ધર્મદેવ અને રૂદ્ર પ્રાગટ્ય
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, ત્યારપછી મેં બ્રહ્માને પ્રેરણા કરી એથી બ્રહ્માએ પોતાના હૃદયમાંથી શ્વેતવર્ણવાળા, પ્રકાશવાળા, વિદ્યાશક્તિયુકત સુખ, સ્વર્ગ, મોક્ષ આપનારા ધર્મદેવ પ્રગટ કર્યા અને ધર્મની પત્નીઓ શ્રદ્ધા, શાંતિ, દયા, ગતિ, મેઘા, તૃષ્ટિ, પુષ્ટિ, મૈત્રિ, લજ્જા, ક્રિયા, ઉન્નતિ, મૂર્તિ, બુદ્ધિ, તિતિક્ષા વગેરે તથા ભક્તિ-આરાધના ધર્મની સાથે પ્રગટ થયા. તેની પ્રજા પણ સૌમ્ય અને સુખ આપનારી થઇ.
ઐશ્વર્ય, જ્ઞાન, તપ, વૈરાગ્ય, સ્થિર, ક્ષેમ, સત્ય, શૌચ, સરલ, શામ, દમ, ત્યાગ, યોગ, યજ્ઞ, સંતોષ, નિગ્રહ, આસ્તિક, પ્રસન્નતા, સ્વાધ્યાય, ઉદ્યમ, આશ્રય, લાભ, ગંભીરતા, નિર્ભયતા, શરણ્યતા, બ્રહ્મણ્યતા, દિવ્યતા, સુંદરતા, અહિંસા વગેરે ધર્મદેવના પુત્રો-પુત્રીઓ પ્રગટ થયા તે જોઇ બ્રહ્મા શાંતિ-સુખ પામ્યા. ત્યાં બ્રહ્માના લલાટમાં રૂદ્ર થયા તે પાંચ માથા, ત્રણ નેત્ર, દશ હાથ તેનાથી પ્રજા થઇ તે તામસી. બ્રહ્મા કહે : રૂદ્ર, આનો સંહાર કરી નાખ. રૂદ્રે તામસી સૃષ્ટિ અદૃશ્ય કરી. બ્રહ્માએ તે રૂદ્ર પુત્રને મહરલોકમાં વાસ આપ્યો. જ્યારે સત્યલોક બ્રહ્મા પાસે જવાની ઈચ્છા કરે ત્યારે જઇ શકે. જે સત્યનું આચરણ કરે તે સત્યલોકમાં જઇ શકે.