વૈશ્વાનરની પત્નિએ પતિને સજીવન કરી ઇન્દ્રને દંડીત કર્યો
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સ્વર્ગ પરથી અર્ચીસ્મતિપુરીમાં ત્યાં યજ્ઞ કરનારા પંચાગ્નિ તાપનારા, અગ્નિપૂજા કરનારા એક પત્નિવ્રત દિવ્ય સુખ ભોગવી વાસ કરે છે. ત્યાં જવાની ઈચ્છાવાળા બ્રાહ્મણ વિશ્વાનર નર્મદા કાંઠે રહી પંચયજ્ઞ પરાયણ રહી બ્રહ્મયજ્ઞ કરતા હતા. તેની પત્ની કહે તમારી કૃપાથી સર્વશાંતિમય છે પણ વંશ રાખનાર એક પુત્ર આપો. બ્રાહ્મણ કાશી ગંગા કાંઠે તપ કરવા ગયો. એક માસ એકટાણું. એક માસ નક્ત ભોજન. એક માસ અયાચિત અનશન, એક માસ ફળફુલ, એક માસ ભાજી, એક માસ દૂધ, એક માસ મુઠી તલ, મહિનો પાણી, મહિનો ચાંદ્રાયણ, મહિનો શ્વાસભક્ષણ, એ રીતે એક વર્ષ તપ, જપ કર્યું. ત્યાં લિંગમાં શંકરે બાણરૂપે પ્રગટ થઈ દર્શન દીધા. બ્રાહ્મણે સ્તુતિ કરી કહ્યું. પ્રભુ પુત્ર આપો. શંકર કહે, હું તમારે ત્યાં પુત્રરૂપે પ્રગટ થઈશ. બ્રાહ્મણ ઘરે ગયો. સમય જતા પુત્ર થયો. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. ઋષિમુનિઓએ આવી આશિર્વાદ આપ્યા. પિતાએ ગૃહપતિ નામ પાડ્યું. નવમે વર્ષે પુત્રને વેદાભ્યાસ કરાવ્યો.
ત્યાં નારદજી આવી કહે, તમે દંપતી ભક્તિવાળા હોવાથી આ ગુણિયલ પુત્ર પ્રાપ્ત થયો છે. માતા-પિતાની સેવા તે તીર્થરૂપ છે. બાળકની હસ્તરેખા શરીર ચિહ્ન જોઇ કહે, આ તમારો પુત્ર રાજા થશે. અનેક સુલક્ષણો હોવાથી તમારો પુત્ર બાર વર્ષના થશે ત્યારે અગ્નિથી રક્ષણ કરવું. નારદ એમ કહી ચાલ્યા ગયા. પછી બાળકના પિતા કાશીમાં ગંગાકાંઠે મૃત્યુંજય મંત્રનો જપ કરી તપ કર્યું. બે વર્ષ સુધી તપ કર્યું. ત્યાં અહીં ઘેર ઈન્દ્ર આવી કહે વરદાન માંગ. બાળક કહે, મારે તારી પાસેથી વરદાન નથી જોતું. મને તો શંકરભગવાન વરદાન આપશે. ત્યારે ઈન્દ્રે ક્રોધ પામીને બાળક પર વજ્ર ફેક્યું. શંકરભગવાન પ્રગટ થઈ વજ્ર હાથમાં લઇ લીધું પણ બાળકને લાગવા દીધું નહીં. પછી ઈન્દ્ર સ્વર્ગમાં ગયો. શંકરભગવાન બાળકને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામિને સ્વાહા” એ મંત્ર તથા ચિંરજીવીના આશિર્વાદ આપી કહ્યું કે, રાજ્યવાળો થઇશ અને વૈશ્વાનર અગ્નિરૂપે થઇશ. પછી વૈશ્વાનર તપ કરી ઘેર આવ્યો. પુત્રને જીવતો જોઇ આનંદ પામી સર્વએ ઉત્સવ કર્યો. તેમાં દેવો આવ્યા. ઈન્દ્રે આવી વૈશ્વાનર પર વજ્ર ફેંક્યું. વૈશ્વાનર મૂર્છિત થયો. વૈશ્વાનરની પત્નીએ પતિવ્રતાના પ્રભાવથી વૈશ્વાનરને જીવિત કર્યો અને ઈન્દ્રને આકાશથી નીચે પાડ્યો. ઈન્દ્રે સતીને પ્રાર્થના કરી. વૈશ્વાનર પત્ની કહે, કૃષ્ણભક્તમાં, સતીમાં, ગુરુભક્તમાં, જો તું વજ્રનો ઉપયોગ કરીશ તો નિષ્ફળ જશે.