સુતપા ઋષિ દ્વારા સુયજ્ઞ રાજાને પત્નિવ્રત ધર્મનું જ્ઞાન
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, સુતપા ઋષિ સુયજ્ઞ રાજાને કહે, પ્રકૃતિથી ઉત્પન્ન થયેલું જેટલું છે તે નાશવંત છે. બ્રહ્માનો પુત્ર મનુરાજા શંકર પાસેથી શ્રીકૃષ્ણનારાયણનો મંત્ર લઈ ભજન કરી ગોલોકમાં ગયો. તેવી રીતે ચૌદ મનુઓ થયા પણ આ પૃથ્વીનું રાજ્ય કરી સાથે ભગવાનની ભક્તિ કરી મહાજ્ઞાની થયા અને પ્રભુના ધામમાં ગયા. તે ચૌદ મનુઓ બ્રહ્માના એક દિવસમાં થાય છે. એવડી જ રાત્રિ બ્રહ્માના દિવસને સાંજે પ્રલય થાય તેને નિત્યપ્રલય કહે છે. બ્રહ્માના સો વર્ષ પૂરા થાય તેને નિમિત પ્રલય કહે છે. ત્યારે વૈરાટનારાયણનો એક દિવસ થાય છે. વૈરાટનારાયણના સો વર્ષ પુરા થાય ત્યારે મહાવિષ્ણુનો એક દિવસ થાય છે. મહા વિષ્ણુના સો વરસ થાય ત્યારે પ્રધાનપુરુષનો એક દિવસ થાય છે. પ્રધાનપુરુષનાં સો વર્ષ પૂરા થાય ત્યારે પ્રકૃતિપુરુષનો એક દિવસ થાય. પ્રકૃતિ પુરુષનાં સો વર્ષ પૂરા થાય. ત્યારે મહામાયા સાથે અક્ષર બ્રહ્મમાં લીન થાય છે તેને પ્રાકૃતિક પ્રલય કહે છે. તે રાધાજી મહામાયા પ્રકૃતિ કહેવાય છે. જીવાત્માનો મોક્ષ થાય ત્યારે તેને આત્યંતિક પ્રલય કહેવાય છે. માટે આ તારી પત્ની છે. તે રાધાના અંશરૂપે છે અને પતિવ્રતા છે. તેની સામે જો. રાજાએ પત્ની સામું જોયું ત્યારે તે રાધારૂપે દર્શન થયા. પછી રાધાએ ઋષિના કહેવાથી રાધાજીનો મંત્ર “ૐ શ્રીં હ્રીં કલીં રાસેશ્વર્ય રાધીકાયે સ્વાહા” ગ્રહણ કર્યો. હે રાજા, કૃષ્ણ તે રાધા છે અને રાધા તે કૃષ્ણ છે.
તને પત્નીવ્રત ધર્મ કહું તે સાંભળ. સવારમાં સ્નાન કરી કૃષ્ણની સાથે રાધાજીની પૂજા કરી, નૈવેદ્ય ધરી, આરતી, સ્તુતિ કરવા તથા ઘરમાં રહેલી પત્નીને ગૃહલક્ષ્મી માનવી. રાજા પણ પત્ની વિના શોભતો નથી અને રંક પણ પત્ની વિના શોભતો નથી. જેના ઘરમાં સારા સ્વભાવવાળી પત્નિ નથી તેનું ઘર અરણ્ય જેવું છે. સુખનું મૂળ ક્રિયાનું મૂળ સર્વે સુવાસના સંસારનું મૂળ પત્ની છે. સર્વે રત્નોમાં શ્રેષ્ટ પત્ની રત્ન છે. હે રાજા, જો સ્ત્રી ઘરમાં ન હોય તો ઘર સુકું લાગે છે. કમળ જેમ જલ વિના રહી શકતું નથી. તેમ પત્ની વિના ઘર નથી કહેવાતું. માટે હે રાજા, આ તારી પત્ની તે રાધાનો અંશ છે. સુતપા ઋષિ કહે, રાજા હું વિશેષ પત્નીવ્રત સમજાવું સાંભળ. જેની પત્ની સતી, સાધવી, પતિવ્રતા હોય તે સાક્ષાત્ લક્ષ્મી કહેવાય છે. તેની રાજદૃષ્ટિથી દર્શન કરી, દાસી પાસે સેવા કરાવવી. અથવા પોતે સ્વયં તેના કેશ ઓળવા વગેરે સેવા કરવી, શૃંગાર વગેરે આભુષણો ધારણ કરાવવા તથા ભોજન વગેરે કરાવવા તથા ભગવાનની કથાનું જ્ઞાનવિજ્ઞાન, પત્નીને કહેવારૂપી સેવા કરવી તથા નવધા ભક્તિ કરાવવારૂપી સેવા કરવી. ભગવાન વિના કોઇના દર્શન સ્પર્શ વાત ન સાંભળવી વગેરે સેવા કરવી તથા સમય પ્રમાણે પત્નીને રતિસુખ આપવું તે પત્નીવ્રતા પુરુષે પોતાની પત્ની વિના કોઇ સ્ત્રીનો સ્પર્શ, વાત ન કરવા, તેમજ પરસ્ત્રીનું ચિંતન પણ ન કરવું, તે પત્નીવ્રત પુરુષે અન્ય સ્ત્રીએ આપેલું કાંઇ પણ ખાવું નહીં, પીવું નહીં. સમાજના ઉત્સવોમાં જવું નહીં. સદા પોતાની પત્નીને સાથે રહીને સંતોષ પમાડવો. સુતપા ઋષિ કહે કે, રાજા આ રીતે સંસારમાં રહે તો તેને સ્વર્ગસમાન સુખની પ્રાપ્તિ થાય છે. અને દેહને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે.