ભાગ · અધ્યાય ૩૬૭

શુભ-અશુભ કર્મો તેમજ ભક્તિના પ્રકારોનું જ્ઞાન

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સાવિત્રી યમરાજને પગે લાગી પૂછ્યું. શુભ-અશુભ કર્મ ક્યા કારણથી થાય છે ? તેનું ફળ શું ? ફળ કોણ ભોગવે છે ? નિર્લેપ કોણ છે ? કર્મ નિર્મૂળ કેમ થાય ? સાધુ કેમ થાય ? જ્ઞાન કેમ થાય ? મન, બુદ્ધિ, પ્રાણ કોણ છે ? ઇન્દ્રિયો, દેવતા, વિષય ભોગવનારો અને આપનારો કોણ છે ? હે યમરાજ તમે જે જાણતા હો તે કહો. સાવિત્રીના પ્રશ્નો સાંભળી યમરાજ કહે : વેદશાસ્ત્રમાં કહેલા શુભકર્મ મંગલ કરનારા છે. અશુભ કર્મ દુ:ખ આપનારા છે. કર્મનું મૂળ બીજ વાસના અને ભાવના છે. કર્મ ફળ આપનારા અંતર્યામી શ્રીકૃષ્ણનારાયણ સર્વમાં રહ્યા છે. શુભ ઈચ્છાથી શુભ કર્મ થાય છે. અશુભ ઈચ્છાથી અશુભ કર્મ થાય છે. કર્મનું કારણ પ્રયત્ન છે. પ્રયત્નનું કારણ ઈચ્છા છે. ઈચ્છાનું કારણ જ્ઞાન તે જીવમાં રહ્યું છે. જ્ઞાનનું કારણ સંકલ્પ તેમાં પરમેશ્વર રહ્યા છે. ઇશ્વરી શક્તિ ક્રિયાને જન્મ આપે છે તેથી શ્રીહરિની ઈચ્છા શક્તિથી જીવમાં જ્ઞાન અને ક્રિયા થાય છે. સર્વે કારણ અંતર્યામી પરમાત્મા સર્વના કર્મફળને આપે છે. જીવાત્મા તે કર્મફળ ભોગવે છે, અંતર્યામી નિર્લેપ છે. સાધુઓ કર્મફળથી રહિત છે. સાધુના સર્વે કર્મો ભગવાનની સેવાવાળા હોવાથી શુભ છે. ઈચ્છા સંકલ્પરહિત શ્રીહરિની પ્રસન્નતા માટે સાધુના સર્વે કર્મો ભક્તિરૂપ થાય છે અને તે કર્મ નિર્મૂળ, નિષ્કામ કહેવાય છે. શ્રીહરિના ભક્ત સદા મુક્ત કહેવાય છે.

મુક્તિ બે પ્રકારની છે. એક જીવન મુક્તિ, બીજી બ્રહ્મમુક્તિ. જીવનમુક્તિ તે ભક્તિરૂપ છે. તે હરિભક્તો ઈચ્છે છે. બ્રહ્મમુક્તિ છે. તે ધામમાં પરમ પ્રભુની સેવા સાધુઓ ઈચ્છે છે. જીવ અને ઇશ્વરોના ચોવીસ તત્ત્વોના દેહ છે. તેને સ્વરૂપ, ગુણ અને કાર્યથી જાણવું. તેને જ્ઞાન કહેવાય છે. સર્વે વ્યવહારનું કારણ જ્ઞાન તે આત્મામાં રહેલું છે. મૂળ માયા સત્વ રજ અને તમોગુણી છે, તે જડ છે. તે બુદ્ધિરૂપે, મનરૂપે અને પ્રાણરૂપે થાય છે. મન સંકલ્પ કરનાર, બુદ્ધિ નિર્ણય કરનારી અને પ્રાણ જીવનું જીવન શ્વાસરૂપે છે. આત્માને ઇન્દ્ર કહેલો છે. તે કર્મ ઇન્દ્રિયો અને જ્ઞાન ઇન્દ્રિયોથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને પંચવિષયને ભોગવે છે. ઇન્દ્રિયોના દેવતા તે આત્માના મિત્ર છે. તેના દ્વારા આત્મા ભોક્તા કહેવાય છે. ભોગવનારા અંતર્યામી પરમાત્મા છે. ભોગ-સુખ-દુ:ખનો સાક્ષાત્કાર છે. કર્મની નિવૃત્તિ, તે વૈરાગ્ય શાંતિ કહેલી છે. કર્મના નાશ માટે જે કર્મને આત્મામાં વૈરાગ્ય જાણવો. જીવાત્મા જ્યારે સ્થૂળ સૂક્ષ્મ અને વાસનામય કારણ દેહ તેને જાણીને જેને લઇને સુખ ભોગવે છે એવા અંતર્યામી પરમાત્માને ભજે છે ત્યારે આત્મા વાસના રહિત થાય છે. ત્યારે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિથી રહિત થાય છે. પ્રભુની ભક્તિ વિના સર્વે દુ:ખની શાંતિ અને નિર્વાસનિક થવાનું બીજું બળવાન સાધન કોઇ નથી. સ્વર્ગ અને મોક્ષ આપનારા શ્રીહરિ પુરુષોત્તમ નારાયણ તેની નવધા ભક્તિ કરવી તો આ આત્માનો મોક્ષ થાય. શ્રીહરિની કથા, શ્રવણ, કિર્તન, સ્મરણ, શરીર સેવા, પૂજા, સ્તુતિ, દાસપણું, મિત્રપણું અને સર્વે સમર્પણ આ નવ પ્રકારની ભક્તિ મોક્ષ આપે છે.

