માયાનું વર્ણન ❖ શ્રીહરિએ સોમશર્મા ઋષિને માયાનું સ્વરૂપ બતાવ્યું
શ્રીલક્ષ્મીએ પૂછ્યું : હે નારાયણ, તમે કુરુક્ષેત્રથી નર્મદાનો મહિમા હજારગણો કહ્યો તથા નર્મદામાં રહેલા અમરકંટક ૐકારેશ્વર વગેરે તિર્થોનો મહિમા વિશેષ કહ્યો તેનું કારણ શું ? શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ક્ષીરસમુદ્રમાં મારી સેવા કરનારી પત્ની રેવાને સાત કલ્પથી પૃથ્વી પર થયેલા મારા અવતારના યોગને પામીને નર્મદા નામ ધારણ કરી અનેક ઋષિમુનિઓને સુખ આપવા અનેક મુમુક્ષુઓના કલ્યાણ માટે મેં તેને પૃથ્વી પર રાખી છે અને તેમાં મારા અનેક તિર્થો થયેલા છે. તેથી કુરુક્ષેત્રથી હજારગણો નર્મદા તીર્થનો મહિમા છે. તે મારા વિના કોઇ જાણી શકતું નથી.
મારી માયાથી સર્વે નિર્માણ થયેલું છે. તેમાં પ્રવેશ કરીને હું સર્વે કામ કરું છું. ચંદ્ર એક પક્ષમાં વધે છે, એક પક્ષમાં ઘટે છે. તે પણ મારી માયા. મારી માયાથી જ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરે પંચ મહાભૂતની રચના થયેલી છે. શુક્ર અને રોહી જુદા જુદા શરીરમાં હોવા છતા બન્નેના યોગથી જ ગર્ભ રહે છે. તે મારી માયા. ગર્ભમાં જીવ પ્રવેશ કરીને સુખ દુ:ખને પ્રાપ્ત કરે છે. શરીર વિના આત્માને સુખ-દુ:ખ નથી. બીજ, અંકુર, પત્ર ફળ વગેરે સર્વે મેજ માયાથી નિર્માણ કરેલ છે. શરીરના પરસેવાથી માંકડ, માથામાં લીખ વગેરે થાય છે તથા વીર્યથી પુત્ર થાય છે. તેમાં મારા પણાની જ ભાવના તે મારી માયાને કોઇ જાણી શકતું નથી. સર્વે કીડા લોહી પીનારા છે. ગર્ભમાં જીવ લોહી પીનારો, પછી માતાના ખોળામાં દૂધ પીનારો, બાંધી અવસ્થામાં દ્રવ્ય પીનારો, યુવાનમાં સંપત્તિ પીનારો એ સર્વે મારી માયા છે.
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નરનારીમાં પરસ્પર પ્રીતિ તેજ મારી માયા છે. હું સર્વ દેવો ઈશ્વરોરૂપે રહીને પ્રકાશ કરું છું. લોકો જાણે સૂર્ય સર્વને પ્રકાશ કરે છે. પરંતુ સૂર્યમાં રહીને હું જ સર્વ કાર્ય કરું છું. હે લક્ષ્મી, તું પણ મારી માયારૂપે રહેલી સ્ત્રી છો, તે પુરુષરૂપ થતી નથી છતાં પુરુષરૂપે પણ મારી માયા શક્તિ રહેલી છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ મારી માયાને જાણી શકતા નથી. પૂર્વે સોમશર્મા ઋષિ મારી અતિશય ભક્તિ કરતો તેથી હું પ્રસન્ન થયો અને વરદાન માંગવા કહ્યું કે ધન, સંપત્તિ, રાજ્ય, સ્વર્ગ, ભોગ જે જોઇએ તે માંગ. સોમશર્મા કહે : પ્રભુ, તમે કહ્યું તે સર્વે મને મળી ગયું પણ તમારી માયા સત્ય છે, કે મિથ્યા છે તે બતાવો. શ્રીહરિ કહે, ભક્ત તારે માયાને જોઇને શું કરવી છે ? ભક્તિ કરીને સુખ પ્રાપ્ત કર. તો પણ તે સોમશર્મા ભક્તને માયા જોવાની ઈચ્છા થઈ. મેં કહ્યું, ગંગાતીરે જા ત્યાં તને સર્વે દેખાશે. તે ભક્ત સવારમાં ગયો. કથા, કમંડલુ, લાકડી, વસ્ત્ર, ગંગાકાંઠે મુકી સ્નાન માટે ગંગામાં ડુબકી મારી નીકળ્યો ત્યાં સગર્ભા ભીલડીને ત્યાં ગયો અને પસ્તાવો કરવા લાગ્યો કે, અરે મારા તપ, કર્મફળ જીવને ધિક્કાર છે. ક્યાં ગંગાજલ, ક્યાં મૂત્રક્યારો. પણ હવે બોલીને રોઇને શું કરવું. દસમે માસે પુત્રી રૂપે જન્મ થયો. યુવતી થઈ. તેને માછીમાર સાથે પરણાવી. હિંસા કરી. માંસ ખાધું, ન પીવાનું પીધું. છોકરા, સાત કન્યા થઇ. પછી પચાસ વર્ષની ઉંમરે એકવાર કપડાં ધોવા નદીએ ગઇ. કપડાં ધોઇને પાણીમાં સ્નાન કરવા માટે ડૂબકી મારી ત્યાં તો પોતાને સોમશર્મા ઋષિરૂપે જોયો. સવારે પોતે મુકેલા લાકડી, લોટો, વસ્ત્રને જોઇને થયું હજું બે પહોર પણ થયા નથી. આ શું ? આશ્ચર્ય થયું. વિચારવા લાગ્યો. અરે અભક્ષ્ય ખાધુ. અપેય પીધું. અપવિત્ર રહ્યો. જપ, તપ, કર્મ હીન થયો. ત્યાં ભીલ અને તેના બાળકો આવ્યા. બાળકો રોતા રોતા કહે, મારી મા ક્યાં ? ભીલ ઋષિને કહે, તમે મારી પત્નીને જોઇ હોય તો બતાવો. સોમશર્મા ભીલને કહે, હજુ સુધી અહીં શું કરો છો ? સોમશર્માએ વિચાર્યુ, તે સર્વે ભગવાનની માયા હતી. અહીં તો તારી પત્ની નથી. પણ હું પોતે તારી પત્નીરૂપે થઇ હતી. પછી બપોરે સર્વ બ્રાહ્મણો સ્નાન કરવા આવ્યા. ત્યારે સોમશર્માને પૂછ્યું, હજુ સુધી અહીં શું કરો છો ? સોમશર્મા નિષ્કપટ ભાવે કહે, મેં પ્રભુને માયા દેખાડવાનું કહ્યું હતું. તે મને બે પહોરમાં, પચાસ વર્ષની માયા બતાવી. ત્યાં પ્રભુ આવ્યા. સોમશર્મા પ્રભુને પગે પડી રોવા લાગ્યો. પ્રભુ કહે, તે બહુ આગ્રહ કર્યો. એટલે તને માયાનું સ્વરૂપ દેખાડ્યું. હવે શ્વેતદ્વીપમાં જઇ મારી મૂર્તિને સુખે સુખીયો થા. એમ કહીને પ્રભુ સોમશર્માને ધામમાં લઇ ગયા.