ભાગ · અધ્યાય ૫૪૪

ત્રણ ભાઇઓ તેમજ નૃગરાજા, કૃતુધ્વજરાજા અને વિપ્ર દુ:સહની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે સત્યુગમાં અગત્સ્યઋષિ એક વર્ષ તીર્થ કરી પ્રભાસમાં આવ્યા. ત્યાં ત્રણ ભાઇઓ આતાપી, વાતાપી, ઈલ્વલ તેણે અગત્સ્યઋષિ પાસે પ્રાર્થના અને પૂજા કરી. અગત્સ્યઋષિએ કૃપાપાત્ર જાણી આશિર્વાદ આપ્યા. ત્યારે તે ત્રણે ભાઇ મળીને મંત્રોથી એક આશ્રમરૂપે થયો. બીજો ફળરૂપે થયો. ત્રીજો અતિથિ સત્કાર કરતો. ત્યાંથી નીકળતા ઋષિઓને ફળફૂલ આપી પછી પેટ ફાડી બહાર નીકળી ઋષિની હત્યા કરી ખાઇ જતા. એકવાર ત્યાંથી અગત્સ્યઋષિ નીકળ્યા. આતાપીએ ફળરૂપ વાતાપીને આપ્યો. અગત્સ્યઋષિ ફળ ખાઇ જઠરાગ્નિમાં વાતાપીને બાળી દીધો. પછી ન્યંકુ નદીમાં સ્નાન કરી દેહશુદ્ધિ કરી ત્યાં અગત્સ્ય તીર્થ થયેલું છે.

પૂર્વે નૃગરાજા પ્રભાસની યાત્રાએ આવ્યો. રસ્તામાં સિંહારણ્યમાં રાત્રે વિશ્રામ કર્યો. ત્યાં ચોર આવ્યા. રાજાના શરીરમાં શસ્ત્રવાળી કન્યા નીકળીને ચોરને મારી નાખ્યા. પછી રાજા પ્રભાસમાં આવ્યો. ત્યાં નદી કાંઠે તપ કરતા વામદેવઋષિને પૂછ્યું, મારા શરીરથી કન્યા નીકળી તે કોણ હતી ? ઋષિ કહે, તું પૂર્વેજન્મમાં શૂદ્ર હતો. શ્રાવણ સુદ એકાદશી અને બારસ આ બે ઉપવાસ તે કરેલા તેથી તે પુણ્ય કરીને તારી રક્ષા તે કન્યાએ કરી. પૂર્વે કરેલા પુણ્ય આલોક પરલોકમાં સુખ આપી રક્ષણ કરે છે. ઋષિથી આવું પોતાનું વૃતાંત જાણી ઋષિની પૂજા કરી રાજા મહાભક્ત બન્યો. ત્યાં વામદેવ નૃગતીર્થ થયું.

પૂર્વે સોમશર્મા બ્રાહ્મણનો પુત્ર દુ:સહ ચોરી કરી જંગલમાં રખડતો, ભટકતો તેણે શિવાલયમાં દીપદાન કરેલું. એકવાર ચોરી કરવાથી લોકોએ પકડી ખૂબ માર્યો તેથી શિવાલયમાં મરણ પામ્યો. બીજે જન્મે ગાંધાર દેશનો રાજા થયો. પૂર્વનો જાતી સ્મરણ હોવાથી શંકરની ભક્તિ કરતો. દરેક શિવાલયમાં પૂજન, નૈવેધ, ધૂપ-દીપ કરતો, કરાવતો તે પ્રભાસ સોમનાથની યાત્રાએ ગયો. રસ્તામાં તેનું મરણ થયું. શંકરનો મહાન ભક્ત હોવાથી તેને કુબેર પદ મળ્યું. તેણે શિવને પ્રસન્ન કર્યાં. શિવે ત્રણ વરદાન આપ્યા. મિત્રપણું, ધનપતિ અને ધ્વજદંડ તે કુબેરતીર્થ થયેલું છે. એક માછીમાર માછલી મારી ઝાળને શિવાલયના ધ્વજદંડ પર સૂકવતો. તે ઝાળ ધજાની જેમ દેખાતી તે પુણ્યે માછીમાર બીજે જન્મે સૌરાષ્ટ્રમાં કુંકુમવાપી ક્ષેત્રમાં કૃતુધ્વજ નામે રાજા થયો. તે લોમશઋષિ પાસેથી અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર ગ્રહણ કરી સદા જપ કરતો. તેણે દસ હજાર વર્ષ રાજ્ય કરી સોમનાથની ધજા ચડાવી તથા અશ્વપટ સરોવર કાંઠે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું મંદિર કરી અંતે વૈકુંઠ ધામને પામ્યો.