ગુરુનો આશ્રય, દીક્ષામંત્ર, ગુરુસેવા, વિશ્વાસથી સારા માર્ગે જવું, સધર્મપાલન, શ્રીહરિ માટે ભોગ ત્યાગ, તીર્થભૂમિમાં વાસ, નિર્વાહ પુરતો વ્યવહાર, વ્રતપાલન, દૈવી વૃક્ષોની પૂજા આ દશ ભક્તિ વધારનારા છે. પુત્ર અને શિષ્યમાં હેત ન રાખવું. કુસંગીનો સંગ ન કરવો. બહુ મોટા કાર્યનો આરંભ ન કરવો. વૃથા વિવાદ ન કરવો. શોક-મોહનો ત્યાગ કરવો. શ્રીહરિ માટે દ્રવ્યદાન કરવું. બીજાને ઉદ્વેગ ન કરાવવો. ગુરુની, દેવની નિંદા ન કરવી. દેવનો અપરાધ ન કરવો. દેવની નિંદા સહન ન કરવી. શ્રીહરિના ચિહ્નો, તીલક, ચાંદલો, કંઠી, માળા ધારણ કરી દંડવત્ નમસ્કાર શ્રીહરિ પાસે કરવા. કિર્તનસ્ત્રોત્ર, પાઠ, પ્રસાદ, ગંધ ગ્રહણ કરવા તથા સંત, ભક્ત, તુલસી, શાસ્ત્ર, તીર્થ વગેરેનું પૂજન કરવું. યથાશક્તિ દાન સેવા કરવી. સત્પુરુષમાં પ્રિતી અને આત્મનિષ્ટા આ ચુમાલીશ ગુણ શ્રીહરિમાં સ્નેહ વધારવાના અને ભક્તિમાં પુષ્ટિ કરનારા છે. સંતપુરુષોની સેવા કરી કૃપા મેળવવી. શ્રીહરિના ગુણ ચરિત્રો સાંભળવામાં શ્રદ્ધા રાખવી. શ્રીહરિમાં પ્રેમભક્તિ થાય તે આશ્રય ઉત્તમ છે. શ્રીહરિમાં રાગ-વૃદ્ધિ, શ્રીહરિના ધર્મમાં સ્થિતિ તે ભક્તમાં ભગવાનના ગુણનો વાસ થાય છે. આવી રીતે ભક્તિના અનેક પ્રકારો છે. હવે પરાકાષ્ઠા પ્રેમલક્ષણા ભક્તિમાં કોઇ વિધિ નથી. તે સર્વેથી શ્રેષ્ઠ મૂર્ધન્ય શાશ્વતી ભક્તિ કહેવાય છે. તે મુક્તની, બ્રહ્મની ભક્તિ બ્રહ્માનંદવાળી અમૃતના સાગર જેવી છે. જેને શ્રીહરિમાં પ્રેમભક્તિ થઇ તે સ્વપ્નમાં પણ યમપુરી જોતો નથી. કરોડો જન્મના પુણ્ય ભેળા થાય ત્યારે એવી પ્રેમભક્તિ શ્રીહરિમાં થાય છે. તે ભક્ત મુક્ત અતિપાપીને પણ પવિત્ર કરે છે. એવા ભક્તને ગ્રહો, યમદૂતો, રાક્ષસો, ભૂતપ્રેત, પિશાચ કોઇ બાધ કરતા નથી. યમરાજ કહે : સાવિત્રી તે પ્રશ્નો પૂછ્યા તેના જવાબ આપ્યા હવે તારે માર્ગે જા. એમ કહી યમે સાવિત્રીને નમસ્કાર કર્યા.