ગણેશ દ્વારા તુલસીને શાપ ❖ વિષ્ણુ સાથે વિવાહથી તુલસીનો મહિમા
શ્રીલક્ષ્મીએ પૂછ્યું : હે પ્રભુ, ગણેશે તુલસીને ક્યારે શાપ આપ્યો અને ક્યારે શંખચૂડની પત્ની થયા ? શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકવાર તુલસી તીર્થ કરતી ગંગા કાંઠે આવી. ત્યાં યુવાનસ્વરૂપે ગણેશને જોઇને કામનાવાળી થઇ પૂછ્યું : હે લંબોદર, સ્ત્રીનું ધ્યાન કરો છો કે શંકરનું ? ધ્યાન તજીને મારી સાથે રમો. એમ કહી સ્પર્શ કર્યો ત્યાં ગણેશ ધ્યાન ભંગ થયા. જાગીને વિચાર કર્યો, સાધુએ કોઇનો તિરસ્કાર ન કરવો. અનિષ્ટ થાય. તેમ સ્ત્રીગ્રહણ કરવાથી પણ ગર્ભપણાનો દોષ થાય માટે વિનયથી ગણેશે કહ્યું, તું કોની કન્યા છે. લક્ષ્મી જેવી લાગે છે. હું તો નિષ્કામી છું મારા ધ્યાનમાં ભંગ કેમ કર્યો, તારે શું જોઇએ છે ? ભોજન કર. પાણી પી. હું લંબોદર કુરૂપ છું, વૃંદલ છું પણ છતાં મારા સ્પર્શમાં તારું કલ્યાણ થશે. તુલસી કહે : તમે મારા પતિ થાવ. ગણેશ કહે : તું તો મારી માતા સમાન છે. તુલસી કહે : કામના, ઈચ્છાથી તમારી પાસે આવી તો તમે સ્ત્રીનું અપમાન કરો છો. તેથી તમારે સ્ત્રીને પત્ની કરવી જ પડશે. તુલસીનો આવો શાપ સાંભળીને ગણેશે સામે શાપ આપ્યો કે, તું દૈત્ય પત્ની થઇશ પછી તુલસી વૃક્ષરૂપે થઇશ એમ કહી ગણેશ બદ્રિકાશ્રમ ગયા. તુલસી દુ:ખ પામી પુષ્કર ગઇ. ત્યાં તપ કરીને શંખચૂડની પત્ની થઇ પછી શંકરે શંખચૂડને માર્યો. ત્યારે તુલસી વૃક્ષરૂપે થયાં. તેને શ્રીહરિએ વિવાહથી ગ્રહણ કર્યા અને જગતમાં તુલસી પૂજ્યપણાને પામ્યા.
તુલસીપત્ર ડાળી મૂળ સર્વ પવિત્ર છે. તુલસીકાષ્ટથી જે શબને અગ્નિ સંસ્કાર થાય તેને પુનર્જન્મ થતો નથી. તુલસીનો સ્પર્શ થાય તો પણ પાપ નાશ થાય છે. તુલસીકાષ્ટની પાસે યમદૂતો જઇ શકતા નથી. તુલસીપત્રથી સેવાયેલા વિષ્ણુ પણ અતિ સંતોષ પામે છે. જે યજ્ઞમાં હોમમાં તુલસીકાષ્ટ હોય તેનો અગ્નિષ્ટોમ યજ્ઞફળ થાય છે. મંદિરમાં તુલસી ધુપથી સો યજ્ઞફળ થાય છે. તુલસી કાષ્ટથી રંધાયેલું નૈવેદ્ય પ્રભુને ધરાવવાથી મેરુતુલ્ય ફળ થાય છે. તુલસીકાષ્ટને ઘસી ચંદન સાથે શ્રીહરિની પૂજા કરવાથી ભક્તિ-મુક્તિ મળે છે. પિતૃઓ પણ તુલસીપત્ર પિંડદાન સાથે ઈચ્છે છે. તુલસીની માટીથી સ્નાન કરવાથી તીર્થસ્નાન ફળ મળે છે. તુલસી માંજરથી જેણે શ્રીહરિની પૂજા કરી તેણે સર્વે ફૂલોથી પૂજા કરી. તેથી સર્વે ભક્તોએ તુલસીવૃક્ષ વાવી પોષણ કરવું. તેથી બ્રહ્મ હત્યાદિક પાપો નાશ પામે છે. તુલસી જ્યાં હોય ત્યાં શ્રીહરિનો વાસ છે. ત્યાં રોગ આવતા નથી. તુલસીના મૂળમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વાસ કરે છે. તુલસીપત્રમાં દેવમંડળ રહે છે. મંજરીમાં ઋષિમુનિઓ રહે છે. એકાદશી, પૂનમ, અમાસ વ્રતને દિવસે મંદિરમાં તુલસી અર્પણ કરવા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કોઇ મનુષ્ય તુલસી તુલસી એમ બોલતા દેહ મૂકે તો પણ વૈકુંઠને પામે છે.