વિષ્ણુ દ્વારા મેનાને શિવસ્વરૂપનું જ્ઞાન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મેના રોતી રોતી નારદને કહે : તેં તો મારી દીકરીને કાદવમાં નાખી, તને શાપ આપું છું. તને કોઇ કન્યા નહીં આપે. અરે પુત્રી તેં તપ કરીને આવા વાંદરા જેવા વરને કેમ પસંદ કર્યો. હજી તું કહે તો આ વરને પાછો મોકલી દઉં. તને ચૌદ લોકના ઇશ્વરો ન સારા લાગ્યા. અને આને પસંદ કર્યો. એમ કહી મેનાએ દેવોને બ્રહ્મા વિષ્ણુને બોલાવ્યા અને કહ્યું. મારી પુત્રી પાર્વતીને કૂવામાં નાખીશ, ઝેર આપીને મારી નાખીશ, કાપી નાખીશ, પણ ભૂત જેવા રુદ્રને નહીં આપું. ત્યારે વિષ્ણુએ ઘણું સમજાવ્યા, માતા તમે પર્વતો જે રીતે ઈચ્છા પ્રમાણે સ્વરૂપો ધારણ કરો છો તે જ રીતે અમે ઇશ્વરો પણ અનેક સ્વરૂપ ધારણ કરીએ છીએ. શંકરનું તમે જે રુદ્ર રૂપ જોયું તે તો ક્યારેક જ બતાવે છે. સદાશિવ તો તેજસ્વી, સ્વયં બ્રહ્મ છે. અમારા સર્વેથી સુંદર રૂપ શંકરનું છે.
મેં પણ એકવાર શંકરને મોહ પમાડવા મોહિનીરૂપ ધારણ કર્યું હતું. માટે હઠનો ત્યાગ કરી લગ્નની તૈયારી કરો અને હવે તમારા જમાઇરાજનું રૂપ કેવું છે તે જો જો એમ કહી વિષ્ણુ શંકર પાસે જઇને કહે, તમારું જોગી જટાનું રૂપ બદલાવીને પહેલા જેવું કરી લ્યો. શંકર કહે, લગ્ન કરવામાં રૂપ બદલવા પડે. એમ કહીને પોતાનું સ્વરૂપ કૃષ્ણ સમાન બનાવી દીધું અને સર્વે ગણોના સ્વરૂપો ગોલોક, વૈકુંઠના પાર્ષદો સમાન બનાવ્યા. પછી હિમાલય મેનાએ શંકરને વધાવ્યા તથા ષોડ્શોપચારથી પૂજા કરી, આરતી ઉતારી સ્તુતિ કરી પગે લાગ્યા. વિષ્ણુ સમાન તેજસ્વી શંકરનું રૂપ જોઇ હિમાલય તથા મેના પોતાના ધન્ય ભાગ્ય માનતા હતા. પછી સર્વે મહેમાનોને ભોજન પાન કરાવ્યા. પછી સર્વે મહેમાનોએ રાત્રિ વિશ્રામ કર્યો.