પતિવ્રતા સુશ્રુતિએ પતિ વેદશ્વા ઋષિ સાથે દેહત્યાગ કર્યો
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પૂર્વે સત્યુગમાં વેદશ્વા ઋષિ વનમાં રહી તપ કરી યજ્ઞ કરતા હતા. તેને પતિવ્રતા પત્ની સુશ્રુતિ નામે હતી. ઋષિ સમાધિનિષ્ટ હતા. પત્ની પતિને પગે લાગી પૂજા કરતી હતી. પતિને પરબ્રહ્મનું કિરણ બ્રહ્મ માનીને સેવા કરતી. તે માનતી કે પતિની સેવાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે. તેથી તે પણ સેવાથી સમાધીમાં જતી. ઋષિ પણ પત્નીને લક્ષ્મીસમાન માની શરીર સેવામાં ન જોડતા આત્મસ્વરૂપમાં લીન રહેતા. આ રીતે સાધુવૃત્તિવાળા બન્ને આત્મતૃપ્તિથી બ્રહ્મતૃપ્તિમાં રહેતા હતા. જેના દર્શનથી વનવાસીઓના પાપો નાશ પામતા. તે બન્ને પોતાના તપમાં વિઘ્ન ન થાય તેથી પશુ, પક્ષીના, વનચર જળચરના, શરીર ધારણ કરીને રહેતા હતા. ક્યારેક વર્ષા ઋતુમાં તપની સિદ્ધિથી વૃક્ષરૂપે પણ થઇ શકતા. આવા અનેક ઈચ્છા સ્વરૂપો ધારણ કરીને રહેતા હતા.
એક વખત ઋતુ ધર્મમાં આવેલી પત્નીની સાથે ઋષિ રતિક્રીડામાં હતા. ત્યાં કોઇ મનુષ્યનો અવાજ આવ્યો એટલે ઋષિ દંપતીએ મૃગના શરીરો ધારણ કર્યાં. કામ ધર્મમાં રહેલા પશુઓને મનુષ્યો નીંદતા નથી. તેમ પશુ પણ મૈથુનમાં મનુષ્યોને નીંદતા નથી, તો પણ મનુષ્ય શિકારીએ બાણથી મૃગ દંપતી સામે નિશાન તાક્યું. ત્યાં બન્ને મૈથુન ક્રિયા છોડીને દૂર જતા રહ્યા અને ઋષિરૂપ ધારણ કર્યા તો પણ તે શિકારી પાછો ન વળ્યો ને ઋષિને પકડી ને દુ:ખ દેવા લાગ્યો. ઋષિ પત્ની રોતી રોતી કહેવા લાગી, મને આશ્રય વિનાની ન કર હું તને પગે લાગુ છું. શરણે આવેલાને, સૂતેલાને, આશ્રિતને, દિનજનને, ગુરુ, પિતા, માતા, રોગી, બહેન, પત્ની, સાધુ-સાધ્વી, બાળક, ગાય, સ્ત્રી, આસક્ત, નિષ્પાપ રતિક્રીડામાં રહેલા એને ક્યારે પણ મારવા નહીં. માટે મારા પતિને મારતો નહીં. બ્રહ્મહત્યા સાથે ઋતુહત્યાનું પાપ લાગશે. આમ કહેવા છતાં પણ શિકારીએ નહીં માની ઋષિનું ભક્ષણ કર્યું.
ઋષિપત્નીએ શાપ આપ્યો કે, જે રીતે કામધર્મમાં તૃપ્તિ નહીં પામેલી હું મારા પતિ વિના દુ:ખી થાઉં છું, તેમ તું પણ તારી પત્ની સાથે રતિક્રીડામાં દુ:ખ પામીશ. એમ કહીને ઋષિના અસ્થિ હાથમાં લઇને પતિવ્રતાના પ્રભાવથી પોતાના પતિને જીવતો કર્યો. પછી તે શિકારી રાક્ષસને બાળવા તૈયાર થઇ ત્યાં આકાશવાણી થઈ આ સૌદાસ રાજા પૂર્વે વશિષ્ટના શ્રાપથી રાક્ષસ થયેલો છે. પૂર્વે વશિષ્ઠ ઋષિ સૌદાસ રાજાને ત્યાં જમવાનું કહીને સ્નાન કરાવવા ગયાં. ત્યાં પાછળથી કોઇ રાક્ષસ વશિષ્ટનું રૂપ લઇ આવી રાજાને કહે મારા માટે માંસ રાંધજે. રાજાએ માંસનું ભોજન તૈયાર કરી વશિષ્ટને આપ્યું. વશિષ્ટ ઋષિએ શાપ આપ્યો તું મને માંસનું ભોજન આપે છે માટે તું રાક્ષસ થઈજા. તેથી તે સૌદાસ રાજાએ ઋષિની પ્રાર્થના કરી. મારો કાંઇ વાંક નથી ગુરુ મને શાપ કેમ આપ્યો ?
વશિષ્ટ ઋષિએ વૃતાંત જાણી રાજાની ઉપર અનુગ્રહ કરી બાર વર્ષ સુધીનું વનમાં કલ્માસયાદ નામે રાક્ષસરૂપે રહીશ. પછી તું વેદશ્વા ઋષિની પતિવ્રતા પત્ની સુશ્રુતિના રતિભંગથી શાપ પામીને રાક્ષસપણાંથી મુક્ત થઇ. આ પ્રમાણે આકાશવાણીએ સુશ્રુતિને કહ્યું. પછી તે સૌદાસ રાજા રાજ્યમાં આવી પોતાની પત્ની સાથે રહીને વશિષ્ટ ઋષિના આશિર્વાદથી સો પુત્રોને પામી પોતાની પત્ની મધ્યંતિ સાથે સ્વર્ગસમાન સુખ ભોગવી. અંતે ઋષિ પત્નીના શાપથી પત્ની સાથે સ્વર્ગમાં ગયો. પછી વેદશ્વા ઋષિની પત્ની સુશ્રુતિ પણ પતિના દેહને કાષ્ટચિતામાં મુકી પોતાના શરીરમાંથી અગ્નિ પ્રગટ કરી દેહનો ત્યાગ કરતી હતી. ત્યાં રહેલા વશિષ્ટ આદી ઋષિઓ પતિવ્રતાનો આવો પ્રભાવ જોઇ સતીના દેહને નમસ્કાર કરતા હતા. સ્વર્ગમાં દેવો પુષ્પવૃષ્ટિ કરતા હતા.