી જગત પૂજ્ય થયા. પુરુષોત્તમ માસની નવમીની વ્રતની કથા જે વાંચશે સાંભળશે તે સર્વે ભુક્તિ-મુક્તિ પામશે.