ભાગ · અધ્યાય ૨૧૦

નારદજી ભક્તિમાર્ગના આચાર્ય થયા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, બદ્રિનારાયણના સર્વે તીર્થ કરી નરનારાયણ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી નારદજી સત્ય લોકમાં આવ્યા. પિતાને પગે લાગી, બ્રહ્માએ સર્વે દેવો સંતો સાંભળતા નારદને કહ્યું, ભાવિ મિથ્યા થતું નથી. તારી પૂર્વેની પતિવ્રતા પત્ની માલાવતી અત્યારે સૃંજય કન્યા થયેલી છે. તેની સાથે વિવાહ કર. નારદજી પિતાની આજ્ઞા માથે ચડાવી માલાવતી સાથે લગ્ન કરી બે લાખ વર્ષ સુધી પૃથ્વી પર રહ્યા. એક લાખ પુત્રો, એક લાખ પુત્રીઓ થઇ. સર્વેને પ્રભુની ભક્તિ કરાવી. વૈષ્ણવ ભક્તો બનાવ્યા, પછી પોતે પૃથ્વી પર વિચરી અનેક જીવના કલ્યાણને માટે શ્રીકૃષ્ણ મંત્ર તથા ભક્તિનો ઉપદેશ આપી ભક્તિ કરાવી અને ભક્તિ માર્ગના આચાર્ય થયા. પછી પોતે તપમાં બેસી શરીરનો ત્યાગ કરી દિવ્ય શરીર ધારણ કરી ગોલોક ધામમાં ગયા.