અનાદિશ્રીકૃષ્ણનારાયણનું કંભરાલક્ષ્મી અને ગોપાલકૃષ્ણને વરદાન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સૃષ્ટિમાં આદીમાં અશ્વપટ સરોવર કાંઠે કુંકુમવાપીમાં ગોપાલકૃષ્ણ વનમાં તપ કરવા જતા હતા. ત્યારે તેના પત્ની પતિવ્રતા કંભરાલક્ષ્મી પણ તૈયાર થયા. ગોપાલકૃષ્ણ કહે, વનમાં હિંસક પશુનો ભય લાગે, દુ:ખ ઘણું પડે, કંભરાલક્ષ્મી કહે, કુટુંબમાં સૌ સૌનું ભાગ્ય લઇને આવે છે ને ખાય છે. તે પત્નીના ભાગ્ય એક પતિ જ છે. તેથી જ્યાં કાયા તથા છાંયા તેમ પતિ વિના સતી રહી શકતી નથી. એમ કહી વનમાં તપ કરવા સાથે ગયા. એક હજાર વર્ષ તપ કર્યું. અનાદિશ્રીકૃષ્ણનારાયણે સ્વયં ધર્મ ભક્તિ સાથે જયા, લલીતા, લક્ષ્મી સાથે આવી દિવ્ય અલૌકિક દર્શન આપી કહ્યું. વરદાન માંગો. કંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણ કહે : હે પ્રભુ, જો તમે પ્રસન્ન થયા હો તો આવા દિવ્ય સ્વરૂપે અમારે ઘેર વાસ કરો અને યુગધર્મના અનુસારે ધર્મનું રક્ષણ કરો. પુરુષોત્તમ નારાયણ કહે : જ્યારે જ્યારે યુગ પરિવર્તન થાય ત્યારે હું યુગધર્મ પ્રવર્તાવવા વારંવાર પ્રગટ થાઉં છું. એ જ પ્રમાણે અત્યારે ધર્મ પ્રર્વતાવવા તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ ને દિવ્યપણે તમારે ત્યાં વાસ કરીશ. એમ કહીને અનાદિશ્રીકૃષ્ણનારાયણ અદૃશ્ય થયા હતા.