ભાગ · અધ્યાય ૩૪૮

વણિકનું મથુરામાં શ્રાદ્ધ ❖ વિમતી રાજા સાથે વરાહ ભગવાનનું યુદ્ધ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, મથુરાથી પશ્ચિમમાં રહેલા ગોવર્ધન પર્વતની પરિક્રમાથી મનુષ્યોના મોક્ષ થાય છે. માનસગંગામાં સ્નાન કરી, ચક્રતીર્થ અન્નકુટની પ્રદક્ષિણા કરી. રાધાકુંડમાં સ્નાન કરવાથી, અનેક હત્યાઓના પાપ નાશ પામે છે. દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુરનો વૈશ્ય, સુશિલ સર્વે સત્કર્મોથી રહિત હતો. કેવળ કુટુંબપોષણ કરતો. ધર્મ નહીં, ભક્તિ નહીં, સત્સંગ નહીં, દાન નહીં, સર્વેનો તિરસ્કાર કરનારો તે કાળે કરી મરણ પામ્યો. પાણી વિનાના મરુદેશમાં પ્રેત થયો. મોટા દાંત, લાંબી દાઢીવાળા, બિલાડા જેવા મોઢાવાળો, મોટા પેટવાળો, એવો પ્રેત થયો. તે માર્ગે એક વણિક વેપારી નીકળ્યો. પ્રેતે પકડ્યો. ખાઇ જાઉં, પ્રેત વચન સાંભળીને વણિક કહે : ધનની ઈચ્છાથી કુટુંબના પોષણ માટે જાવ છું. તું મને ભક્ષણ કરી જા તો મારા માતા-પિતા વગેરે દુ:ખી થાય અને તને પ્રેતપણામાંથી મુક્તિ નહીં મળે.

પ્રેત કહે : તું ક્યાંથી આવે છે ? વણિક કહે : મથુરાથી ગોવર્ધનની પ્રદક્ષિણા કરી, યમુનામાં સ્નાન કરી, હવે ધન કમાવા જાઉં છું. પ્રેત કહે : તું મથુરા જઇને ચતુ: સમુદ્રમાં પિંડદાન મને સંભારી કરજે અને દાન આપજે. એટલે મારો મોક્ષ થાય અને તારા ઘરમાં ધન દાટેલું છે, તે કાઢી લેજે. વણિક કહે : મથુરાના કુપમાં ચાર સમુદ્ર રહે છે. એવું તને કોણે કહ્યું? પ્રેત કહે : મારા ગામમાં અગસ્તસ્ય મુનિ, લક્ષ્મીનારાયણની કથા વાંચતા હતા. તેમાં પ્રેતનો મોક્ષ, તે કુપમાં સ્નાન, દાન, પિંડ આપવાથી થાય છે અને વાંચનારને એક ઢબ્બુ દાનમાં આપ્યું હતું તે કથાશ્રવણ અને ઢબ્બુંના દાનથી પૂર્વ જન્મનું જ્ઞાન મને છે. વણિક કહે : તું કેમ જીવે છે. પ્રેત કહે : મારા ઘર પાસે મેં પીપળ વાવી છે. તેના ફળ ખાઇને જીવ-જંતુની જેમ જીવું છું. પછી વણિક પ્રેતને આશ્વાસન આપી દ્રવ્ય કાઢીને મથુરા ચતુ: સમુદ્રકુપમાં પ્રેત શ્રાદ્ધ કર્યું. પ્રેત આવી પિંડદાન ખાઇને સ્વર્ગમાં ગયો. વણિક ધનથી સુખી થયો. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સર્વે તિર્થોમાં પ્રેતને પિંડદાનથી પ્રેત મુક્તિ મળે છે. પુણ્ય નરનો રાજા વિમતી હતો. તેને ઘેર નારદ આવ્યા. રાજાએ પૂજન કર્યું. નારદ કહે : રાજા તું ધર્મવાળો છો. તારા પિતા સુમતિ મારા મિત્ર હતા. તેના મરણ પછી તે દાન, પુણ્ય ઘણાં કર્યા પણ તિર્થો કર્યા નહીં, તેથી તારા પિતાનું ઋણ તારી ઉપર છે. તે તું તીર્થ કરી ઋણ ચૂકવી ધર્મભાગી થા. એમ કહી નારદ બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા.

રાજા પણ તીર્થમાં જવાની ઈચ્છાથી મથુરામાં આવ્યો. સર્વે તિર્થો ચાતુર્માસમાં અહીં આવે છે. એવું જાણી રાજા ચાતુર્માસ મથુરામાં કરવા રોકાયો. પરંતુ રાજાના દાસ-દાસીઓ શૂદ્ર જ્યાં ત્યાં તીર્થમાં મળમૂત્ર કરતા. વ્રતના દિવસે મૈથુન કરનારા, મદ્ય, માંસ, ખાનારા તે પાપ સર્વે રાજાને થાય છે. તેથી સર્વે તિર્થો કલાપ ગામે વરાહ ભગવાન પાસે ગયા, અને સ્તુતિ કરી તિર્થોના કષ્ટને નાશ કરનારા તમને નમસ્કાર. વરાહ પ્રભુ કહે : તમારે જે ઈચ્છા હોય તે માગો. તિર્થો કહે : પ્રભુ વિમતી રાજા અમારે ત્યાં આવી તેના દાસ-દાસી પાપ કરે છે, તેથી બચાવો. વરાહ પ્રભુ કહે : હું ત્યાં આવીને રાજાનું નિયમન કરીશ.એમ કહીને મથુરા આવ્યા. પોતાની તલવાર પૃથ્વીમાં રાખી ઘડી વિશ્રામ કર્યો અને રાજાની સાથે યુદ્ધ કરીને તેને અધર્મથી રોક્યો. તે વરાહ તીર્થ થયેલું છે. ત્યાં સ્નાન, દાન કરવાથી સર્વે તિર્થોનું ફળ થાય છે.