ભાગ · અધ્યાય ૫૨

હિંસામય યજ્ઞથી વસુરાજાને શાપ

શ્રીનારાયણ કહે : પૂર્વે ઉતાનપાદનો પુત્ર વસુરાજા હતો. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો. તેમાં સર્વે દેવો, ઋષિ-મુનિઓ, યક્ષો, ગંધર્વો રાજસી તામસી સાત્વિકી ત્રિલોકીના વાસી આવ્યા. ત્યારે યજ્ઞ હોમ કરવા માટે બાંધેલા પશુને જોઇ સાત્વિક ઋષિઓ બોલ્યા, રાજા આ પશુને શા માટે બાંધ્યા છે. રાજાએ કહ્યું : હિંસામય યજ્ઞ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. ઋષિઓએ કહ્યું, રાજા તારા શરીરને કાપીને હોમી દેવાથી તને સ્વર્ગની પ્રાપ્તિ થશે ? વસુરાજાએ વિચાર કરીને ઇન્દ્રને કહ્યું, યજ્ઞમાં હિંસા કરવી કે નહીં ? ઇન્દ્રએ હા કહી. ઋષિઓએ ઇન્દ્રને કાપીને હોમવાનું કહ્યું, ઇન્દ્ર કંપવા લાગ્યા. ત્યારે ઋષિઓ બોલ્યા, જે રીતે પોતાના શરીરમાં ભય દુ:ખ દેખાય છે તેજ રીતે સર્વે દેહધારીને શરીરમાં ભય દેખીને દુ:ખ થાય છે, આટલું કહ્યા પછી ઋષિએ વસુરાજાને પૂછ્યું કે, તું હિંસામાં માને છે કે અહિંસામાં ? ત્યારે વસુરાજા ઇન્દ્રનો પક્ષ લઇ બોલ્યો, વેદમાં બન્ને યજ્ઞો બતાવ્યા છે. ઋષિએ કહ્યું કે, તું વેદ અર્થને જાણતો નથી. અન્ન, ફળફૂલ, દૂધ, જવ, ડાંગર વગેરે અનેક વસ્તુથી યજ્ઞ થઇ શકે છે. પરંતુ માંસ પ્રિય રાજાઓ તે વેદના - તાત્પર્યને જાણતા નથી. પછી ઋષિઓએ વસુરાજાને શાપ આપ્યો - તારી અધોગતિ થાવ. તે વસુરાજા ત્રિલોકીમાં ફરતો ચક્રવર્તી રાજા હોવા છતાં અધર્મ અને હિંસાથી તેનું પતન થયું.