યમપુરીમાં પાપ પ્રમાણે દંડ ❖ કેવા પાપે જીવાત્મા કેવા જન્મને પામે ?
શ્રીનારાયણ કહે : લક્ષ્મી - યમદૂતો હાથી, સિંહના રૂપવાળા વાઘ, શિયાળ, પાડા, સર્પ અને વીંછીના જેવા રૂપને ધારણ કરીને પાપીઓને કરડી ખાતા. ચિત્રગુપ્તે આજ્ઞા કરેલા મંદેહા રાક્ષસો, ગીધ, શકરા, રીંછ, ગધેડાના રૂપને લઇને પાપીઓને દંડ આપતા યમરાજાએ આજ્ઞા આપેલા ચિત્રગુપ્તના શાસનથી દૂતો અને રાક્ષસો પાપીજીવને તપાવતા હતા. હિંસક પશુ પાસે ખવરાવતા હતા. માતા-પિતાની હત્યા કરનારાને શાલ્મલી વનમાં કાંટામાં ચલાવતા હતા. પશુ હિંસા કરનારને ઉકળતા તેલમાં નાખતા. પ્રાણીને ખાનારા તેજ પ્રાણી તેને ખાતા તથા દેવાલયને ભોગવનારાને મર્મ સ્થળે ખિલા મારતા. ચાડી કરનારા, ખોટી સાક્ષી પુરનારાને નિદંકને મોઢાંમાં, કાનમાં તપાવેલા ખીલા નાખતા હતા. અસત્ય બોલનારા, નિંદા કરનારાની જીભ કાપી નાખતા. બળાત્કાર કરનારાના લિંગ કાપી નાખતા, સુવર્ણની ચોરી કરનારને મૃદગરથી ભાંગી અગ્નિમાં નાખતા. કન્યાહરણ, ગાય વિપ્રના હત્યારાને વાઘ પાસે ખવરાવતા. દેવપૂજા રહિત, દેવ-દ્રવ્યનો નાશ કરનારાને ગરમ પાણીના ધરામાં નાખતા, અન્ન-પાણીની ચોરી કરનારાને લોઢાના ગરમ દંડથી મારતા. ગુરુનો, બાળકોનો ઘાત કરનારાને ક્ષયરોગ મૂકી ગુફામાં નાખી નાખતા. રસની ચોરી કરનારને વિષ્ટામાં નાખતા, બીજાનો ઘાત કરનારને ઊધે માથે બાંધી નીચે તાપ કરતા.
ઝેર આપનારા, અગ્નિ લગાડનારા, વૃષણ ઉચ્છેદ કરનારા, પાંજરામાં પુરનારા ઘાત કરનારા, ઘોર નરકમાં પડીને પછી અપંગના જન્મને પામે છે. માથાના દુ:ખાવાવાળા, જડ, અંધ, બેરા, કાણા, ફાંગા, કોઢવાળા, શ્વાસના રોગવાળા આવા અનેક પ્રકારના દુ:ખ ભોગવે છે. વાણીથી દોષ આપનારા, નિંદક, શઠ, નિર્દય, ઇર્ષ્યાવાળા નરકના દુ:ખો ભોગવીને પશુ-પક્ષીના જન્મને પામે છે. પછી મનુષ્ય જન્મ પામી નષ્ટ ચિતવાળા, અસ્થિર મનવાળા થાય છે. ભૂતપ્રેતના અભિચારવાળા, મલિન વિદ્યાવાળા, દીન, નિર્ધન, નિરાશ્રિતને દુ:ખ આપનારા, પાપીને વીંછીવાળી ઊંડી ખાઇમાં નાખતા હતા. એવાને નરકના દુ:ખ ભોગવીને મનુષ્યમાં જ્યાં ભૂખ તરસનું દુ:ખ હોય, રાજાનો ભય હોય, ચોરનો ભય હોય, ત્યાં જન્મો થાય છે.