નર્મદાના રેવા - લીનેશ્વર - ગોપાલશ - પરાશર આદિક તીર્થનો મહિમા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, એકવાર યાજ્ઞવલ્કય આદિ ઋષિઓ નર્મદામાં રેવા તીર્થમાં ભેળા થયા. ત્યાં ઋષિઓએ લાલ વસ્ત્રવાળી સ્ત્રી અને વિકરાળ પુરુષ આયુધ સાથે જોઇને પૂછ્યું, તમે કોણ છો ? તીર્થમાં તમે પાપરૂપે કેમ વાસ કરો છો ? તેઓ કહે, હું કાળપુત્રી જરા છું આ પુરુષ યમરાજ છે. ભૃગુ ઋષિ અહીં વાસ કરવાથી આ તીર્થ મોક્ષ આપનારું છે. આ તીર્થની કોઇ નિંદા કરે તેને યમપુરીમાં લઇ જવા માટે અહીં રહું છું. ત્યાં ઋષિઓએ પાંચ પુરુષોને સ્નાન કરી દેવનું પૂજન કરતા જોયા. એક પુરુષે ગુરુ પત્નીનો સંગ કરેલો, બીજાએ સુવર્ણની ચોરી કરેલી, ત્રીજીએ બ્રહ્મહત્યા કરેલી, ચોથાએ મદ્યપાન કરેલું, પાંચમાએ ગૌહત્યા કરેલી. તે સર્વે તીર્થમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનો જપ કરવા લાગ્યા ત્યાં રેવાતીર્થમાંથી દિવ્ય વિમાન આવ્યું. તેમાં બેસીને પુરુષો સ્વર્ગમાં ગયા. તેને યમ તથા કાળપુત્રી રોકી શક્યા નહીં.
લીનેશ્વર તીર્થમાં દાનવ તપ કરતો હતો. શંકર પ્રસન્ન થઇ કહે, વરદાન માંગ. દાનવ કહે, હું જેના પર હાથ મૂકું તે ભસ્મ થઈ જાય. શંકર કહે, તથાસ્તું. એટલે તે દૈત્ય શંકર પાછળ દોડ્યો અને કહે : જો તમારું વચન સત્ય હોય તો પહેલા તમારી ઉપર હાથ મૂકુ. એટલે શંકર અનાદિશ્રીકૃષ્ણનારાયણના શરણે ગયા અને દુ:ખ નિવેદન કર્યું. અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્ત્રીનું રૂપ ધારણ કરી દૈત્યને મોહ પમાડ્યો. દૈત્ય કહે, તું મારી પત્ની થા. યુવતી કહે, મારી સાથે નૃત્ય કરતા મને જીતી લે તો હું તને વરું અને તારી પત્ની થાવ. દૈત્ય કહે, સારું. તે યુવતી સાથે નૃત્ય કરવા લાગ્યો. અનાદિશ્રીકૃષ્ણનારાયણે મોર કળાની જેમ નૃત્ય કરતા હાથ મસ્તક પર મૂકી દીધો તેથી દૈત્ય બળીને ભસ્મ થઈ ગયો. ત્યાં શંકર પાણીમાંથી બહાર આવ્યા અને પ્રભુને નમસ્કાર કર્યા. તે લીનેશ્વર તીર્થ થયેલું છે.
એકવાર કામધેનુ ગાયે તપ કરી શંકરને પ્રસન્ન કરી પુત્રનું વરદાન માગ્યું. શંકર કહે, તારે ધર્મ પુત્ર થશે. તે ચાર પગે લોકની રક્ષા કરશે. તે ગોપાલશતીર્થમાં કાર્તિક વૈશાખ પૂર્ણિમાએ સ્નાન કરશે તે વૃષભના રોમ જેટલા વર્ષ કૈલાશમાં વાસ કરશે. પરાશર ઋષિએ તપ કરી વિષ્ણુને પ્રસન્ન કરી નારાયણના અંશ પુત્રને પ્રાપ્ત કર્યો. તે પરાશરતીર્થ થયેલું છે તથા નારદેશ, ભીમેશ્વર, હનુમાનેશ્વર, જમદગ્નિ વગેરે તિર્થો થયેલા છે. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે સુપર્ણ રાજાનો ભરતકુમાર વૈષ્ણવ શતબાહું નામે હતો. તે તિર્થો કરતો વિંધ્યાચળ આવ્યો. ત્યાં બ્રાહ્મણ ભેળો થયો. કુમારે પૂછ્યું, ક્યાના છો ? ક્યાં જાવ છો? બ્રાહ્મણ કહે, કામ્ય, કુલ્જ દેશનો શિખંડી રાજાનો ગોર છું. તે રાજાએ પુત્ર માટે તપ કર્યું પણ પુત્રી થઇ તેથી તેના વિવાહ કરવા રાજા ઈચ્છે છે પણ કન્યાએ કહ્યું, હું પૂર્વે જન્મમાં મોર સાથે મયૂરી ઢેલ હતી. ત્યાં કોઇ શિકારી આવી અમને બંનેને બાણથી મારી નાખ્યા. અર્ધુ શરીર અગ્નિમાં શેકી ખાઇ ગયા. અર્ધુ નર્મદા તીર્થમાં નાખ્યું. તે પુણ્યબળથી હું રાજપુત્રી થઈ તેની સાક્ષી રૂપે નર્મદાના ત્રણ ફળવાળા વડનીચે પીળા પથ્થર પર મારા અસ્થિ પડેલા છે. તેથી રાજાની આજ્ઞાથી તે રાજકન્યાના અસ્થિ ગોતીને નર્મદામાં હનુમાનેશ્વરમાં નાખવા આવ્યો છું. અસ્થિ નાખ્યા ત્યાં તો રાજકન્યાનો દેહ પડી ગયો. બ્રાહ્મણની આ વાત સાંભળી સતબાહું કુમારને પણ પોતાનો પૂર્વ મોરનો જન્મ યાદ આવ્યો. તે પણ અતિ શોક કરી તીર્થમાં મૃત્યુ પામ્યો. તરત બ્રાહ્મણને પણ પોતાના પૂર્વ જન્મની સ્મૃતિ થઇ ગઇ કે, હું શિકારી હતો. તેણે પણ નર્મદા તીર્થનું જલ પીને દેહત્યાગ કર્યો. તરત દિવ્ય વિમાન આવ્યું તેમાં બેસી ત્રણે જીવાત્માઓ મોક્ષમાં ગયા. આ સર્વ કથા ચમત્કાર આખ્યાનો શંકર ઋક્ષ પર્વતમાં પાર્વતીને કહેતા હતા. આ કથા અધ્યાય કોઇ વાંચશે, સાંભળશે તે મુક્તિ અને ભક્તિ ને પામશે.