પુરુષોત્તમ માસની વદ ચૌદશની તિથીની પૂજનવિધિ - દૃઢ ધન્વા અને ચિત્રબાહુ રાજાને કુટુંબે સહિત બ્રહ્મલોકની પ્રાપ્તિ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે દૃઢ ધન્વારાજા પ્રજાપ્રેમી અને શ્રીકૃષ્ણની ભક્તિ પરાયણ હતો. તેને વિચાર આવ્યો, મને ક્યા પુણ્યથી રાજ્ય મળ્યું હશે ? મૃગયા કરવા વનમાં ગયો ત્યાં પોપટ બોલ્યો, રાજ્યલક્ષ્મી શરીર સુખ સર્વે મળ્યું છતાં પ્રભુને ભજતો નથી તો સંસારપાર કેમ થઇશ ? રાજા પોપટનું વાક્ય સાંભળી રાજ્યમાં આવ્યો. ત્યાં વાલ્મીકિ ઋષિ આવ્યા. રાજાએ પોપટનું વાક્ય કહ્યું. વાલ્મીકિ કહે : સાંભળ તું પૂર્વજન્મમાં દ્રવિડ દેશમાં સુદેવ વિપ્ર હતો. ગૌતમી તારી પત્ની હતી. પુત્ર ન હોવાથી તમે નદી કાંઠે ચાર હજાર વર્ષ કંદમૂળ ખાઇ તપ કર્યું. પ્રભુ પ્રસન્ન થયા. ગૌતમી તપ ન કર. સુદેવ કહે : પ્રભુ પુત્ર આપો. શ્રીહરિ કહે : તારા સાત જન્મમાં પુત્ર સુખ નથી. ગૌતમી કહે : ભાગ્ય પાસે પ્રભુ નિરર્થક થાય તો પ્રભુથી પ્રયોજન શું ? શ્રીહરિ કહે : મારી આરાધના કદી નિષ્ફળ નહીં થાય. શ્રીહરિ તથાસ્તુ. કહી અદૃશ્ય થયા. સમય જતા સુદેવને પુત્ર થયો, જનોઇ આપી ભણાવ્યો. એક વખત દેવલ ઋષિ આવ્યા. પુત્રના હાથમાં છત્ર, ચામર, પદ્મ, ચિહ્નો જોઇને કહ્યું. સુદેવ આ તારા પુત્રની આયુષ્ય બાર વર્ષની છે. પાણીમાં મૃત્યુ પામશે. અનિષ્ટ સમયે વાવમાં ન્હાવા ગયો. ડૂબી મરી ગયો. સુદેવ ગૌતમી રૂદન કરવા લાગ્યા. અન્ન, જળનો ત્યાગ કર્યો. પુરુષોત્તમ માસ હોવાથી વ્રત થયું.
પ્રભુ પ્રસન્ન થઇ કહે : પુત્રનું આયુષ્ય બાર વર્ષનું જ હતું પણ પુરુષોત્તમ મહાત્મ્યથી લાંબું જીવનારો થયો. પછી તે પુત્ર સાથે ઘણો સમય રહીને સત્યલોકમાં ગયો. પછી તે દૃઢ ધન્વારાજા થયો અને તારો પુત્ર પોપટ થઇને કહેવા આવ્યો. વાલ્મીકિ કહે : પુરુષોત્તમ માસનું વ્રત અજાણતા પણ થવાથી આ રાજ્ય સંપત્તિ મળે છે તો હવે પ્રભુની ભક્તિ કરજે. પું નામના નરકથી તારે તેને પુત્ર કહેવાય છે. તેથી વૈકુંઠથી તારા પુત્રે પોપટરૂપે આવી તને કહ્યું, દૃઢ ધન્વારાજા વાલ્મીકિને પુરુષોત્તમ નારાયણની પૂજાવિધિ કેમ કરવી તે પૂછ્યું. વાલ્મીકિ કહે : બા્રહ્મમુહૂર્તમાં જાગીને પરબ્રહ્મનું ધ્યાન કરવું. પ્રભુનં નામ લઇ સ્નાન કરવું. પછી શુદ્ધ વસ્ત્ર પહેરી પૂર્વમુખે બેસી આચમન કરી જપ કરવો. તિલક, ચાંદલો, શંખ, ચક્ર, ગદા, પદ્મ ચિહ્ન શરીરમાં ધારણ કરવા. તુલસી, કંઠી, માળા ધારણ કરવી. કળશ પાણીનો ભરીને સ્થાપન કરી તે બ્રહ્મા, વિષ્ણુ, શંકરનું આવાહ્ન કરી, પૂજા, આરતી, નૈવેદ્ય અર્પણ કરી, સ્તુતિ કરવી તથા પુરુષોત્તમ માસમાં રોજ પૂજા કરી મંદિરમાં દીપ-દાન દેવું. પર્વે ચિત્રબાહુ રાજાને ત્યાં અગત્સ્ય મુનિ આવ્યા. રાજા પગે લાગ્યા સત્કાર કરી પૂછ્યું મને કયા પુણ્યે આ રાજ્ય મળ્યું હશે ?
અગત્સ્ય મુનિ કહે : પૂર્વે તું ચમત્કારપુરમાં શુદ્ર હતો. નાસ્તિક હતો દારૂ, માંસ ખાતો. એક વખત વનમાં શિકારે ગયો ત્યાં ઋષિ તરસ્યા હતા તેને પાણી પાયું, તેથી આશિર્વાદ આપ્યાં તું સુખી થા, અને મંદિરમાં તેલ અથવા ઘીનો દીવો કરજે. ઋષિના વચન પ્રમાણે મંદિરમાં દીપ-દાન કરવાથી મણીગ્રીવ શુદ્ર તું ચિત્રબાહુ રાજા થયો. અધિક માસમાં મંદિરમાં દીપ-દાનથી ધન, ધાન્ય, પશુ, પુત્ર, સ્ત્રી સર્વે પ્રાપ્ત થાય છે. તે વંધ્યત્વ નાશ કરનારું છે. આમ કહી અગસ્તસ્ય મુનિ પ્રયાગ ચાલ્યા ગયા. વાલ્મીકિ કહે : દૃઢ ધન્વારાજા તું પણ આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરી દીપ-દાન કરી અંતે મોક્ષને પામીશ. એમ કહી વાલ્મીકિ ચાલ્યા ગયા. ત્યાં રાજાએ નગારું સાંભળ્યું. આજે જ દીપ-દાન કરીને સ્વર્ગ મોક્ષ મેળવો. દૃઢ ધન્વારાજાએ પુરુષોત્તમ માસની વદ ચૌદશનું વ્રત નિરાહાર રહીને, કુટુંબ સહિત પુરુષોત્તમ નારાયણનું પૂજન કરી, આરતી, નૈવેદ્ય ધરી, પ્રભુ પાસે અખંડ દીવો રાખી, જાગરણ કરી, ઉત્સવ કર્યો તેમજ અનેક પ્રકારના દાન આપ્યા. ત્યાં પુરુષોત્તમ નારાયણે પ્રત્યક્ષ દર્શન આપીને દૃઢ ધન્વારાજાને કુટુંબ સહિત બ્રહ્મલોક લઇ ગયા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પુરુષોત્તમ માસનો મહિમા કેટલો કહું. જે માસનો દાતા, પોષ્ટા, તુષ્ટા, પ્રદાતા, સમુદ્ધર્તા, પુરુષોત્તમ નારાયણ હું પોતે જ છું. જે આ કથા વાંચશે સાંભળશે તે પણ બ્રહ્મલોકને પામશે.