માઘ સુદની જયા એકાદશી - માલ્યવાન ગાંધર્વની કથા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, માઘ સુદ જયા એકાદશીનો વ્રતવિધિ કહું છું. પાપ નાશ કરનારી, સુખ આપનારી, મોક્ષ આપનારી, જય આપનારી આ એકાદશી છે. બ્રહ્મમુહૂર્તમાં જાગી શ્રીહરિનું ધ્યાન કરી, સ્નાન કરી, શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર અલંકારો ધારણ કરાવી, કેશર-ચંદનનું તિલક કરવું, કંકુનો ચાંદલો કરવો, ધૂપ-દીપ, અત્તર પુષ્પ, તુલસી પૂજા કરી, અડદિયા, મગજ, મેસુબ, મોહનથાળ, મોતિયા, દૂધપાક, પુરી નૈવેધ ધરી મુખવાસ અર્પણ કરવો, સાત ધાન્યોથી મંડળ પૂરી વચ્ચે ઘડો મૂકી નારિયેળ, આસોપાલવના પાન વગેરે મૂકી જયા માધવ ભગવાનનું પૂજન કરવું.
પૂર્વે સ્વર્ગમાં નંદનવનમાં ઇન્દ્રને પ્રસન્ન કરવા અપ્સરાઓ નૃત્ય કરતી હતી. ગાંધર્વો ગાયન કરતા હતાં. તે સમયે માલ્યવાન ગાંધર્વ અને પુષ્પવતી અપ્સરા તે બંનેની દૃષ્ટિ મોહવાળી થતા ઇન્દ્ર કહે : તમે ગાવામાં નાચવામાં ભંગ કરો છો. જાવ, પૃથ્વી પર જંગલમાં પિશાચ થાવ. તે બંને પિશાચ થઇને જંગલમાં ભુખ તરસથી દુ:ખી થયા. ઠંડીમાં અતિ દુ:ખ પામતા પીપળા નીચે વાસ કર્યો. ત્યાં માઘ સુદ જયા નામની એકાદશી વ્રત અજાણતા થયું. ખાવામાં કંઇ ન મળ્યું. રાત્રિએ જાગરણ થયું. આખી રાત ઠંડીથી શ્રીહરિનું સ્મરણ કર્યું. બારસે સવારે પીપળામાંથી મેં વિષ્ણુરૂપે પ્રગટ થઇને દર્શન આપી વિમાનમાં સ્વર્ગમાં મોકલ્યા. ઇન્દ્ર કહે : તમે પિશાચપણાથી મુક્તિ કેમ પામ્યા ? ગાંધર્વ-અપ્સરા કહે : અમારે જયા એકાદશી વ્રત થયું. તેથી વાસુદેવ પ્રસન્ન થયા અને સ્વર્ગમાં મોકલ્યા. ઇન્દ્ર કહે : શ્રીહરિનો ભક્ત ગમે ત્યાં હોય તે મને પૂજ્ય છે એમ કહી પગે લાગ્યો. જયા એકાદશીનું વ્રત કરી શ્રીહરિની નવધા ભક્તિ કરશે તે ભુક્તિ અને મુક્તિ પામશે.