અમરકંટક તીર્થ અને વ્યાઘ્રેશ્વર તીર્થની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, વસુદાન રાજા ઋક્ષ પર્વતમાં યજ્ઞ કરતો હતો, ત્યાં યજ્ઞમાં વિઘ્ન કરવા અસુરો આવ્યા. તેથી રાજાએ રેવા નદી કાંઠે યજ્ઞ કર્યો અને લાખો ગાયોના દાન આપ્યા. તે ગાયોના મુત્રનો પ્રવાહ નર્મદામાં ભળી ગયો. તેથી ત્યાં કપીલા, નર્મદા સંગમતીર્થ થયું છે. યજ્ઞથી, દાનથી, પ્રસન્ન થયેલા વિષ્ણુ રાજાને કહે, અહીં કપીલાતીર્થમાં જે સ્નાન કરશે તેને નારાયણ અને શંકરના દર્શન થશે. અંતે પરમપદને પામશે.
મથુરાનો રાજા વિશ્રવા તીર્થ કરતો નર્મદામાં અમરકંટક તીર્થમાં આવ્યો. ત્યાં સ્નાન કરીને ધ્યાન કરવા બેઠો ત્યાં અગ્નિ જેવા બે સૂર્ય જોયા તે ભૂમીને બાળવા લાગ્યા. રાજા ધ્યાનમાંથી જાગી પાણી પીવા ગયો ત્યાં પાણી ન મળે. રાજાએ અનાદિશ્રીકૃષ્ણનારાયણને સંભાર્યા એટલે એક વૃક્ષ નીચે તેજસ્વી સુતેલી મૂર્તિ જોઇ તેની પાસે ચાર પાણીના ભરેલા ઘડા જોયા. એક સ્ત્રી છુટા કેશવાળી કેડ્યે બાલીકાને તેડીને ઉભેલી જોઇ. તે સ્ત્રીએ રાજાને કહ્યું, આ પાણી પીને તૃષા છીપાવ. હું પૃથ્વી છું. આ મારો બાળક બ્રહ્મા છે. આ બાલીકા નર્મદા છે. આ વડકલ્પ વૃક્ષ છે. આ ચાર ઘડાઓ સાગરો છે. સૂતેલા તે શંકર છે. ઉભા તે વિષ્ણુ છે. રાજાએ પાણી પીધું ત્યાં તો સર્વે અદૃશ્ય થયા. એ રીતે નર્મદામાં શંકર, વિષ્ણુ, બ્રહ્મા તીર્થરૂપે સદાવાસ કરે છે.
પૂર્વે બભૃરાજાએ પિતૃશ્રાદ્ધમાં ભારદ્વાજ વગેરે ઋષિઓ અને વિપ્રોને ભોજન કરવા બોલાવ્યા. ભોજનમાં સાત્વીક, રાજસી સાથે તામસી ભોજન માંસ વગેરે પીરસ્યું. એટલે ભારદ્વાજ ઋષિએ કહ્યું : રાજા, આ તામસી ભોજન અમને પીરસ્યું, અભક્ષ્ય અમને ખાવા આપ્યું માટે તમે રાજા-રાણી હિંસક વાઘ વાઘણ થાવ. રાજપત્ની પતિવ્રતા સુઘમા કહે, મને વગર વાંકે શાપ આપ્યો છે તેથી તમે બ્રાહ્મણો મરૂદેશમાં રાક્ષસો થાવ. ભારદ્વાજ ઋષિએ બ્રહ્મા પાસે જઇને કહ્યું. બ્રહ્મા કહે, વેદમાં કહેલું હોય પણ લોકમાન્ય ન હોય તો તે કર્મ ન કરવું. વેદમાં કહેલું હોય પણ લોકમાન્ય હોય તે કરવું. પછી બ્રહ્માએ કહ્યું, પ્રાયશ્ચિત માટે નર્મદા કાંઠે માર્કન્ડેય મુનિ પાસે જાવ. સર્વે માર્કન્ડેય મુનિ પાસે આવ્યા. મુનિએ સર્વને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામીને સ્વાહા” એ મંત્ર આપ્યો અને કહ્યું કે, એક માસ સુધી આ મંત્રનો જપ કરી સ્નાન કરી પાણી પીજો. એ રીતે કરવાથી સર્વ બ્રાહ્મણો રાજા- રાણીના શાપરહિત અને શ્રીહરિના દિવ્ય વિમાનમાં બેસી ધામમાં ગયા. ત્યાં નર્મદામાં વ્યાઘ્રેશ્વર તીર્થ થયેલું છે.