ભાગ · અધ્યાય ૫૪૯

નારદ દ્વારા અગત્સ્યમુનિને સૌરાષ્ટ્રના તીર્થોનું મહાત્મ્ય

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પ્રભાસમાં તુંડી સ્વામી તપ કરતા ત્યાં મૃગલા પાણી પીવા આવ્યા. પાણીમાં પડી ગયા. પણ ઋષિના તપોબળથી જીવતા રહ્યા. તે તુંડીતીર્થ થયું. ત્યાં અગત્સ્ય મુનિએ એક વર્ષ તપ કર્યું. ત્યાં નારદ આવ્યા અને કહ્યું કે. જે પ્રભુ શ્વેતદ્વીપમાં લક્ષ્મીનારાયણ છે જે બદિકાશ્રમમાં નરનારાયણ છે, જે મથુરામાં રાધાકૃષ્ણ છે, તે પ્રભુ કુંકુમવાપી ક્ષેત્રમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ નામે પ્રગટ થયા છે તેનાં દર્શન કરી આવું છું. તે પ્રભુએ કહ્યું છે કે, જે જનો લક્ષ્મીનારાયણ સંહિતાનો અભ્યાસ કરશે, કથા સાંભળશે, પ્રગટપ્રભુનું પૂજન કરશે તે મને પામશે. એમ કહી નારદ ગયા. તે નારદજ્ઞાન તીર્થ થયું.

ભાલકાતીર્થ, રૈવતાતીર્થ વગેરે સ્વર્ગ અને મોક્ષ આપનારા અનેક તિર્થો રહેલા છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂર્વમાં દ્વારિકા તીર્થ, પશ્ચિમમાં વામન તીર્થ, દક્ષિણમાં સોમનાથ તીર્થ, તથા ઉત્તરમાં ચમત્કારપુર તિર્થો રહેલા છે. ત્યાં અનાદિ કૃષ્ણનારાયણના લાખો નરનારીઓ, ભક્તો બ્રહ્મમય છે. તે સર્વે વૈકુંઠ, ગોલોક અને અક્ષરપદના અધિકારી છે. એવો આ સૌરાષ્ટ્ર દેશ પવિત્ર છે. જ્યાં મહર્ષિઓ ભગવાન સમાન તેજસ્વી દેખાય છે. જ્યાં સતીઓ સાક્ષાત્ લક્ષ્મીસમાન તેજસ્વી દેખાય છે. જ્યાં બાળકો સૂર્યસમાન તેજસ્વી દેખાય છે. જેને જોઇને સૂર્ય, ચંદ્ર પણ ઘડીભર ક્ષોભ પામે છે, આશ્ચર્ય પામે છે.