ભાગ · અધ્યાય ૩૬૩

ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનું રહસ્ય અને આત્મજ્ઞાન ઉપદેશ

ધર્મરાજા કહે : બ્રહ્માએ માનવો કેવળ એક કલ્યાણ માટે જ સર્જ્યા છે. બીજા સર્વે જન્મમાં દુ:ખ રહેલું છે. મનુષ્ય જન્મમાં ધર્મ, જ્ઞાન પરાયણ થઇને ભક્તિથી સ્વર્ગ અને મોક્ષ બંને મેળવી શકે છે. તપથી, દાનથી, સ્વર્ગમાં શરીર સુખ પામે છે. આત્મ ચિંતન, તૃષ્ણાનો ત્યાગ કરવાથી મોક્ષ થાય છે અને સ્વાર્થ બુદ્ધિથી કામના ક્રોધ તૃષ્ણાથી ન્યાયમાર્ગ તજી દે છે એટલે પાપમાં પ્રવૃત્તિ થાય છે. પાપને કરાવનારો બીજો કોઇ નથી પણ તૃષ્ણાથી જ પોતે પાપ કરે છે. ઈચ્છેલું ન મળે એટલે દ્વેષ કરે, ઈચ્છેલું મળે એટલે રાગ થાય. આ રાગ અને દ્વેષ તૃષ્ણાથી થાય છે. તે અવિવેકથી આગળ દોડ્યો જાય છે. પાપથી ન કરવાના કાર્યો કરે છે. તેથી આત્માને અધોગતિમાં નાખી કરેલા કર્મો ચોરાશીમાં ભોગવે છે. આત્મા પોતે પોતાનો શત્રુ અને મિત્ર થાય છે. સારું દેખે, સારાં કાર્યો કરે તો સાધુ થાય છે અને પુણ્યનો ભાગીદાર થાય છે. સારું દેખી ન શકે, સારા કાર્યો કરી ન શકે તે દુષ્ટ થઇને નરકને ભોગવે છે તેથી શાસ્ત્રોથી કરવા યોગ્ય કર્મ અને ન કરવા યોગ્ય જાણીને કલેશને ક્ષય કરનારા, પાપને નાશ કરનારા, એવા કર્મો કરી પુણ્ય પ્રાપ્ત કરીને સ્વર્ગમાં દેવોની સાથે રહે છે અને તે શુભ કર્મોના ફળ આપનારાં અંતર્યામી પરમાત્મા છે.

શરીરથી, વાણીથી, મનથી થતા શુભ કર્મોથી તથા તપથી પૂર્વના પાપથી મુકાય છે. જે સર્વેમાં સમાન દૃષ્ટિવાળો, શાંત મનવાળો, પરોપકારી, બીજાને સુખ આપનારો તે પાપથી મુકાય છે. તત્ત્વને જાણનારો જડ-ચેતનના ગુણને જાણનારો ક્યાંય મોહ નહીં પામનારો સર્વે ઈચ્છા રહિત તે શાશ્વત પદ પામે છે. ગુણદોષને જાણનારો આત્મધ્યાન પરાયણ સર્વે પાપથી મુકાય છે. ન્યાયમાર્ગમાં રહેનારો, ધ્યાન ધારણા કરનારો, જેને કોઇ આશા નથી આત્મમાં તૃપ્ત રહેનારો તે પરમપદને પામે છે. દેવપૂજામાં ભક્તિવાળો, પિતૃ સેવા પરાયણ, ગુરુસેવા કરનારો, ઈર્ષ્યા રહિત, ઉદાર મનવાળો, સર્વ બંધનથી રહિત થાય છે. મંગળ ઉત્સવ કરનારો, સવારે ઊઠી માતા-પિતા, દેવગુરુ, બ્રાહ્મણ, સંત-સાધ્વીને નમસ્કાર કરનારો સર્વે પાપથી મુકાયને મોક્ષનો ભાગી બને છે. તથા શ્રીહરિના ભક્તો, દેવો-મુનિઓ, સતી- સાધ્વીઓ, બ્રહ્મચર્ય પરાયણ ગુરુના ચરણમાં મસ્તક મૂકી તેની આજ્ઞાપરાયણ સેવામાં રહેવું. ગુરુસંતની સેવાપરાયણ સર્વે પાપથી મુકાય છે. ગુરુની પ્રદક્ષિણા કરી ધ્યાન કરવાથી, પૂજા કરવાથી, ગુરુ હરિની સેવાથી પાપથી મુકાય છે. સો પ્રાણાયામ કરવાથી, સૂર્ય-ચંદ્રને નમન કરવાથી પાપથી મુકાય છે તથા ગાયની સેવાથી તથા પંચગવ્ય પીવાથી સર્વે પાપથી મુક્તિ થાય છે. ગાયના પૂછથી પાણી મસ્તક પર છાંટે તે સર્વે તીર્થના ફળને મેળવે છે. ગૌમૂત્રથી જે ન્હાય તે પાપથી રહિત થાય. નદીમાં કેડસમા પાણીમાં ઊભા રહી તલ સાથે સાત અંજલિ સૂર્યને આપી ત્રણ પ્રાણાયામ કરી શ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરે તો આખા જીવનના પાપ નાશ પામે. તથા એકાદશી વ્રત કરી બારસના પારણા કરનાર પાપ મુક્ત થાય છે.

