ભાગ · અધ્યાય ૩૦૮

પુરુષોત્તમ માસની વદ એકમની તિથીની પૂજનવિધિ - સહસ્ત્રાક્ષ રાજા વૈરાટ નારાયણના પદને પ્રાપ્ત થયો

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વેની સૃષ્ટિમાં સમ્રાટ ચક્રવર્તી સહસ્ત્રાક્ષ રાજા ધર્મિષ્ટ અને ભક્તિવાળો હતો. તે વિમાનમાં બેસી ચૌદ લોકમાં જતો. બ્રહ્માની સભામાં બેસતો પણ પોતાના મનમાં ઊચા પદની ઈચ્છાથી એવો વિચાર થયો કે, હું સૂર્ય ચંદ્ર દિશાના ઇશ્વરો તેના જેવું ઊચું શ્રેષ્ટ પદ પ્રાપ્ત કરું. બ્રહ્મવેતા ઋષિઓને પૂછ્યું. બ્રહ્માથી શ્રેષ્ટ સ્થાન કેમ પ્રાપ્ત થાય ? ઋષિઓ કહે : અગ્નિષ્ટોમ, વાજપેય, અશ્વમેઘ, રાજસૂર્ય, મહારૌદ્ર, સૌત્રામણીથી અનેક મહાયજ્ઞો કરો તો શ્રેષ્ટ પદ પ્રાપ્ત થાય. સો યજ્ઞો કરે તો ઇન્દ્ર થાય. હજાર યજ્ઞો કરે તો સૂર્ય થાય. દશ હજાર યજ્ઞો કરે તો ધૃવરાજ્ય મળે. લાખ યજ્ઞો કરે તો બ્રહ્માના સ્થાનને પામે. કરોડ યજ્ઞો કરે તો સો મુખવાળા બ્રહ્મા થાય. પરાર્ધ યજ્ઞો કરે તો વૈરાટ નારાયણના પદને પામે.

ઋષિઓ કહે : રાજા તારું આયુષ્ય થોડું. જાજા યજ્ઞો થાય નહીં, તેથી પ્રભુએ જે આપ્યું છે તે ભોગવ. વધારે તૃષ્ણારૂપી પિશાચીનો ત્યાગ કર. બીજાને વધારે સુખી જોઇને રાગદ્વેષથી પોતાને દુ:ખી માને છે, તેને ક્યારેય સુખ થતું નથી. પોતાને જે મળ્યું છે તેમાં સંતોષ માને છે, તે સુખી થાય છે. ઋષિઓએ આવું કહ્યું છતાં રાજા નહીં માનીને દર વર્ષે યજ્ઞ કરતો. હજારો યજ્ઞો કર્યા. ત્યાં આયુષ્ય પૂર્ણ થવા આવ્યું. ત્યાં પુરુષોત્તમ નારાયણ નગારું સાંભળ્યું, પુરુષોત્તમ માસના વદ પડવાનું જે વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરશે તેને જે ઈષ્ટ હશે તે પુરુષોત્તમ નારાયણ આપશે. કરોડો દાન કરી કરોડો યજ્ઞ કરીને જે ફળ થાય છે, તે ફળ આ એક જ દિવસના વ્રત પૂજનથી થાય છે. પુરુષોત્તમ નારાયણનું કૃપાવાક્ય નગારાથી સાંભળી રાજાએ પુરુષોત્તમ નારાયણની સુવર્ણની મૂર્તિ બનાવી પંચામૃતથી સ્નાન કરાવી ષોડ્શોપચારથી પૂજન કરી. વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી, પુષ્પોના હાર, હીરા, મોતી, મણિના હાર પહેરાવી, નૈવેદ્ય, ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોસ્ય, ભોજન કરાવી, આરતી ઉતારી, પ્રદક્ષિણા કરી, સ્તુતિ, નમસ્કાર કરી, પ્રાર્થના કરી અને પત્નીવ્રત દ્વિજને બોલાવી અનેક પ્રકારના દાન આપી કહ્યું, હે બ્રાહ્મણ તમને પુરુષોત્તમરૂપ માનીને દાન આપું છું. મારો સંકલ્પ પૂર્ણ કરજો.

ત્યાં પત્નીવ્રત દ્વિજમાંથી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઇને કહે : હે રાજા ભક્તિભાવથી આપેલું દાન હું ગ્રહણ કરું છું, અને તારો સંકલ્પ પૂર્ણ થશે. તારા દેહનો અંત આવી ગયો છે. દેહ મૂક્યા પછી તું વૈરાજપદ પ્રાપ્ત કરીશ. એમ કહીને રાજાને માથે હાથ મૂકી આશિર્વાદ આપી અદૃશ્ય થયા. ત્યારપછી સહસ્ત્રાક્ષ એક વર્ષે દેહ મૂકીને ઇશ્વરોની સૃષ્ટિમાં ગયો. પુરુષોત્તમ નારાયણની કૃપા આશિર્વાદથી બ્રહ્માંડરૂપી શરીર ધારણ કરી, વૈરાજપદ પ્રાપ્ત કર્યું. વૈરાટ નારાયણના નાભિમાં કમળ થયું તેમાં બ્રહ્મા થયા. વૈરાટ નારાયણના હૃદયમાંથી વિષ્ણુ થયા. જે વૈરાટ નારાયણના લલાટમાંથી શંકર થયા. આ રીતે સહસ્ત્રાક્ષ રાજા પુરુષોત્તમ માસનું પ્રતિપાદનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરી, અનેક પ્રકારના દાન આપી, વૈરાટ નારાયણના પદને પ્રાપ્ત થયા. એજ રીતે જે પુરુષોત્તમ માસની કથાનું શ્રવણ કરશે, વાંચશે તે પણ ફળ પ્રાપ્ત કરશે, જે નાસ્તિક હશે, શ્રદ્ધા વિનાનો હશે, ખોટું બોલનારો હશે, નિંદા કરતો હશે, દોષ જોનારો હશે, તેને પ્રભુની પ્રસન્નતા અને ફળપ્રાપ્તિ થતી નથી. તેથી થોડું થાય તો થોડું કરવું પણ દોષનો ત્યાગ કરીને વ્રત, નિયમ, પૂજન, ભક્તિ વગેરે કરવા. જેથી પ્રભુની પ્રસન્નતા થાય.