ભાગ · અધ્યાય ૪૫૧

શંકરે પ્રસન્ન થઇ શબરીને સજીવન કરી

શ્રીનારાયણ કહે : પાંચાલનો રાજા સિંહકેતુ તેનો નોકર ચંદ્રક નામે ભિલ હતો. તેની પત્ની શબરી નામે પતિવ્રતા હતી. દંપતી સુખસંતોષ શાંતિથી રહેતા. ખાવા પીવામાં કોઇ દિવસ કહેતો નહીં. ખારું, તીખું, તાજું, વાસી જેવું મળે તેવું ખાઇને આનંદ માનતો. દંપતી સાધુસેવા પરાયણ હતા. જ્યાં દંપતી નિષ્કપટ ભાવથી રહે છે. ત્યાં લક્ષ્મીનારાયણ પણ સંત, પાર્ષદ, લાભ, શુભ, સર્વ સિદ્ધી રહે છે. એકવાર રાજા વનમાં શિકાર કરવા ગયો. સાથે શબર હતો. ત્યાં વનમાં જીર્ણ શિવાલયમાં શંકરનું લિંગ જોઇને શબર રાજાને કહે, મને પૂજાવિધિ કહો. હું શંકરને ઘરે લઇ જાઉં. તું ભીલ શંકરની પૂજા ન કરી શકે. સવારમાં સ્નાન, અભિષેક, પુષ્પોથી, પૂજા, નૈવેદ્ય વગેરે ધરવું પડે. ચિતાભસ્મ લાવવી પડે. મંત્ર ૐ નમ: શિવાય જપ કરવો પડે. રાજાના કહેવા છતાં પણ શબર તો રાજી થઇ શિવલિંગને ઘરે લઈ ગયો. રાજાએ કહ્યા પ્રમાણે રોજ દંપતી શિવની પૂજા કરે. શંકર ભગવાને પણ ભિલની ભક્તિથી પ્રસન્ન થઇ તે દંપતી કુટુંબને અન્ન, વસ્ત્ર, દુજાણાથી સુખી કર્યા. એકવાર ચોમાસામાં ઘરમાં રાખેલી ચિતાભસ્મ ધોવાઇ ગઇ. બહાર ક્યાંય મળે તેમ ન હતી. તેથી પત્નીને કહ્યું, આજે ભસ્મ વિના પૂજા કેમ કરવી. પૂજા કર્યા વિના ખાવું કેમ ? વરસાદ બંધ થાય. કોઈનું મરણ થાય પછી ચિતાભસ્મ મળે.

પત્ની કહે, શંકર ભગવાને આપણને સુખી કર્યા છે. તો આ શરીરથી શંકર ભગવાનને પ્રસન્ન કરી હું કૈલાશમાં જાઉં અને તમે મારા વિયોગે પ્રાણત્યાગ કરી કૈલાશમાં આવજો માટે હું અગ્નિમાં પ્રવેશ કરું તે મારી ભસ્મથી શિવપૂજા કરજો. શબર કહે - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે મળેલું શરીર તેને તું અગ્નિમાં બાળી દે છે. શબરી કહે, અરે મેં પૂર્વે તપ, જપ, યજ્ઞ, દાન, પુણ્ય, કાંઈ કર્યા નથી તો અત્યારે આ શરીર એક જ વાર શિવને અર્પણ કરવા દો. શબરે ના કહેવા છતાં શબરીએ અગ્નિ પ્રગટાવી. શિવને પ્રાર્થના કરી. મને જન્મોજન્મ તમારી સેવા આપજો. એમ કહી અગ્નિમાં પ્રવેશ કર્યો. ધડ બળી ગયું. શબરે ભસ્મથી શિવપૂજા કરી ત્યાં શબરીને જોઇ આશ્ચર્ય પામ્યો ને પૂછ્યું. આ સ્વપ્ન છે કે, જાગ્રત. શબરી કહે, મારી પાસે શંકરે આવીને મને અમૃત પાયું. મને અગ્નિએ સ્પર્શ ન કર્યો. આવો ચમત્કાર જોઇ જાણીને હજારો મનુષ્યો દર્શને આવ્યા. શિવ મંત્ર લઇને વૈષ્ણવો થયા. અંતે દંપતી વિમાનમાં બેસી કૈલાશ ધામમાં ગયા. શ્રીનારાયણ કહે : લક્ષ્મી સર્વથી શ્રેષ્ટ પતિવ્રત છે. તેથી પણ આત્માર્પણ વ્રત શ્રેષ્ટ છે.