ભાગ · અધ્યાય ૨૯૯

પુરુષોત્તમ માસની સુદ સાતમની તિથીની પૂજનવિધિ - વિશ્વકર્માની પુત્રીઓ સિદ્ધિ-બુદ્ધિ ગણેશને પામી

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નગરની મહેલોની સભામંડપોની રચના કરનારા નારાયણના અંશ એવા વિશ્વકર્માની બે પુત્રીઓ સિદ્ધિ, બુદ્ધિ તે પુરુષોત્તમ નારાયણનું ચૌદ લોકમાં ફરતું નગારાનો અવાજ સાંભળીને પુરુષોત્તમ માસની સપ્તમીનું વ્રત આદરપૂર્વક કરતી હતી. માતા-પિતાની સેવાપરાયણ તે બંને બહેનોએ સાતમને દિવસે સવારે જાગી ત્યાં નગારું સાંભળ્યું બ્રહ્માંડમાં રહેનારા જે જનો અધિક માસનું વ્રત કરશે તેની મનોકામના પૂર્ણ થશે. આવી દિવ્યવાણી સાંભળીને સાતમને દિવસે બ્રાહ્મમુહૂર્તમાં જાગી સ્નાન કરી, પુરુષોત્તમ નારાયણનું પૂજન કરતા હતા. પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર અલંકારો ધારણ કરાવી, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, કેશર, ચંદન, તુલસી, પુષ્પથી પૂજા કરી, નૈવેદ્ય ધરી, મુખવાસ, તાંબુલ આપી, આરતી કરી, દંડવત્ કરી, પ્રદક્ષિણા કરી, સ્તુતિ કરી. પૂજામાં કાંઇ ભૂલ થઇ હોય તો ક્ષમા માંગી. ત્યાં શ્રી પુરુષોત્તમ નારાયણ સાક્ષાત્ પ્રત્યક્ષ આવી બંને બહેનોને દર્શન આપી કહ્યું, તમારો સંકલ્પ પૂર્ણ થશે. એમ કહીને અદૃશ્ય થયા.

સિદ્ધિ અને બુદ્ધિ બંને વિચારવા લાગી જાગ્રત છે કે સ્વપ્ન ત્યાં તો પાર્વતીના ખોળામાં બેઠેલા એક સૂંઢવાળા કૃષ્ણ સમાન રૂપવાળા શિવપુત્ર ગણેશને જોઇ મોહ પામી અને અતિ સ્નેહથી ગણેશને વારંવાર લાડુ જમાડીને પ્રસન્ન કર્યાં. ગણેશે બંનેને એકએક લાડુ પ્રસાદીનો આપી અદૃશ્ય થયા. સમય જતા વિશ્વકર્માએ વૃતાંત જાણી શ્રી ગણેશને બોલાવી સિદ્ધિ બુદ્ધિના વિધિપૂર્વક લગ્ન કર્યાં. આ પ્રમાણે સિદ્ધિ બુદ્ધિએ પુરુષોત્તમ માસનું સાતમનું એક દિવસનું વ્રત કરીને માતા-પિતાના આશિર્વાદ પ્રાપ્ત કરીને શ્રીકૃષ્ણ સ્વરૂપ ગણેશને પામી. પુરુષોત્તમ નારાયણ કહે : એવી રીતે જે જનો નર-નારી, કુમાર, કુમારી જે ઈચ્છાથી એક માસ પુરુષોત્તમ માસના વ્રત કરશે, તે સર્વે સુખને પામશે. કોઇ ઉપવાસ કરશે, નકત ભોજન કરશે, એકટાણું કરશે, ફળફૂલ ખાશે, એકલા દૂધ ઉપર રહેશે. જપ, તપ, નિયમ લેશે, શ્રીહરિની પૂજા પરાયણ રહેશે તે સર્વેને હું ધામમાં લઇ જઇશ. એક માસ, પંદર દિવસ, સાત દિવસ, ત્રણ દિવસ, અથવા એક દિવસ, પણ વ્રત કરનારને ભુક્તિ-મુક્તિ બંને પ્રાપ્ત થાય છે. બીજા સર્વે માસમાં વ્રત કષ્ટસાધ્ય છે. પુરુષોત્તમ માસમાં વ્રત સુગમ છે. તેથી હે જનો, આ પુરુષોત્તમ માસમાં મને એક સોપારી અર્પણ કરશે તો પણ બ્રહ્માના પદને પામશે. જલપાત્ર અર્પણ કરશે તો વૈરાજ પદ પામશે. એકટાણું કરશે તો ગોલોકને પામશે. ઉપવાસ ફલાહાર, નકત ભોજન કરશે તો નારાયણ સમાન થશે. તુલસીપત્ર પુષ્પનું દાન કરશે તો ઇન્દ્ર પદ પામશે. મંદિરમાં દીપ-દાન કરશે તો સૂર્ય-ચંદ્ર જેવા તેજસ્વી થશે. સારો પતિ, સારી પત્ની, પુત્ર-પુત્રી, સંપત્તિ જે ઈચ્છા હશે તે આ પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી મળશે. મારી લક્ષ્મી જેવા થવાની ઈચ્છા હોય તો લક્ષ્મી જેવી થઇ મને પુરુષોત્તમને પામશે. હે ભક્તો તમને ન અપાય એવી વસ્તુ આ બ્રહ્માંડમાં ક્યાંય નથી. મારો ભક્ત જે ઈચ્છે તેને વસ્તુ પદાર્થ સામર્થી સર્વે આપું છું. આ પુરુષોત્તમ માસની કથા અથવા એક અધ્યાય અથવા એક શ્લોક કોઇ વાંચશે અથવા સાંભળશે તેને પુરુષોત્તમ નારાયણમાં પ્રેમભક્તિ પ્રગટ થશે અને આલોકમાં જ અક્ષરધામનું અલૌકિક સુખ પ્રાપ્ત કરશે.