પ્રભાસ - સોમનાથ અને તુલસીશ્યામ તીર્થનું મહાત્મ્ય - ભૂત, પ્રેત, પિશાચ આદિકના નિવાસ સ્થાનો
આ અધ્યાય 537–538 સંયુક્ત છે
શંકર કહે : પાર્વતી, પૂર્વે શરાબિંદુ રાજા પોતાની પત્ની સાથે વિમાનમાં બેસી સોમનાથના દર્શને આવ્યો. પાર્વતી કહે, તે પૂર્વે જન્મે કોણ હતો. શંકર કહે, તે પૂર્વે શુદ્ર હતો. એકવાર શિવરાત્રિએ કમળના પુષ્પો લઇને ગયો. શંકરની પૂજા કરી ત્યાં ગીત વાજીંત્ર સાથે નૃત્ય થતુ હતું. તે આખી રાત્રિ જાગરણ કરી જપ કર્યો અને દિવસે ઉપવાસ થયો. અને રાત્રે જાગરણ થયું તે પ્રતાપે આ જન્મે રાજા થયો. સોમનાથમાં સર્વે દેવો ઋષિ- મુનિઓ આવી તપ કર્યા છે. તેમના પણ તિર્થો થયેલા છે. તથા આઠ વસુઓ, બાર સૂર્યો, અગિયાર રુદ્રો તે પણ સોમનાથ પ્રભાસના દર્શને આવેલા છે. તેમના પણ તિર્થો થયેલા છે. તથા શંકર પાર્વતી સાથે ચોસઠ યોગિનીઓને પણ ત્યાં લઇ દર્શને આવેલા છે. તેમના પણ તિર્થો થયેલા છે. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, આ રીતે શંકરે પાર્વતીને સોમનાથ પ્રભાસનો તીર્થનો મહિમા કહ્યો.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે તલ નામે રાક્ષસ તપ કરી શંકર પાસે વરદાન પ્રાપ્ત કરી દેવોને જીતી શંકર પાસે ગયો અને શંકર સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. શંકરે અગ્નિ પ્રગટ કરી રાક્ષસને ભગાડી મુક્યો. તે રાક્ષસ સિહારણ્યમાં આવી સર્વ દેવ મનુષ્યોને ત્રાસ આપવા લાગ્યો. દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પાસે આવ્યા. પ્રગટ પ્રભુએ સુદર્શન ચક્રથી તે રાક્ષસને કાપી ત્યાં વનમાં દાટી દીધો. તેણે તલસ્વામી એવું નામ ધારણ કરવાથી ત્યાં તુલસીશ્યામ તીર્થ થયું છે. ત્યાં ગરમ પાણીનો કુંડ છે. તેમાં સ્નાન કરવાથી પાપ બળે છે અને સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
પાર્વતી સાથે વિવાહ કરી શંકર કૈલાશમાં કામ ભાવનાથી તૃપ્ત થયા પછી પાર્વતી સ્નાન કરવા ગયા. ત્યાં જલમાંથી ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની વગેરે કદરૂપી ભયંકર ડમરું વગાડતી દશ કરોડ જેટલી બહાર આવી અને શંકર પાર્વતી પાસે ખાવાનું માગ્યું.
શંકર અને પાર્વતી કહે : તમારે જ્યાં સ્નાન કર્યા વિના અપવિત્ર રહેતા હોય, વસ્ત્ર ધોયેલા ન હોય, ઘર ફળીયું ચોક, શેરીવાળી, સ્વચ્છ ન રાખતા હોય ત્યાં તમારે વાસ કરી ભોજન કરવું. જ્યાં ત્યાં થુંકતા હોય, કચરો, મળમૂત્ર કરતા હોય, વિષ્ટાવાળા વોકળા વગેરે જગ્યાએ વાસ કરવો. એક બકરું, બે ગધેડા, ત્રણ બળદ, પાંચ પાડી, છ ઘોડા, સાત હાથી હોય ત્યાં તમારે વાસ કરવો. જ્યાં ખેતીના સાધનો જેમ તેમ પડ્યા હોય, ઘરમાં વાસણ સ્વચ્છ કર્યા વિના જેમ તેમ પડ્યા હોય ત્યાં વાસ કરવો. જ્યાં દેવ પૂજન, જપ, દીવો ન થતો હોય ત્યાં વાસ કરવો. જ્યાં સ્ત્રી ઊબરા પર ખાંડણી પર ખાંડવા બેસતી હોય ત્યાં વાસ કરવો. જ્યાં રાધેલ અન્ન તથા શાસ્ત્રોનું ઉલંઘન થતું હોય ત્યાં વાસ કરવો. પછી તે સર્વે સિંહારણ્યમાં આવી વાસ કરી પ્રજાને પીડાવા લાગ્યા.
સર્વે પ્રજાએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રાર્થના કરી રક્ષા કરવાનું કહ્યું, ત્યારે પ્રગટ પ્રભુએ તેમને ભગાડી મુક્યા. થોડા ઘણા રહ્યાં તે જંગલમાં તામસી દેવોથી પ્રસિદ્ધ થયા.