ભાગ · અધ્યાય ૮૮

દીવોદાસ રાજા દ્વારા દેવોનો અપરાધ

લક્ષ્મી પૂછે છે : પ્રભુ, મંદરાચળની પ્રાર્થનાથી શંકર મંદરાચળ પર્વતમાં રહ્યા. તેમાં દીવોદાસને દેવનો અપરાધ ક્યો થયો ? શ્રીનારાયણ કહે : લક્ષ્મી સાંભળો. એક વખત કાશીમાં અતિવૃષ્ટિ થઇ. ત્યારે શંકર ધ્યાનમાંથી જાગ્યા. બહુ દુ:ખ થયું. બારે મેઘ જટામાં બાંધીને દશ વર્ષ સુધી સમાધીમાં બેસી ગયા. અનાવૃષ્ટિથી પ્રજા મરવા લાગી. યજ્ઞો બંધ થયા, પૂજા બંધ થઇ, તે સમયે દીવોદાસ તપમાં બેઠો હતો. રાજા વિના દુ:ખી દેવો માનવોએ બ્રહ્માને કહ્યું, પ્રતાપી રાજાને મોકલો. બ્રહ્મા દીવોદાસ પાસે જઇ કહે : રાજન તપ બંધ કર. તારા અને લોકના કલ્યાણ માટે રાજ્ય કરી પરોપકાર કર. પરોપકાર કરવાથી ભગવાનની ભક્તિ થાય છે. અને ભક્તિ કરીને ભગવાન રાજી થાય છે. તો જેની ઉપર શ્રીહરિ રાજી થયા તેને તપની શું જરૂર અને જેને ભક્તિ ન કરી શ્રીહરિને રાજી ન કર્યા તેને પણ તપથી શું ? અત્યારે શંકર કૈલાસમાં સમાધીમાં બેસી ગયા છે. તેથી તું કાશીનું રાજ્ય કર. જે પિતાની આજ્ઞા નથી માનતો તે પોતાના ભાગ્યને ઠોકર મારે છે. દીવોદાસ કહે : જેવી તમારી મરજી. પછી બ્રહ્માએ દીવોદાસને ગાદીએ બેસાડ્યો. દીવોદાસે બ્રહ્માને કહ્યું પૃથ્વી પર દૈત્યો ફરે છે. તેના સમાન ધર્મ નથી તો મારે શું કરવું ? બ્રહ્મા કહે : તલવાર અને માળા બંને રાખી રાજ્ય કર. માળાથી ભગવાનની ભક્તિ કરજે, કરાવજે. તલવારથી અપરાધીને દંડ દેજે. બ્રહ્માએ દેવોને કહ્યું તમારે સ્વર્ગમાં પર્વતમાં વાસ કરવો. ત્યારપછી મંદરાચળની પ્રાર્થનાથી શંકર ત્યાં મંદરાચળ પર રહ્યા. ત્યારે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, વરુણ સર્વે દેવોએ ક્રોધિત થઇ પોતાના કાર્યો બંધ કર્યા. ત્યારે દીવોદાસે નારાયણની ભક્તિથી, તપથી પોતે સૂર્યના, ચંદ્રના, વાયુના, વરૂણના, અગ્નિના કાર્યો કર્યા. અને સર્વે પ્રજામાં શ્રીહરિની ભક્તિ કરાવી. તીલક, ચાંદલો, માળા, કંઠી, પૂજા, કથા, સામા મળે તો ભગવાનનું નામ બોલવું વગેરે પ્રજામાં ભક્તિ પ્રવર્તાવી. પણ દેવોને રજા આપી તે અપરાધ કર્યો.