મહાગીતા પ્રાગટ્ય અને મહિમા
લક્ષ્મી પૂછે : હે નારાયણ, તમે સંત પુરુષોનો જે મહિમા કહ્યો, તે રીતે સતી-સાધ્વી બ્રહ્મચારિણીઓ સેવા કરવા યોગ્ય છે કે નહીં ? જે રીતે સંત સેવા થાય તે જ રીતે સાધ્વીની સેવાથી મોક્ષ થાય. તેવી સતી-સાધ્વીઓ બ્રહ્માએ પ્રગટ કરી ? નારાયણ કહે : પરબ્રહ્મની મૂર્તિમાંથી ગીતા રૂપે પ્રગટ થયેલી બાર વર્ષની કન્યારૂપે બ્રહ્મ તેજસ્વી. તે જ્યારે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પ્રગટ થાય છે. ત્યારે સાથે જ હોય છે. તે મહા ગીતા શ્રીહરિએ મુક્તોને આપી. ત્યારપછી મોક્ષને માટે ઇશ્વરોને આપી, પછી જીવને આપી.
તે ગીતામાંથી હજારો દિવ્ય દેવીઓ, સાધ્વીઓ, બ્રહ્મચારિણીઓ, યોગિનીઓ પ્રગટ થઇ તે સર્વે બ્રહ્મશીલ પરાયણ, પવિત્ર ભક્તિવાળી, મોક્ષ આપનારી, જ્ઞાનવાળી એવી સાધ્વીના શરણે જવાથી જીવાત્મા સંસારને તરે છે. અથવા ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી ગીતા કથારૂપી ગીતા શબ્દમૂર્તિ તે સાંભળવાથી, તેનો આશ્રય કરવાથી ગમે તેવી પાપી સ્ત્રી તે પણ તરી જાય છે. તે નારાયણગીતા, હરિગીતા, વિષ્ણુગીતા, સતીગીતા, વધુગીતા તે ઉદ્ધાર કરનારી છે.