ભાગ · અધ્યાય ૫૭૪

ભૃગુતીર્થ - તામ્રપાત્ર અને મંત્રદીક્ષા મહાત્મ્ય

લક્ષ્મીએ પૂછ્યું : હે પ્રભુ, ભૃગુતીર્થમાં કન્યાદાન કઈ રીતે કરવું ? શ્રીનારાયણ કહે : પોતાની પાસે સંપત્તિ હોય તે પ્રમાણે કન્યાનો વિવાહ કરવો. સંપત્તિ ન હોય તો અગ્નિ બ્રાહ્મણ અને જલની સાક્ષીએ તુલસીપત્રનો સ્પર્શ કરી કન્યાદાન કરવું. કન્યાએ પુષ્પવરમાળા વરને પહેરાવવી અને યથાશક્તિ ભોજન કરાવવું. પણ ક્યારેય કન્યાવિક્રય ન કરવો. કન્યાદાનમાં શ્રીહરિના ધૂન, કિર્તન કરવા. પછી મારા ભક્તોએ મારી નવધા ભક્તિ કરવી.

લાખો ભક્તોમાં મારી ભાગવતી દીક્ષા કોઇ લોકો જ મેળવે છે. મારી દીક્ષા વિના મારું પૂજન નિષ્ફળ છે. તે દેવો પણ જાણી શકતા નથી. મારી મૂર્તિમાં મન રાખી ગુરુનું ષોડ્શોપચારથી પૂજન કરવું. તથા ગુરુએ આપેલી મૂર્તિનું પૂજન, ધ્યાન, ભજન કરવું તથા ભક્ષ્ય, ભોજય, લહેય, ચોસ્ય વગેરે નૈવેધથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવા તથા ગુરુ પાસેથી અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર ગ્રહણ કરી તેનો જપ કરવો. તે મંત્ર નરનારી સર્વેને આપવો. મંત્ર લેનારો ભગવાનનો શિષ્ય ભક્ત થાય છે. મંત્ર લેનારો શુદ્ર પણ ભગવાનનો ભક્ત થાય છે. મંત્ર દીક્ષા લીધા પછી વૈષ્ણવ ભક્તોને ભોજન કરાવવું. મંત્રનો તુલસી માળાથી ગૌમુખીમાં રોજ એક મૂર્તિ સુધી જપ કરવો. પછી પ્રાપ્ત થયેલી પૂજાની સામગ્રીથી અતિસ્નેહથી મારી પૂજા કરવી.

હે લક્ષ્મી, સર્વે કરતા મને તાંબાનું પાત્ર વધારે પ્રિય છે. પૂર્વે ગુડાકેશ અસુર તામ્રરૂપે મારી પૂજા કરતો. ચૌદ હજાર વર્ષે પૂજા કરી એટલે હું દર્શન દેવા ગયો અને વરદાન માંગવા કહ્યું. ગુડાકેશે કહ્યું : હે પ્રભુ, તમારામાં મારી નિશ્ચળ ભક્તિ રહે અને તમારા ચક્રથી મારો વધ થાય. શ્રીહરિએ ચક્રથી તેનું શરીર નાશ કર્યું. તેના લોહીમાંથી તામ્રપાત્ર થયું. તે મારો ભક્ત થયો તેથી મને તામ્રપાત્ર વધારે પ્રિય છે.