ભક્તિનાં પ્રકાર ❖ જગન્નાથપુરીમાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે રાજાને શંકરની આજ્ઞા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પુરોહિતે વાચસ્પતિ પાસેથી પુરુષોત્તમપુરીની સર્વ વાત સાંભળી. રાજા પ્રસન્ન થયો. પુરોહિતે કહ્યું, રાજા મોક્ષનું કાર્ય કાલે જે કરવાનું હોય તે આજે કરવું. તેથી રાજાએ ત્યાં જઇ યજ્ઞ કરી પ્રભુને રાજી કરવા. એવો વિચાર કર્યો. ત્યાં નારદજી આવ્યા. રાજાએ પગે લાગી સત્કાર કર્યો. નારદ કહે, રાજા દેવો પાસેથી તારી કિર્તી સાંભળી તારી પાસે આવ્યો હું. તું જગન્નાથપુરી જઇને યજ્ઞ કરવાનો છે. તે જાણીને હું પ્રસન્ન થયો છું. હે રાજા, હજારો જન્મના પુણ્ય અને અભ્યાસથી શ્રીહરિમાં ભક્તિ થાય છે. બ્રહ્મા પણ તે પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરી પિતામહનું પદ પામ્યા છે. તેનો હું પુત્ર છું. તેના વંશમાં તું થયેલો છે.
અનાદિ અજ્ઞાનરૂપી અવિદ્યાનો નાશ કરવા એક શ્રીહરિની ભક્તિ જ સમર્થ ઔષધ સમાન છે. તે ભક્તિના અનંત પ્રકારો છે. તેમાં ત્રણ પ્રકાર મુખ્ય છે. અભિચાર, મલીન, મંત્રવાળી, સ્વાર્થ પરાયણ તે તામસી ભક્તિ છે. ભોગની ઈચ્છાથી સ્વાર્થ અને પરમાર્થની તે રાજસી ભક્તિ છે. બીજાના સુખને માટે પરમાર્થવાળી ભક્તિ તે સાત્વિક ભક્તિ કહેલી છે. ફળની ઈચ્છાથી રહિત શ્રીહરિમાં અતિ પ્રેમમય મિશ્રીતભક્તિ તેને નિર્ગુણ ભક્તિ કહેલી છે. તે નિર્ગુણ ભક્તિથી, મુક્તિ સ્થિતિને પમાડીને શ્રીહરિના ધામમાં શ્રીહરિની સેવા ભક્તિ આપે છે. સાત્વિક ભક્તિ વડે બ્રહ્માના સત્યલોક આદિ સ્થાનને પામે છે. રાજસી ભક્તિથી સ્વર્ગને પામે છે. તામસી ભક્તિથી પિતૃલોકને પામી ફરી પૃથ્વી પર જન્મ ધારણ કરે છે. ફળ અને આચારથી હીન હોય તો પણ શ્રીહરિમાં ઉત્તમ ભક્તિ હોય તો તે પૂજ્ય થાય છે. સર્વ વિદ્યાનો જાણનારો હોય પણ જો તેમાં શ્રીહરિની ભક્તિ ન હોય તો તે નિંદાને પાત્ર થાય છે. હે રાજા, સર્વત્ર પ્રભુને દેખનારો રાગદ્વેષથી રહિત દયાવાળો કંઠી, માળા, તિલક, ચાંદલાને ધારણ કરનારો આવો ભક્ત માયાની વાસનાથી રહિત થાય છે.
પછી નારદજીના કહેવાથી ઈન્દ્રદ્યુમ્ન રાજા જેઠ સુદી પાંચમને સૈન્ય સાથે જગન્નાથપુરી જવા તૈયાર થયો. હાથી, ઘોડા, રથ, પાયદળ વગેરેને તૈયાર કરી નારદ સાથે ચાલતો થયો. ત્યાં સામેથી ઓઢડ્ દેશનો સેવક આવી કહે, અમારા રાજા તમારો સત્કાર કરવા ઈચ્છે છે. અને તે નદી તીરે તમારી રાહ જુવે છે. ઈન્દ્રદ્યુમ્ન રાજા ઓઢડ્ દેશના રાજાને વૈષ્ણવ ચિહ્નથી યુક્ત જોઇ પ્રસન્ન થયો. ઓઢડ્ રાજાએ કહ્યું, વાવાઝોડાથી પ્રભુની મૂર્તિ, મંદિર, કુંડ કાંઇ પણ દેખાતું નથી. ઈન્દ્રદ્યુમ્ન રાજા કહે, મને પુરુષોત્તમ પુરીમાં નીલમાધવના દર્શન નહીં થાય તો હું અનશન લઇશ. નારદજીએ રાજાને ધીરજ આપી કહ્યું કે, વૈષ્ણવ ભક્તની ઈચ્છા ક્યારે પણ નિષ્ફળ જતી નથી. પછી રાજાએ સર્વને નીલપર્વત જવાની આજ્ઞા આપી. બન્ને રાજાઓ સર્વ તિર્થોના દર્શન કરતા એકામ્ર વનમાં આવ્યા. ત્યાં ચિત્રોત્પલા નદી કાંઠે કોટિ લિંગેશ્વરની સ્થાપના બ્રહ્માએ કરી છે.
પૂર્વે શંકરે લગ્ન થયા પછી ઘણા વર્ષો સુધી હિમાલયમાં વાસ કર્યો ત્યારે મેના, પાર્વતીને કહ્યું મહાદેવ અહીં ક્યાં સુધી રહેશે ? પછી શ્રીપુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી શિવપાર્વતી જગન્નાથપુરીના દશ યોજનાના વનમાં પુરુષોત્તમ પુરીનું રક્ષણ કરવા રહ્યા. તે શંકરની રાજાએ પૂજા કરી દાન આપ્યા. એટલે શંકર પ્રસન્ન થઈ કહે, રાજા તારા જેવો ભક્ત અત્યારે કોઇ નથી. અહીં તું બ્રહ્માની આજ્ઞાથી વાજીમેઘ યજ્ઞ કરજે. એટલે દિવ્ય વડ દેખાશે. બ્રહ્મતરુ દેખાશે. તેમાંથી વિશ્વકર્મા કાષ્ટની ચાર પ્રતિમા કરશે અને બ્રહ્મપ્રતિષ્ઠા કરશે. એમ કહી શંકર અદૃશ્ય થયા.