ભાગ · અધ્યાય ૩૦૫

પુરુષોત્તમ માસની સુદ તેરસની તિથીની પૂજનવિધિ - જયા, લલીતા, પાર્વતી, પ્રભા એ મુક્તાનીના સ્વરૂપને પામી

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે બ્રહ્માએ ચાર માનસપુત્રો સનક, સનંદન, સનાતન, સનત્ પ્રગટ કર્યા. તે જ રીતે ચાર માનસપુત્રીઓ જયા, લલિતા, પાર્વતી, પ્રભા, પ્રગટ કરી. પછી બ્રહ્મા કહે : સનક તું જયાને ગ્રહણ કર. સનંદન તું લલિતાને ગ્રહણ કર. સનાતન તું પાર્વતીને ગ્રહણ કર. સનત તું પ્રભાને ગ્રહણ કર. તમો ચારેય માનસી સૃષ્ટિ સર્જો. ગોલોકમાં વૈકુંઠમાં યુગલ ભાવથી માનસી સૃષ્ટિ છે. શ્રીકૃષ્ણની આજ્ઞાથી અમે સર્વે ઇશ્વરો ગૃહસ્થ ધર્મને આશ્રયે રહ્યા છીએ. તેથી તમે માનસી સૃષ્ટિ કરી મારા કામમાં મદદ કરો. ગૃહસ્થ ધર્મમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય છે. ગૃહસ્થે અતિથિ દેવ, સાધુનું પૂજન કરી સ્વર્ગ પ્રાપ્ત કરી અંતે મોક્ષ મેળવવો. ગૃહસ્થ ધર્મ વિના માયાના દોષની નિવૃત્તિ થતી નથી. બાલઅવસ્થા, યુવાન, અનાદિ વૈરાગ્ય અને જ્ઞાન થતા નથી.

પિતા બ્રહ્માનું વાક્ય સાંભળી બ્રહ્મનિષ્ટ જ્ઞાની યોગી સનકાદિક કહે : ગૃહસ્થ ધર્મ બંધન કરનારો છે. કર્મનો અંત આવતો નથી. રાગથી નવા નવા કર્મો થયા જ કરે છે. જ્ઞાન વિના ગૃહસ્થ ધર્મ અતિ બંધન કરનારો છે. પિતાને તારે તેને પુત્ર કહેવાય તે જ્ઞાનરૂપી પુત્ર પ્રાપ્ત કરવો જેથી પોતે તરી શકે, બીજાને તારી શકે. પણ વંશ વધારનારા, કર્મ કરનારા, એવાને પુત્ર કેવળ નામ માત્રથી કહેવાય છે. અમે તો બ્રહ્મમાર્ગનો ઉપદેશ આપનારા બ્રહ્મલોકના વાસી છીએ અને તેથી જ ગૃહસ્થ ધર્મમાં યજ્ઞ, પૂજા, બ્રહ્મ, આરાધના વગેરે. જ્ઞાનીઓએ કહ્યા છે તે ગૃહસ્થ ધર્મ બંધન ન કરે એટલા માટે જ કહ્યા છે. જે અન્ન જળ અને વસ્ત્ર પૂરતો પ્રયોજન રાખે તો તેને મોક્ષ હાથમાં રહેલો છે અને જે સંપત્તિ અને પદાર્થની અતિ તૃષ્ણા રાખે તેને અંત આવતો નથી. તેથી હે પિતાજી અમે ગૃહસ્થ ધર્મ નહીં કરીયે. અમે પુત્રો તારનારા છીએ. તેથી અમારા યોગે તમારો પણ મોક્ષ થશે અને આ કન્યાઓ પણ યોગિનીઓ છે. જ્ઞાન વિનાની મૂર્તિઓ છે. એમ કહી સનકાદિ વૈકુંઠમાં ગયા. જ્યાં લલિતા, પાર્વતી, પ્રભા તે શ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતી હતી. ત્યાં સત્યલોકમાં ફરતું નગારું સંભળાયું. પુરુષોત્તમ માસ તેરસનું જે વ્રત કરશે, તે કુમારી હશે, સધવા-વિધવા, વૃદ્ધા, યોગિની, વિયોગિની, રાગવૈરાગી જે કોઇ આ વ્રત કરશે તેને અભિષ્ટ આપનારો હું પુરુષોત્તમ નારાયણ છું. આ પુરુષોત્તમ માસની તેરસે જે મારું પૂજન એક સો આઠ ઉપચારથી, છપન ઉપચારથી, બત્રીસ ઉપચારથી, ષોડ્શોપચારથી અથવા જેટલી પૂજાસામગ્રી મળે તેનાથી અથવા માનસીપૂજાથી, પ્રેમથી પુજા કરશે. તેના માનસ સંકલ્પો હું પૂર્ણ કરીશ. આવું પુરુષોત્તમ નારાયણનું કૃપાવાક્ય નગારાથી સાંભળીને શ્રીહરિના આશ્રિત જયા, લલિતા, પાર્વતી, પ્રભાએ નગારાને નમસ્કાર કરી પૂછ્યું, શું આપે છે ?

નગારું કહે : સ્વર્ગ અને પુરુષોત્તમ નારાયણ. કન્યાઓ કહે, અમારે તો પુરુષોત્તમ નારાયણ જોઇએ છીએ. નગારું કહે, તો સુવર્ણની પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બનાવીને પુરુષોત્તમ માસનું તેરસનું વ્રત પૂજા કરજો. પછી જયા, લલિતા, પાર્વતી, પ્રભાએ બ્રાહ્મમુહૂર્તમાં જાગી, સ્નાન કરી, પુરુષોત્તમ નારાયણની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર - અલંકારો ધારણ કરાવી, ષોડ્શોપચારથી પૂજન કરી, નૈવેદ્ય ધરી, મુખવાસ, તાંબુલ અર્પણ કરી, ધૂપ-દીપ, આરતી, પ્રદક્ષિણા, નમસ્કાર કરી, સ્તુતિ, પ્રાર્થના કરી. હે હરિ, હે કૃષ્ણનારાયણ અમો તમારી દાસી છીએ, અમારા કર ગ્રહણ કરો. એમ કહીને ગદ્ ગદ્ કંઠવાળા થયા. પછી બપોરે ભોજન કરાવ્યા. સાંજે પણ પૂજા કરી, આરતી કરી, રાત્રે જાગરણ કરી, ધૂન-કીર્તન કરી, નૃત્ય કરતા હતા. ત્યાં શ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થયા, ચાર સ્વરૂપ ધારણ કરીને દર્શન આપ્યા. ચારેય કન્યાઓએ ફૂલમાળા પહેરાવી. પુરુષોત્તમ નારાયણે બ્રહ્માને આશિર્વાદ આપ્યા. બ્રહ્માએ વિધિપૂર્વક ચારેય કન્યાઓના પુરુષોત્તમ નારાયણ સાથે લગ્ન કર્યા અને અનેક ભેટ આપી. પુરુષોત્તમ નારાયણ ચારેય પત્નીઓને ગરુડ પર બેસાડી અક્ષરધામમાં લઇ ગયા. એવી રીતે પુરુષોત્તમ માસની તેરસનું વ્રત કરી. જયા, લલિતા, પાર્વતી, પ્રભા, પુરુષોત્તમ નારાયણને વરી અક્ષરધામને પામી અને મુકતાનીના સ્વરૂપને પામી. પુરુષોત્તમ નારાયણમાં મન રાખી જે આ કથા કહેશે અથવા સાંભળશે તેને પણ તેવું જ ફળ પ્રાપ્ત થશે.