ભાગ · અધ્યાય ૩૩૬

શંકર અને શંખચૂડ વચ્ચે યુદ્ધ - શંખચૂડનો પરાજય

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, શંકર ત્રિશૂલ લઇને ચંદ્રભાગા નદીકાંઠે આવી વડ નીચે બેઠા અને દૂત, પુષ્પદંતને શંખચૂડ પાસે મોકલ્યો. દૂત શંખચૂડને કહે, શંકરે કહ્યું છે દેવોનું રાજ્ય અને અધિકારો દેવોને પાછા આપી દે નહીં તો યુદ્ધ માટે તૈયાર થઇ જા. શંખચૂડ કહે : કાલે સવારે આવીશ. દૂતે શંકર પાસે આવી નિવેદન કર્યું. શંકરે સર્વે ગણોને, ભૈરવોને, કુષ્માંડ, પિશાચોને તૈયાર કર્યાં. સર્વે દેવો અસ્ત્રો, શસ્ત્રો, આયુધો લઇ આવી ગયા. શંખચૂડે તુલસીને શંકર સાથે યુદ્ધ કરવાની વાત કરી. તુલસી સાંભળી તરત દુ:ખમાં ડુબી ગઇ. જમણું અંગ ફરકવા લાગ્યું અને કહે : આજે રાત્રે મને દુષ્ટ સ્વપ્ન આવ્યું. મહેલ પડી ગયો. પાડાનું વાહન લઇ મને કોઇક ઉપાડી ગયું. તુલસીનું વાક્ય સાંભળી શંખચૂડ કહે : પ્રિયે, જે કાળે જે થવાનું હોય તે થાય જ. શુભ, અશુભ, હર્ષ, સુખ-દુ:ખ, ભય, શોક, અમંગલ, સર્વે કાળકર્મ પ્રમાણે થયા કરે છે. કાળ પ્રમાણે વૃક્ષો ફળે છે, પાછા લીન થાય છે. બ્રહ્માંડની પ્રજા અને બ્રહ્મા પણ તે સર્વેના સર્જનારા, પોષણ કરનારા, અને સંહાર કરનારા શ્રીકૃષ્ણ છે. માટે તુલસી, કૃષ્ણનું ભજન કરજે, થવાનું હશે તે થશે. માટે કાળના કાળ કૃષ્ણનું શરણું લે. કોણ ભાઇ, કોણ કુટુંબ, સર્વે કર્મથી ભેગા થયેલા છે. વિપત્તિમાં, શોકમાં, અજ્ઞાની ભય પામે છે. પંડિત શોક કરતો નથી. પૂર્વે બદ્રિમાં તપ કરી મને પ્રાપ્ત કર્યો તેમ તપ કરી હરિને પામીશ. તું વૃંદાવનમાં ગોવિંદને, ગોલોકમાં કૃષ્ણને પ્રાપ્ત કરીશ. હું દાનવનું શરીર તજીને શાશ્વત, મુક્તિ, પરમપદ મેળવીશ. એમ કહી સવારે શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને, તિલક, ચાંદલો કરી, દેવ પૂજા, પિતૃ તર્પણ, ગુરુવંદન કરી, ગાય પૂજા કરી, વિપ્રોને દાન આપી. સુચંદ્ર પુત્રને રાજગાદી સોંપી કુટુંબને મળી બખતર પહેરી અસ્ત્ર-શસ્ત્ર, આયુધો લઇને સર્વે સૈન્યને તૈયાર કર્યાં.

એક લાખ ઘોડા, પાંચ લાખ હાથી, દશ હજાર રથ, ત્રણ કરોડ ધનુષ્યવાળા, ત્રિશુલ, કવચવાળા ત્રણ કરોડ, ત્રણ લાખ અક્ષોહિણી સૈન્ય લઇને શંખચૂડ રણસંગ્રામમાં આવ્યો. તેજ રીતે શંકરનું સૈન્ય પણ પચીસ કરોડનું હતું. તે સર્વે ગણમાં સેનાપતિ કાર્તિક સ્વામિ હતા. દેવોના સૈન્યની ગણતરી જ ન હતી. શંખચૂડ નદીકાંઠે વડ નીચે બેઠેલા જોગી, જટાવાળા શંકરને નમસ્કાર કર્યાં. શંકરે પણ દનુ પુત્ર, દાનવ, શંખચૂડને આશિર્વાદ આપ્યા. અને કહ્યું તારા પક્ષમાં દૈત્યો, દાનવો અને અસુરો છે. મારા પક્ષમાં દેવો અને મારા ગણો છે. તારા પિતા દંભાસુર વિષ્ણુભક્ત અને મારો સખા હતો. તેણે પુષ્કરમાં તપ કરી કૃષ્ણનો જપ કરી તારા જેવો મહાન પુત્ર મેળવ્યો છે અને તું પણ પ્રભુનો પાર્ષદ સુદામા તેનો શંખચૂડ થયો છો. જો તું મને શંકર જાણતો હો અને તને ભક્ત માનતો હો તો તારે ચાર પ્રકારની મુક્તિ અને પ્રભુની સેવા વિના કાંઇ પણ ન ઈચ્છવું જોઇએ. તેથી ભગવાનના ભક્તોને રાજ્યથી શું કે કજીયાથી શું. માટે તું દેવોનું રાજ્ય દેવોને સોંપી દે, અને દેવોના અધિકાર દેવોને આપી દે અને તારું રાજ્ય તું ભોગવ. પરસ્પર ભાઇઓના વિરોધમાં સર્વ જ્ઞાતિભાઇઓ નાશ પામશે. માટે હે ભક્ત જ્ઞાનથી વિરોધ તજી દે. હું શંકર સર્વેનો સંહાર કરનારો કાળરૂપે છું. છતાં પણ કૃષ્ણકિર્તન કરું છું. તું પણ સર્વ તજી કૃષ્ણકિર્તન કર. આ રીતે શંકરે અનેક શાંતિના વાક્યો કહ્યા, ભક્તિના વચનો કહ્યા તો પણ શંખચૂડ શંકરનું જરાય માન્યો નહીં.