કઇ તિથિએ કોનું પૂજન કરવું ?
પાર્વતીએ પૂછ્યું : બ્રહ્માએ કઇ તિથિએ કોનું પૂજન કરવાનું કહ્યું ? શંકર કહે, બ્રહ્માએ સૃષ્ટિ સર્જનની ઈચ્છા કરી ત્યારે કાંઇ ન દેખાયું. એટલે ક્રોધથી લલાટમાંથી પરસેવાનું ટીપુ પડ્યું તે અગ્નિ થયો. તેને ત્રણ સ્વરૂપે પૃથ્વીમાં રાખ્યો. યજ્ઞમાં હવિષ્યાન્ન જમવા, જઠરમાં ભોજન જમવા, પૃથ્વીમાં ખનીજરૂપે અને પ્રતિપદાની પહેલી તિથિ અગ્નિની પૂજા માટે પ્રજાને આપી. બીજને દિવસે સૂર્યપુત્રો અશ્વનીકુમાર થયા. રોગ વ્યાધિના નાશ માટે પાન અપાન રૂપે રહેલા અશ્વનીકુમારની બીજને દિવસે પૂજા કરવી. પછી બ્રહ્માએ વાણીને ઉત્પન્ન કરી ગૌરીરૂપે શંકરને આપ્યા તેથી ત્રીજે પાર્વતીનું પૂજન કરવાથી સૌભાગ્ય વધે છે. ગૌરીના પુત્ર સ્વયં કૃષ્ણ ગણેશરૂપે ચોથને દિવસે પ્રગટ્યા. તેથી સર્વ વિઘ્ન નાશ માટે ચોથને દિવસે ગણેશ પૂજન કરવું. પંચમીએ સર્પોનો જન્મ થવાથી દૂધ, તલથી પંચમીએ નાગનું પૂજન કરવાથી સર્પદંશનો ભય રહેતો નથી.
છઠ્ઠને દિવસે પાર્વતીને ત્યાં કાર્તીકનો જન્મ થવાથી છઠયે કાર્તિકસ્વામીનું પૂજન કરવાથી અહંકારથી રક્ષણ થાય છે. સાતમને દિવસે લોકના તેજ માટે સૂર્ય પ્રગટ થયા અને આકાશમાં રહ્યા. તેથી સાતમે સૂર્ય પૂજન કરવાથી નેત્ર તેજ મળે છે. અંધક દૈત્યનો નાશ કરવા દેવોએ આઠ માતાઓ નિર્માણ કરી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, કામના, અહંકૃતી, ભ્રાંતી. તે મૂર્તિમાન માતૃ કામદેવીનું પૂજન આઠમે કરવું. વેત્રાસુરનો શ્નાશ કરવા દુર્ગા નવમીએ પ્રગટ્યા તેથી નવમીએ દુર્ગા પૂજન કરવું. બ્રહ્માએ માનસ કન્યા દશ ઉત્પન્ન કરી દશ દિશાના દેવોને આપી તેથી દશમીએ દશ દિશાનું પૂજન કરવું. નારાયણના તેજમાંથી એકાદશી પ્રગટ થઈ માટે એકાદશીએ નારાયણનું પૂજન કરવું. બારશે નરનારાયણથી પદ્મનાભ ભગવાન પ્રગટ થયા. તે બારસે હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરવું. બ્રહ્માની છાતીમાં ધર્મ પ્રગટ થયા તે યુગ પ્રમાણે ધર્મ પરિવર્તન થવાથી કળીયુગમાં પીડા પામેલા ધર્મ પ્રજામાં દેવોમાં અધર્મરૂપે ફરવા લાગ્યા. તેથી બ્રહ્માએ ધર્મની પ્રાર્થના સ્તુતિ કરી કે, તમારાથી આ જગતની સ્થિતિ રહે છે. તમે જગતને પૂજ્ય છો. ત્યારે ધર્મદેવે શાંત દૃષ્ટિથી દેવો, મનુષ્યો સામે જોયું. ત્યારે ફરી ધર્મની પ્રવૃત્તિ થઇ. તેથી તેરસે ધર્મદેવનું પૂજન કરવું.
બ્રહ્માના લલાટમાંથી રુદ્ર થયા. તેને યજ્ઞમાં ભાગ આપ્યો તે તિથિ શિવરાત્રિ હોવાથી શંકરને આપી તેથી ચૌદશે શંકરનું પૂજન કરવું. પછી દક્ષને સો કન્યાઓ થઈ તેમાંથી તેર ધર્મદેવને આપી. તેર કશ્યપને આપી. સત્યાવીશ ચંદ્રને આપી. બે કામદેવને આપી. એક પિતૃઓને આપી. પાંચ વરુણને આપી. પાંચ કુબેરને આપી. દસ રુદ્રને આપી. બાર આદિત્યોને આપી. આઠ વિશ્વદેવોને આપી. બે અશ્વનીકુમારને આપી. એક વાયુને આપી, એક લક્ષ્મી વિષ્ણુને આપ્યા. તે સર્વકન્યાઓથી આચરાચર જગત સ્થાવર જંગમ સર્વે દેહધારીઓ થયા.