કાશીમાં ગંગાને સામે કાંઠે ભગવાન વેદવ્યાસનો નિવાસ
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, વિદ્યા, મુક્તિ અને લક્ષ્મી આ ત્રણ કાશીમાં મળે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય કાશીમાં રહે છે. બ્રહ્મ, બ્રહ્માણી અને પરબ્રહ્મ આ ત્રણે કાશીમાં વસે છે. કર્મ, જ્ઞાન અને ભક્તિ આ ત્રણ કાશીમાં વસે છે. આવું જાણીને એકવાર ભિક્ષા માંગવા વ્યાસ ભગવાન ગંગાને કાંઠેથી કાશી આવ્યા પણ ગામમાં કોઇએ ભિક્ષા ન આપી. એટલે ક્રોધથી શાપ આપ્યો કે, કાશીમાં ત્રણ પેઢી સુધી વિદ્યા અને ધન નહીં રહે, એમ કહી ચાલી નિકળ્યા. ત્યાં પાર્વતીએ કહ્યું, અરે પ્રભુ તમે આજે ભિક્ષા માગવા આવ્યા છો તો અમારા અતિથિ થાવ. મારા પતિ શંકર અતિથિને જમાડ્યા વિના જમતા નથી. વ્યાસ કહે, કલ્યાણી તું કોણ છો ? લક્ષ્મી છો, મૂર્તિદેવી છો, પાર્વતી છો, તમને જોઇને મારો આત્મા પ્રસન્ન થાય છે. પાર્વતી કહે : આ કાશીના પતિની સતી છું. વ્યાસ કહે હું એકલો નથી. મારા દશ હજાર શિષ્યો છે. તારાથી અતિથિ સત્કાર થાય તો હા પાડજે. પાર્વતી કહે, હું એવી સ્ત્રી નથી કે અતિથિને બોલાવીને પછી અનાદર કરું. મારા પતિના પ્રભાવથી સર્વેને ભોજન કરાવીશ, પછી વ્યાસ ભગવાન દશ હજાર શિષ્યોને બોલાવી. પંક્તિ કરી જમવા બેસી ગયા. પાર્વતીએ શિવભક્તિથી સંકલ્પ કર્યો. ત્યાં આકાશમાંથી દિવ્ય પાક, મિષ્ટાન્ન આવ્યા અને સર્વને ભોજનથી તૃપ્તિ પમાડ્યા. પછી પાર્વતી પગે લાગી અને કહે, તીર્થમાં રહેનારાનો ધર્મ શું ?
વ્યાસ ભગવાન કહે, મન વાણી અને કર્મથી જે સ્ત્રી પતિની સેવા કરે છે. તેને આલોકમાં કાંઇ અસાધ્ય નથી. ત્યારે શંકર ભગવાન કહે, તમે ક્રોધ કરીને શાપ આપ્યો તેથી તમે ગંગાને સામે કાંઠે વાસ કરો. એટલે વ્યાસ ભગવાન ગંગાને સામે કાંઠે આશ્રમ બાંધી રહ્યા. ત્યાં તો કાશીમાં રહેલા સર્વે દેવો સરસ્વતિ શાસ્ત્રો, વિધ્વાનો, મુક્તો, ભક્તો સર્વે વ્યાસ ભગવાન જ્યાં રહેવા ગયા ત્યાં ગયા. શંકરની કાશી ખાલી થઈ ગઇ. શિવ- પાર્વતી વ્યાસ ભગવાન પાસે આવી કહે, ક્ષમા કરો. એમ કહી પૂજા કરી સ્તુતિ કરી કે, હે વ્યાસનારાયણ તમને કાશી બહાર કાઢવાથી કાશી વેદશાસ્ત્ર, સરસ્વતી વિનાની થઈ ગઈ. વિપ્રો અહીં આવવાથી ત્યાં કોઇ મંત્રોચ્ચાર નથી કરતા, તમારા વિના કાશી સુની અને મૂંગી થઈ ગઈ છે. તેથી તમે કાશીમાં નિવાસ કરો. વ્યાસ ભગવાન કહે, તમે સરસ્વતી મંદિર કરાવો. એટલે દર માસની પૂર્ણિમા સર્વે દેવો, માનવો દર્શન કરવા આવશે. પછી શંકરે સરસ્વતી મંદિર કરાવ્યું. તેમાં સર્વે દેવોએ આવી વાસ કર્યો. વ્યાસ ભગવાન આવી આશિર્વાદ આપી પાછા પોતાને આશ્રમે આવ્યા.