નારાયણના જે ભક્ત થાય તેને પાપ સ્પર્શતા નથી. વ્રતને દિવસે ઉત્સવોમાં સંક્રાંતિ વગેરે પર્વોમાં શુદ્ધ દૂધ, દહીં વગેરે સાધુ-બ્રાહ્મણને આપે તો પાપ મુક્ત થાય છે. બ્રાહ્મણનું હરનારા, બ્રાહ્મણનો ઘાત કરનારા, ગુરુદેવ મિત્રનો દ્રોહ કરનારા, સ્વામીનો દ્રોહ કરનારા, પરદ્રવ્ય હરનારા, પરસ્ત્રી પર બળાત્કાર કરનારા, અભક્ષ્ય ભક્ષણ કરનારા, સાધુ વેદ બ્રાહ્મણની નિંદા કરનારા, અસત્ય દાન લેનારા, હિંસાચોરી કરનારા, ધૂતારા, કપટી, શઠ આવા અધર્મી જીવાત્માઓ પણ જો એકાદશીનું વ્રત ભક્તિપૂર્વક કરે તો પાપ રહિત થઇ પરમપદને પામે છે. સુદ એકાદશી ભક્તિ આપનારી છે. વદ એકાદશી મુક્તિ આપનારી છે. આખા માસમાં કરેલું પાપ એકાદશી બાળી નાખે છે. બારસના સૂર્યોદયમાં એક બે ઘડી એકાદશીનો ભાગ હોય તો તે હરિવાસર કહેવાય છે. તે દિવસે બારસના પારણા ન કરવા. હરિવાસરને દિવસે અનાજ ન ખાવું. વર્ષમાં એકવાર કે બે વાર હરિવાસર આવે છે. એકાદશીએ ઉપવાસ કરવા સમર્થ ન હોય તેણે નક્ત ભોજન એટલે સૂર્યાસ્ત પછી જમવું. અથવા દિવસે એકટાણું કરવું. અષાઢ સુદ એકાદશી દેવશયની ભાદરવા સુદ એકાદશી પરિવર્તીની જળજીલણી તથા કારતક સુદ એકાદશી પ્રબોધિની આ ત્રણ એકાદશીએ ઉપવાસ કરવાથી સર્વે પાપથી રહિત થાય છે. હજારો જન્મો સુધી પરમાત્માની આરાધના કરે ત્યારે પાપનો ક્ષય થાય છે, ત્યારે વૈષ્ણવ ભક્ત થાય છે. તે ભક્ત, મુક્ત, આખા જગતને પવિત્ર કરે છે તથા પરમપદને પામે છે. એવા ભક્તના દર્શનથી સ્પર્શથી, ચંડાલ પણ શ્રીહરિની ઈચ્છાથી ભગવદ્ ભક્ત થાય છે.

યમરાજા કહે : નચીકેતા ગમે તેવો પાપી, અધર્મી, હિંસક, સર્વભક્ષી, અપવિત્ર, અશુદ્ધ, મનુષ્ય પણ વૈષ્ણવ સાધુના પગ ધોઇને પાણી પી સ્નાન કરે, પગ ધોઇને પાણી પીએ તો તે પાપીના સર્વે પાપ બળી જાય છે. સંત પુરુષોની દૃષ્ટિથી ક્ષુદ્રો, ચાંડાલ અને સ્ત્રીઓ પવિત્ર થાય છે. સંતના સ્પર્શથી પાપ નાશ પામે છે. સંતની સેવાથી ભૌતિક સંપત્તિ અને શરીર દિવ્ય બને છે. સંતનો યોગ તે શ્રીહરિનો યોગ, વિષ્ણુના દૂતો સાધુ હોય ત્યાં યમદૂતો આવતા નથી. શ્રીહરિના પ્રત્યક્ષ યોગથી સાધુ-બ્રહ્મ નિર્ગુણ મૂર્તિ છે. સંત-પુરુષોના યોગમાં આવતી વસ્તુ પણ દિવ્ય થાય છે. યમરાજ કહે : નચીકેતા આ તને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભગવાનની ભક્તિનું રહસ્ય તથા આત્મજ્ઞાન કહ્યું અને નચીકેતાની પૂજા કરી અને કહ્યું. આ જ્ઞાન સર્વેના ઉદ્ધાર માટે આપજે. નચીકેતાની વાત સર્વે ઋષિઓ, તપસ્વીઓ સાંભળીને સાધુની ચરણરજ માથે ચડાવતા હતા. કેટલાક તપસ્વીઓ સાધુના પગ ધોઇ પાણી પીતા હતા તથા હજારો ઋષિઓ, તપસ્વીઓ નચીકેતાનું આવું દિવ્ય રહસ્ય જ્ઞાન સાંભળીને બદ્રિકાશ્રમમાં જઇ નરનારાયણ ભગવાનના દર્શન કરી પગ ધોઇ પાણી પીતા હતા. નચીકેતા પણ પોતાના શિષ્યોને આત્મજ્ઞાનનો બોધ આપી સાધુધર્મનું પાલન કરાવતા હતા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નદી, તળાવ, કૂવા, વાવ, સરોવર, સમુદ્ર, સ્થાવર, જંગમ, જડ, ચૈતન્ય સર્વે તીર્થ સંતપુરુષના ચરણસ્પર્શથી પવિત્ર થયેલા છે.